પોરબંદર પંથક માં પીજીવીસીએલ ટીમ દ્વારા વીજચોરી અંગે ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં બે દિવસ માં રુ ૨૦.૪૭ લાખ ની વીજચોરી ઝડપાઈ છે.
હાલમાં વિધાનસભા ની ચુંટણીના કારણે પોરબંદર ના મોટા ભાગ ના વીજ કર્મચારીઓ ચુંટણી ફરજ માં રોકાયેલ હોવાથી વિજ ચેકિંગ ની કામગીરી મંદ હતી. પરંતુ ચુંટણી ની કામગીરી પૂર્ણ થતા જ એક્શન મોડ માં આવી ને વિજ ચેકિંગ અંગે ની કામગીરી ફરી થી શરુ કરાઈ છે. જેમાં જીલ્લાના વિવિધ સબ ડીવીઝનો માં તા ૧૯ તથા ૨૦ ના રોજ પીજીવીસીએલના વિજીલન્સ વિભાગ ની સુચના મુજબ ગ્રામ્ય તથા શહેર ડીવીઝન ફેઠળ આવતા વધુ વિજ લોસ ધરાવતા ફીડરો માં વિજ ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં બગવદર, રાણાવાવ, રાણા કંડોરણા, કુતિયાણા, માધવપુર તેમજ પોરબંદર શહેરના ઝુંડાળા, મીલપરા, સુભાસનગર, ઘાસ ગોડાઉન પાછળ ના વિસ્તાર માં વહેલી સવારે એસઆરપી તેમજ પોલીસ બંદોબસ્ત સાથે વિજ ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રહેણાક હેતુ ના ૧૦૯૩ વિજ જોડાણો, વાણીજ્ય હેતુના ૧૬૭ વિજ જોડાણો, ઔદ્યોગિક હેતુના ૧૯ વિજ જોડાણો અને ખેતીવાડી ના ૨૦૪ વિજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી રહેણાંક હેતુ ના ૧૩૬ વિજ જોડાણો માં તથા વાણીજ્ય હેતુના ૧૬ વિજ જોડાણ માં અને ખેતીવાડી ના ૨૧ વિજ જોડાણો માં ગેરરીતી સામે આવતા ગેરરીતી કરનાર ને રુ ૨૦. ૪૭ લાખ ના દંડનીય પુરવણી બીલો આપવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન ૨૪ જેટલા વિજ જોડાણો ડાયરેક્ટ લંગરીયા વાળા પણ પકડાયા હતા. જેની સામે નિયમાનુસાર પોલીસ ફરિયાદ કરવા ની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. જેના કારણે વિજચોરોને ભર શિયાળે પરસેવો વળી ગયો છે.અને ફફડાટ ફેલાયેલ છે.
હાલમાં પીજીવીસીએલ – પોરબંદર વર્તુળ કચેરી હેઠળ વીજલોસ નું પ્રમાણ વધવા પામેલ હોય વિજ ચોરી ને કારણે તંત્ર ને ભોગવવો પડતો હોય વિજ લોસ ઘટાડવા સતત વિજ ચેકિંગ ડ્રાઈવો યોજવામાં આવી રહી છે.