પોરબંદર માં બેગલેસ ડે ના દિવસે પણ સ્કૂલબેગ લઇ અભ્યાસ કરવા જવું પડ્યું હતું મોટા ભાગ ની ખાનગી શાળાઓ માં અમલવારી કરાઈ ન હતી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ આ મામલે શાળાઓ ને નોટીસ પાઠવવામાં આવશે તેવું જણાવ્યું છે.
પોરબંદર સહીત રાજ્યભર ની શાળાઓ માં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિનઅનુદાનિત શાળાઓમાં ધો.૧ થી ૮ના બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમતગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર-સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે યોજવા માટે સુચના આપવામાં આવી છે. પરંતુ પોરબંદર જિલ્લા માં સતત બીજા શનિવારે તેની કોઈ અમલવારી કરવામાં આવી ન હતી અને બાળકો એ ફરજીયાત સ્કૂલબેગ લઇ ને જ અભ્યાસ કરવા જવું પડ્યું હતું. જેથી સરકારી પરિપત્ર અને બેગલેસ ડેની ઉજવણીનો ફિયાસ્કો થયો હોય તેવુ સામે આવ્યું હતું.
જો કે આગલા દિવસે સાંજ સુધી વિદ્યાર્થીઓ ને બેગ વગર અભ્યાસ કરવા આવવાની સુચના ન આપવામાં આવતા જાગૃત વાલીઓ પણ આ મુદ્દે ચિંતાતુર બની ગયા હતા અને સવારે બાળકોને બેગ સાથે ભણવા મોકલવા કે બેગ વગર? તેવી ચિંતા માં મુકાયા હતા અનેક વાલીઓ એ તો પ્રિન્સિપાલ થી લઇ ને શિક્ષકોને ફોન કરી આ મામલે પુછપરછ પણ કરાઈ હતી ત્યારે શાળા સંચાલકો એ આ અંગે કોઈ સુચના મળી ન હોવાનું જણાવતા બીજા દિવસે રાબેતા મુજબ જ શૈક્ષણિક કાર્ય ચાલુ રહ્યું હતુ.જો કે અનેક સરકારી શાળાઓ માં બેગલેસ ડે ની અમલવારી થઇ હોવાનું જાણવા મળે છે.
અમલવારી ન કરનાર શાળા ને નોટીસ અપાશે
આ મામલે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનોદભાઈ પરમારે એવું જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે જ ગ્રુપો માં સુચના મુકવામાં આવી હતી તેમજ ઓનલાઈન વીસી અંગે પણ માહિતી મુકવામાં આવી હતી. અને જે જે શાળાઓ માં ઉજવણી થઇ છે તેના ફોટા પણ ગ્રુપ માં શેર કરવા સુચના આપી છે. જેથી જે શાળાઓ એ અમલવારી કરી નથી તે તમામ ને નોટીસ પાઠવી આવતા શનિવાર થી ચુસ્તપણે અમલવારી કરે તેવી સુચના આપવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું.