પોરબંદર
પોરબંદરના ઘુઘવતા સાગરકિનારે પ્રવાસીઓ અને પ્રજાજનો માટે ચોપાટીનું નવનિર્માણ થયું છે. સાથોસાથ પ્રવાસનને વેગ આપવા અમદાવાદ-સાબરમતીમાં જે રીતે રિવરફ્રન્ટ બનાવવામાં આવેલો છે, એ જ રીતે કર્લી જળાશય સ્થળે ૪૦ કરોડ ના ખર્ચે અસ્માવતી રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેનું લોકાર્પણ સંભવતઃ આગામી બીજી ઓક્ટોબર ના રોજ થશે તો ચાલો પોરબંદર ટાઈમ્સ ના સંગાથે જાણીએ આ રીવરફ્રન્ટ ની વિવિધ સુવિધાઓ અંગે રસપ્રદ માહિતી
સૌરાષ્ટ્રનો સૌ પ્રથમ રીવરફ્રન્ટ એટલે કે પોરબંદર શહેરની પૂર્વ તરફ હાઇવે ઉપર આવેલ કર્લીબ્રીજથી બંધ થઇ ગયેલી એચ.એમ.પી. ફેકટરી સુધી નિર્માણ કરાયેલ અસ્માવતી રીવરફ્રન્ટ સંપૂર્ણપણે તૈયાર થઇ ચુક્યો છે.સૌરાષ્ટ્ર ના ઘરેણા સમાન આ રીવરફ્રન્ટ અંગે માહિતી આપતા પોરબંદર પાલિકા ના એન્જીનીયર અજયભાઈ બારૈયા એ જણાવ્યું હતું કે પ્રવાસન વિભાગ દ્વારા ચાલીસ કરોડ ના ખર્ચે આ રિવરફ્રન્ટ બે કિલોમીટરની લંબાઇમાં બનાવવામાં આવ્યો છે.તેમાં બે દરવાજા છે જેમાં એક દરવાજો પોરબંદર શહેર તરફ છે જયારે બીજો દરવાજો છાયા શહેર તરફ છે આમ બન્ને શહેર ના લોકો પોતાના વિસ્તાર માંથી રીવરફ્રન્ટ પર આવી શકશે.આ રીવરફન્ટ ની સુવિધાઓ અંગે માહિતી આપતા અજયભાઈ એ જણાવ્યું હતું કે અહી એક ટ્રાયએન્ગ્યુલર પાર્ક પણ બનાવવામાં આવ્યો છે તેમાં ૪૦ મીટરની પહોળાઇમાં ગ્રીન હાઉસમાં વિવિધ પ્રકારના ફુલછોડ રાખવામાં આવશે.આ ઉપરાંત વિવિધ પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે . જેમાં ખાસ કરીને ૩૦૯ પામ વૃક્ષો, ૧૦૦ નાળીયેરી અને અલગ અલગ કલરના ગુલમહોર ઉપરાંત વિવિધ ઔષધીય વૃક્ષો વગેરેનો સમાવેશ થાય છે. સમગ્ર રિવરફ્રન્ટમાં લોકોને બેસવા માટે ૩૨૦ બેન્ચો બનાવવામાં આવી છે જુદા જુદા સ્થળે નાના મોટા બગીચાઓ અને તેમાં માછલી, પશુ-પક્ષી સહિતના આકારના વૃક્ષો મહેંદીના તૈયાર કરાયા છે.
રેસ્ટોરન્ટ અને ફૂડ કોર્ટ
આ રીવર ફ્રન્ટ માં ૧૮ જેટલા રેસ્ટોરન્ટ એટલે કે ફૂડ કોર્ટ નો પણ સમાવેશ થયો છે.જ્યાંથી લોકો ને ખાણીપીણી ની તમામ વસ્તુઓ મળી રહેશે.
બે મેડીટેશન સેન્ટર
શહેરીજનો યોગા,કસરત અને પ્રાણાયામ કરી શકે તે માટે બે જેટલા આધુનિક મેડીટેશન સેન્ટર પણ ઉભા કરાયા છે,
બાળકો માટે ખાસ ચિલ્ડ્રન પાર્ક
અહી નાના બાળકો માટે ખાસ અલગ ચિલ્ડ્રન પાર્ક પણ ઉભો કરાયો છે જેમાં રમત-ગમતના સાધનો,લપસપટ્ટી-ઝુલા વગેરે બાળ મનોરંજન ના સાધનો રાખવામાં આવ્યા છે.
મ્યુઝીકલ ફાઉન્ટન
આ રીવર ફ્રન્ટ માં એક મ્યુઝીકલ ફાઉન્ટન પણ બનાવવામાં આવ્યો છે જેમાં પોરબંદર ના પરમ્પરાગત મણીયારા રાસ ની થીમ ઉપરાંત અલગ અલગ થીમ પર મ્યુઝીક સાથે ના ફુવારા નું નિર્માણ કરાયું છે.
શોપિંગ મંડી અને આર્ટ સેન્ટર અને એમ્ફી થીયેટર ની પણ સુવિધા
રીવરફ્રન્ટ માં જ અંદર ના ભાગે એક શોપિંગ મંડી પણ બનાવવામાં આવી છે જે અલગ અલગ ધંધાર્થીઓ માટે ઉપયોગી નીવડશે ,આ રીવરફ્રન્ટ માં શહેર ના કલારસિકો માટે એક આર્ટ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે જ્યાં વિવિધ તસ્વીરો અને ચિત્રો નું પ્રદર્શન ગોઠવી શકાશે તો નાટક અને સ્ટેજ પ્રોગ્રામ માટે એમ્ફી થીયેટર નું પણ નિર્માણ કરાયું છે.
પાર્ટી પ્લોટ અને 6 જેટલા વિશાળ પાર્કિંગ
આ રીવર ફ્રન્ટ માં જ એક પાર્ટી પ્લોટ પણ બનાવવામાં આવ્યો છે.ઉપરાંત અહી આવતા પ્રવાસીઓ અને સ્થાનિકો ને વાહનો રાખવા માટે 6 જેટલા વિશાળ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે
સંચાલન માટે ખાસ કમિટી નું નિર્માણ
આ અસ્માવતી રીવરફ્રન્ટ ના સંચાલન માટે જીલ્લા કલેકટર ની અધ્યક્ષતા માં એક કમિટી બનાવવમાં આવી છે જે તેનું સંચાલન કરશે અને સમગ્ર રીવરફ્રન્ટ ત્રણ કે પાંચ વરસ માટે ખાનગી પાર્ટી ને સોપવા કમિટી દ્વારા નક્કી કરાયું છે.
માત્ર પાંચ રૂપિયા માં જ પ્રવેશ
આ આધુનિક રીવરફ્રન્ટ ની મોજ ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો પણ માણી શકે તે માટે અહી
પ્રવેશ માટે માત્ર પાંચ રૂપિયા જેટલો નજીવો ચાર્જ રાખવામાં આવશે. જેથી દરેક લોકો તેનો લાભ લઇ શકે
શા માટે અસ્માવતી નામકરણ ?
પોરબંદર ને સાંકળતા પૌરાણિક ગ્રંથો માં કર્લી જળાશય નો ઉલ્લેખ નથી પરંતુ અસ્માવતી નદી નો ઉલ્લેખ છે આથી તે કર્લી જળાશય ના કાંઠે આવેલ હોવા છતાં તેનું નામકરણ અસ્માવતી રીવરફ્રન્ટ રાખવામાં આવ્યું હોવાનું પણ પાલિકા ના અધિકારી એ જણાવ્યું હતું
બોટિંગ ની પણ સુવિધા
આગામી સમય માં અહી બોટિંગ ની સુવિધા પણ ઉભી કરવામાં આવશે જેથી શહેરીજનો અન્ય હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળ ની જેમ જ ઘર આંગણે પણ બોટિંગ ની મજા માણી શકશે.
આમ સૌરાષ્ટ્ર ના પ્રથમ એવા આ રીવર ફ્રન્ટ માં શહેરીજનો માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેથી ચોપાટી બાદ આ રીવરફ્રન્ટ એ શહેરીજનો અને પ્રવાસીઓ માટે ફરવાના સ્થળો માં એક અલગ આકર્ષણ નું કેન્દ્ર બનશે. અને આ રીવરફ્રન્ટ એ શહેરીજનો માટે એક અનમોલ નઝરાણું બનશે.આથી પોરબંદર વાસીઓ પણ આ રીવરફ્રન્ટ ના લોકાર્પણ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.
મિત્રો,પોરબંદર ટાઈમ્સ નો આ ખાસ અહેવાલ કેવો લાગ્યો તેના વિશે જરૂર થી જણાવજો અને આ અહેવાલ શેર કરવાનું ભૂલશો નહી આપના પ્રતિભાવો અમને આ ઈમેઈલ આઈડી પર મોકલી આપજો porbandartimes@gmail.com
જુઓ ડ્રોન કેમેરા વડે લેવામાં આવેલ અસ્માવતી રીવરફ્રન્ટ નો આ નયનરમ્ય નઝારો