પોરબંદરના ઘેડ પંથકના 8 હજારની વસ્તી ધરાવતું કડછ ગામ આઝાદીના 77 વર્ષ વીતી ગયા પછી પણ બેન્ક જેવી પાયાની સુવિધા થી વંચિત છે ત્યારે સરપંચ સહિત પદાધિકારીઓએ વધુ એક વખત ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી છે.
પોરબંદરના કડછ ગામના સરપંચ કરશનભાઇ ગાંગાભાઇ વાઘેલા અને તાલુકા પંચાયતના સદસ્ય રામદેભાઇ મુરૂભાઇ વાઘેલાએ સાંસદ ડો. મનસુખભાઇ માંડવીયા સહીત ઉચ્ચ કક્ષા એ કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યુ છે કે કડછ ગામ ઘેડ વિસ્તારનું એક મોટુ ગામ છે અને ગામની હાલની વસ્તી 8000ની આસપાસ છે અને આજુબાજુના 3 થી 4 કિ.મી.ના એરિયામાં કુલ મળીને 4 થી 5 ગામની વસ્તી 20000 ની થાય છે. કડછ ગામમાં એકપણ બેંકની શાખા ઉપલબ્ધ નથી અને આજુબાજુના 10 કિ.મીના એરિયામાં બેંકની શાખા ઉપલબ્ધ નથી.
કડછ ગામમાં ખેતીની જમીનનો વિસ્તાર પણ ખૂબ મોટો છે. જેથી રેવન્યુ રેકર્ડ પર ગામમાં 3 થી 4 હજાર ખેડૂત ખાતેદારોની સંખ્યા છે. ગામમાં ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ ખૂબ મોટા પ્રમાણમાં છે.ગામમાં 15 થી વધારે દૂધ ડેરીઓ છે. જેથી ગામમાં પશુપાલકોને દૂધના પૈસાની લેવડદેવડ બેંક મારફત દર મહિને એક કરોડથી વધારે રકમની થાય છે. કડછ ગામમાં તથા ઘેડ વિસ્તારમાં રવિ પાક તરીકે ચણાનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. જેથી કડછ વેપારી દ્રષ્ટિએ પણ સેન્ટર ગણાય છે. ગામમાં ખુબ મોટો બેંકીંગને લગતો બિઝનેશ હોવા છતાં ગામમાં એકપણ બેંકની શાખા ઉપલબ્ધ નથી. જેથી ગામના લોકોને બેંકના કોઇપણ કામકાજ માટે 15 કિલોમીટર દૂર માધવપુર જવુ પડે છે અને મુશ્કેલી વેઠવી પડે છે. આ બાબતે ઘણા લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં બેંકની શાખા ચાલુ કરવાનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.જેથી બેંક ની શાખા ચાલુ કરવા માંગ કરાઈ છે.
વર્ષે ૧૦૦ કરોડ થી વધુ નું થાય છે ટર્નઓવર
રજૂઆત માં જણાવ્યું છે કે ગામમાં 10થી વધારે વેપારી પેઢીઓ છે. તે તમામ પેઢીઓ અલગ-અલગ બેંકોમાં કરંટ બેંક એકાઉન્ટ ધરાવે છે. અને નાણાકીય વર્ષ દરમિયાન 100 કરોડથી વધારે રકમનું ટર્નઓવર કરે છે. માધવપુર ખાતે સરકાર દ્વારા શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગે ખૂબ મોટા પાયે મેળાનું આયોજન કરવામાં આવે છે તે ભગવાન -શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગે વર્ષો પૂર્વથી કડછ ગામ જોડાયેલુ છે અને આ પ્રસંગ દરમિયાન દેવી રૂક્ષ્મણીના પરિવાર તરીકે જાય છે. ગામના લોકો અલગ અલગ બેંકોમાં 5000 જેવા બચતખાતાઓ ધરાવે છે. તથા ગામના ખેડૂતો પાક ધિરાણ લોન તથા અન્ય લોન કુલ મળીને 30 કરોડથી વધારે રકમની લોન અને અલગ અલગ બેંકોમાં 10 કરોડથી વધારે રકમની ફીકસ ડીપોઝીટ ધરાવે છે.
ચોમાસા દરમિયાન જળબંબાકાર ના કારણે વધુ મુશ્કેલી
સ્થાનિક કેશુભાઈ ભોગેસરા એ એવું જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઇ જાય છે જેથી લોકો ઘરની બહાર નીકળી શકતા નથી આથી ચોમાસા દરમિયાન આર્થિક વહીવટ અને બેન્કના વહીવટ માટે માધવપુર જવુ હોય તો ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓ ને સ્કોલરશીપ સહિતની સરકારી સહાય બેન્ક એકાઉન્ટમાં જમા થતી હોય છે તેથી વિદ્યાર્થીઓને પણ બેન્કના અભાવે ખૂબજ મુશ્કેલી વેઠવી પડે છે. અત્યાર ના સમય ખેડૂતો ને પાક ના પૈસા હોય કે પાક નુકશાનીના પૈસા,સરકારી સહાય હોય કે પશુપાલકો ને દુધ ના નાણાં સરકાર ની તમામ યોજનાઓ ના પૈસા લોકો ને બેંક મારફત જ મળે છે જીલ્લા માં કડછ ગામથી ઓછી વસ્તી ધરાવતા ગામોમાં પણ બેંક ની શાખાઓ કાર્યરત છે અને જીલ્લા માં ઘણા એવા ગામો છે કે માત્ર પાંચ સાત કિમી ના એરીયામા પણ બેંક ની શાખાઓ ઉપલબ્ધ છે પરંતુ કડછ ગામ હજુ સુધી આ પાયા ની સુવિધા થી પણ વંચિત છે.