મોડદર ગામના દંપતી સહીત ૩ લોકો દ્વારા કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરુ કર્યું છે.
કુતિયાણા તાલુકાના મોડદર-પસવારી ગામ વચ્ચે ના રસ્તા ના મુદ્દે 44 વર્ષથી ચાલતો વિવાદ વકર્યો છે . ત્રણ ખેડૂતોએ પોરબંદર કલેક્ટર કચેરી સામે પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતો એ જણાવ્યું હતું કે મોડદર –પસવારી વચ્ચે ના રસ્તા માટે 44 વર્ષ પહેલાં તૈયાર કરાયેલા મૂળ નકશામાં ફેરફાર કરીને એકતરફી નિર્ણય લેવાયો હતો અને સંપાદન પૂર્વે ખેડૂતો ની વાંધા અરજી હોવા છતાં તે પણ ધ્યાને લેવાઈ ન હતી.
નિર્ણય મુજબ, 90 ફૂટ પહોળી નદીમાં 300 ફૂટનો ત્રાંસો પુલ બનાવવાનું આયોજન છે, જેના કારણે અનેક ખેડૂતોની જમીન કપાતમાં જશે. ખાસ કરીને બે ખેડૂતો તો તેમની સંપૂર્ણ જમીનથી વંચિત થઈ જશે. આથી ઉપવાસ પર બેઠેલા ખેડૂતોએ જૂના નકશા મુજબ કામગીરી કરવા અને પુલની લંબાઈ ઓછી રાખવાની માંગ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા આ માંગ ધ્યાને લેવામાં આવી ન હતી અને નવા નકશા મુજબ સર્વેની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. આથી દંપતી સહિત ત્રણ ખેડૂતોએ કલેકટર કચેરી સામે પ્રતિક ઉપવાસ શરુ કર્યા છે. અને જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી પ્રતીક ઉપવાસ ચાલુ રાખશે તેવું પણ જાહેર કર્યું છે.