પોરબંદરના ફટાણા ગામે અનાજ કરીયાણાના વૃધ્ધ વેપારીને એટ્રોસીટીમાં ફસાવી દેવાની ધમકી આપી વારંવાર પૈસા પડાવાયા હોવાની તે જ ગામના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ફટાણા ગામે રહેતા નાગાભાઇ ખીમાભાઇ ઓડેદરા (ઉવ ૬૫) નામના વૃદ્ધે બગવદર પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ ફટાણામાં શ્રીક્રિષ્ણા પ્રોવીઝન સ્ટોર નામની અનાજ કરીયાણાની દુકાન ચલાવે છે અને બે મહિના પહેલા રાત્રિના આઠેક વાગ્યે તેઓ તથા તેમના પત્ની હીરાબેન દુકાને હતા ત્યારે તેની દુકાને કામ કરતો રહીમ કાથુરીયા, તેનો ભાઇ યાસીન, ફરીયાદીનો જમાઇ રામદે ખુંટી અને દીકરી નીરૂબેન વગેરે હતા ત્યારે ફટાણાનો રહેવાસી મહેશ રામાભાઇ બથવા ત્યાં આવ્યો હતો અને ‘તમારે સારી રીતે દુકાન ચલાવવી હોય તો મને પૈસા આપવા પડશે. જો તમે મને પૈસા નહીં આપો તો હું તમારી દુકાન બંધ કરાવી દઇશ અને મારી જાતેથી મારા માથાના ભાગે છરી અને બ્લેડ મારી અને પોરબંદર દવાખાને દાખલ થઇ જઇશ તથા તમારી વિરુધ્ધ ગંભીર ગુન્હાની સાથે એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરીશ અને તમારો દીકરો પુંજો લંડનથી આવશે ત્યારે તેને પણ મારી નાખીશ.’ તેમ કહી છરી બતાવી હતી. તેથી મહેશ બથવારની બીકના કારણે રૂપિયા આપવા માટે મજબૂર બન્યા હતા અને ૫૦૦ રૂા. વેપારના હતા એ આપતા મહેશ ત્યાંથી જતો રહ્યો હતો.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતો હોવાથી અને અવારનવાર ઘણા લોકો સાથે માથાકૂટ કરીને એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરાવેલ છે તેથી આવો ખોટો બનાવ ઉભો કરીને ફરિયાદી વૃધ્ધ સામે પણ ખોટી ફરિયાદ દાખલ કરે તેવી દહેશત જણાતા આ બનાવ અંગે કોઇને જાણ કરી ન હતી પરંતુ પોતાની સલામતી માટે તા. ૧૩-૭-૨૩ના દુકાનમાં સી.સી.ટી.વી. કેમેરા ફીટ કરાવ્યા હતા. તે બાદ તા.૧૫-૭ના સવારે ફરીયાદી અને તેમના પત્ની તથા રહીમ એમ ત્રણ લોકો દુકાને બેસીને વેપાર કરતા હતા તે સમયે મહેશ બથવાર દુકાને આવ્યો હતો અને ‘આજે તમે છેલ્લી વખત ૫૦૦ રૂ. આપી દો.હું ફરીથી તમારી દુકાને નહીં આવું’ તેમ કહ્યું હતું આથી ફરીયાદી નાગાભાઇ ઓડેદરાએ તેને જણાવ્યું હતું કે,‘અમારી પાસે પૈસા નથી તેથી હું તને પૈસા આપી શકું નહીં તેમ કહેતા મહેશે ફરીથી અગાઉની જેમ એટ્રોસીટીની ફરીયાદ દાખલ કરાવવાની ધમકી આપી હતી અને તેથી મજબુરીના કારણે વેપારના પડેલા પ૦૦ રૂ।. ફરીયાદીએ તેને આપ્યા હતા. એ સમયના સી.સી.ટી.વી.ફૂટેજ ચેક કર્યા હતા. પરંતુ દુકાનના મોબાઇલમાં તે સ્ટોરેજ થયા નહતા.
ત્યારબાદ તા. ૧૮-૭ના રાત્રે સાડા આઠ વાગ્યે ફરીયાદી ઉપરાંત તેમના પત્ની તેમજ દુકાને કામ કરતા રહીમ, યાસીમ અને રાહીન તથા ફરીયાદીના દીકરી નીરૂબેન અને જમાઇ રામદેભાઇ હતા ત્યારે ફરીથી મહેશ બથવાર ત્યાં આવ્યો હતો અને ૫૦૦ રૂ।. માગ્યા હતા આથી ફરીચાદી અને તેના પત્નીએ આજીજી કરીને ‘તું બીજી જગ્યાએ જા અમારો પીછો મુકી દે. અમે બે વખત તને ૫૦૦-૫૦૦ રૂ।. આપ્યા છે.’ તેમ કહેતા મહેશ ઉશ્કેરાઇને અગાઉની જેમ જ ધમકી આપતો હતો અને ગાળો બોલતો હતો આથી ફરીયાદીએ ૧૦૦ નંબર પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ દુકાને આવેલ રામદે નથુભાઇ ઓડેદરાએ મહેશને સમજાવીને દુકાનેથી મોકલી દીધો હતો.
તા.૧-૮-૨૩ના રાત્રે ફરીયાદી તથા તેના પરિવારના સભ્યો દુકાને વેપાર કરતા હતા ત્યારે ફરી મહેશ રામા બથવારે દુકાને આવીને ફરીથી ૫૦૦ રૂ।. માંગ્યા હતા અને ફરીયાદીએ પૈસા આપવાની ના પાડતા મહેશના ધ્યાને સી.સી.ટી.વી. કેમેરો આવી જતા ફરીયાદીની દુકાનમાંથી ડુંગળીનો દડો ઉપાડી સી.સી.ટી.વી.કેમેરામાં મારતા તે તૂટી ગયો હતો અને “તારે મને પૈસા આપવા જ પડશે નહીંતર ફરિયાદ માટે તૈયાર રહેજે.’ તેમ કહ્યું હતું આથી ફરિયાદીએ ‘મારી પાસે પૈસા નથી તમારે જે કરવું હોય તે કરો’ કહેતા મહેશ ગાળો બોલવા લાગ્યો હતો અને હાથમાં પહેરેલું કડુ વૃધ્ધના માથાના ભાગે મારી દેતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. મહેશ વધુકોઇ માથાકૂટ કરશે તેવી બીક લાગતા ૩૦૦ રૂા. આપી દીધા હતા અને જતા-જતા એવું કહ્યું હતું કે‘જો તમે પોલીસ ફરિયાદ કરશો તો આવતી કાલે એટ્રોસીટી માટે તૈયાર રહેજો” કહી ધમકી આપી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ફરીયાદી ૧૦૮માં બેસીને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા પરંતુ એટ્રોસીટીની બીકના કારણે પોલીસ ફરિયાદ કરી ન હતી.
તા.૨૪-૮ના રાત્રે ફરી મહેશ બથવાર આવી પહોંચ્યો હતો અને માથાકૂટ કરતો હતો અને ત્રાસ આપતા ૩૦૦ રૂ।. આપવા મજબૂર થવું પડયું હતું. ત્યારબાદ તા. ૨૯-૮ના સવારે સાત વાગ્યામાં ફરીયાદીના પત્ની દુકાને હતા ત્યારે મહેશ આવી ગયો હતો અને ફરીથી પૈસા માટે બળજબરી કરી હતી તેથી ફરીયાદીના પત્નીએ ૩૦૦ રૂ।. આપ્યા હતા જે લઇને જતો રહ્યો હતો.
આમ મહેશ બથવાર અવાર-નવાર દુકાને આવીને એટ્રોસીટીમાં ફીટ કરવાની ધમકી આપી પ્રથમ વખત ૫૦૦ બીજી વખત ૫૦૦, ત્રીજી વખત ૩૦૦ અને ચોથી વખત ૩૦૦ રૂ।. લેવાની સાથોસાથ ફરીયાદીને માર પણ માર્યો હોવાથી અંતે તેની સામે બગવદર પોલીસ મથકમાં ગુન્હો નોંધાવાતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.