ગુજરાત સરકાર દ્વારા રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં તા. ૦૧/૧૨/૨૦૨૪ થી તા. ૦૭/૧૨/૨૦૨૪ સુધી વિવિધ યોજનાઓનો લાભ લેવા ઓનલાઇન અરજી કરવા માટે આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવશે.
જેમાં ખેડૂતો વેલાવાળા શાકભાજીના અર્ધપાકા મંડપ/ કાચા મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિમાં પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ મશીન, મેન્યુઅલ સ્પ્રેયર- નેપસેક/ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર, કપનીના સાધનો પ્રોસેસિંગના સાધનો, બાગાયતી પાક માટે પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય, ઔષધીય/ સુગંધિત પાકો માટે નવા ડીસ્ટીલેશન યુનિટ ઉભા કરવા, મિશન મધમાખી કાર્યક્રમ, પાવર નેપસેક સ્પ્રેયર/ પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬ લી. ક્ષમતા), પાવર નેપસેક સ્પ્રેયર/ પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા), પાવર નેપસેક સ્પ્રેયર/ પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા), સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, કંદ ફૂલો, દાંડી ફૂલો કુલ ૧૭ ઘટકોમાં લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરી શકશે.
ખેડૂતોએ સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી ત્યારબાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી નિયત જગ્યાએ ખેડૂતે સહિ/ અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો જેવા કે, ૭-૧૨, ૮-અ ના અધતન પ્રમાણિત ઉતારા, IFSC કોડવાળી રાષ્ટ્રીયકૃત બેંક પાસબુકની નકલ, આધારકાર્ડની નકલ , જો અનુસુચિત જાતિના ખેડૂત હોયતો જાતિ અંગેનું પ્રમાણપત્રની નકલ અરજીની પ્રિન્ટ આઉટ નકલ સાથે બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે જિલ્લાના નાયબ બાગાયત નિયામકની કચેરી,પોરબંદર, પ્રથમ માળ, રૂમ, રૂમનં.20, જીલ્લા સેવા સદન-2, સાંદિપની રોડ, પોરબંદર સમય મર્યાદામાં મોકલી આપવા ખેડુતોને અનુરોધ કરવામાં આવ્યો છે.