પોરબંદર ચોપાટી ખાતે થી પોલીસે નકલી આર્મીમેન ને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી છે.
પોરબંદર પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે બાતમી મળી હતી કે ચોપાટી પર એક શખ્સ ઇન્ડીયન આર્મીના ગણવેશનું પેન્ટ અને ગરમ જેકેટ પહેરીને આંટાફેરા કરી રહ્યો છે. પરંતુ તે શખ્શ આર્મી જવાન લાગતો નથી તેથી પોલીસ તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી. અને તપાસ કરતા એક સખ્શ આર્મીના યુનિફોર્મમાં જોવા મળ્યો હતો. આથી તેનું આઇ-કાર્ડ માંગતા તેણે કાર્ડ હાલ તેની પાસે ન હોવાનું અને હોવાનું જણાવ્યું હતું આથી પોલીસ ને શંકા જતા તેની અટકાયત કરી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.
જ્યાં તેની પુછપરછ કરતા પોતે ધોરણ -૧૦ પાસ હોવાનું અને મૂળ કુતિયાણાના સેગરસ ગામે તથા હાલ રાજકોટના સાપર વેરાવળમાં લોધિકા રોડ પર આનંદ સોસાયટી ખાતે ભાડાના મકાનમાં રહેતો સંજય ચના ડોડીયા (ઉ.વ.૩૦) હોવાનું જણાવ્યુ હતુ અને તે આર્મીમેન ન હોવાની કબુલાત આપી હતી આથી તે આર્મીની સેવામાં ન હોવા છતાં અને પોતે સૈનિક ન હોવા છતાં તે સૈનિક હોય તેવું માનવામાં આવે તેવા ઇરાદાથી વર્દી પહેરી હોવાનું સામે આવતા પોલીસે તેની ઝડતી કરતા તેની પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો જેમાં વોલપેપર પર ઇન્ડીયન આર્મીના જવાનનું ઇન્ડીયન આર્મી યુનિફોર્મની મંકીકેપથી ઢંકાયેલ ફોટોગ્રાફ હતો તથા વોટસએપ સ્ટેટસમાં અને ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.ના પ્રોફાઇલમાં પણ પોતે આર્મી યુનિફોર્મ પહેરેલા ફોટા મળી આવ્યા હતા.
પોલીસે તેનું ફેસબુક આઇ.ડી. તપાસતા તેમાં પણ પ્રોફાઇલમાં પોતે આર્મી યુનિફોર્મ પહેર્યો હોય હોય તેવો ફોટો મુક્યો હતો અને તેની ડિટેઇલ્સ જોતા ‘લીવ્સ ઇન પુના -મહારાષ્ટ્ર’ની ખોટી વિગત લખી હતી પોલીસે તેની પાસે રહેલ બેગ ચેક કરતા અંગ્રેજીમાં ઇન્ડીયન એરફોર્સ તથા હિન્દીમાં ભારતીય વાયુ સેના લખેલ મંકી કેપ તથા ઇન્ડીયન આર્મી ક્રોસ તલવારના લોગોવાળા કાપડમાંથી બનાવેલ ઇન્ડીયન આર્મીનો શર્ટ મળ્યો હતો જેની નેમ પ્લેટ માં ડોડીયા એ.એસ.સી.ના નામથી વેલ્ક્રોથી ચોટાડે હતું તથા આર્મીના કમાન્ડો પહેરે તેવા કેમોફલાઇઝ સ્કાફ જેના ઉપર કમાન્ડો લખેલ છે જે તમામ વસ્તુ મળી આવી હતી આથી આ શખ્સે આર્મીમેન ની ખોટી ઓળખ આપી કોઈ છેતરપિંડી કરી છે કે કેમ તે સહિતની બાબતો ને લઇ ને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે જેમાં તેણે રાજકોટ ખાતે સાપર-વેરાવળના કોઈ કારખાનામાં કામ કરતો હોવાનું જણાવ્યું હતું.