પોરબંદર કોસ્ટલ પી.જી.વી.સી.એલ.ના ઇલેકટ્રીક આસીસ્ટન્ટ અને લાઇનમેન સાથે ઝઘડો કરીને હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદર ના છાયામાં ૬૬ કે.વી. સબસ્ટેશન સામે રહેતા અને કોસ્ટલ પી.જી.વી.સી.એલ.ના સબડિવિઝનમાં ઇલેકટ્રીક આસીસ્ટન્ટ તરીકે સાત વર્ષથી ફરજ બજાવતા વીરેન્દ્ર દીપકભાઈ સોલંકી(ઉવ ૩૦)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તા. ૧૫-૯ના રાત્રે તેમને ઓફિસેથી જાણ કરવામાં આવી હતી કે કોલીખડા -આદિત્યાણા રોડ પર શ્રીરામના પાટીયા પાસે ૧૧ કે.વી.નો વીજ વાયર તૂટી ગયો છે અને સતીષ ભીમાભાઇએ આ ફોલ્ટ લખાવ્યો છે આથી ફરિયાદી તથા લાઈનમેન અનીલભાઈ વાંદરીયા અને બોલેરોના ડ્રાઇવર ગિરીરાજસિંહ જાડેજા ફોલ્ટવાળી જગ્યાએ પહોંચ્યા અને ત્યાં જઈને જોયુ તો ૧૧ કે.વી. લાઈન ચાલુ હતી કોઈ ફોલ્ટ ન હતો. આથી લાઇનમેન અનીલભાઇએ ફોલ્ટ લખાવનાર સતીશને ફોન કરીને ‘તમે ફોલ્ટ લખાવ્યો છે તે જગ્યાએ અમે ચેક કરેલ છે. પરંતુ તે લોકેશન મળેલ નથી. તમે અહીં જગ્યા ઉપર આવીને ફોલ્ટવાળી જગ્યા બતાવો.’
સતીશે એવું જણાવ્યુ હતુ કે, ‘હું શ્રીરામના પાટીયે રોડ પર છું તમે અહીં આવી જાવ.’ આથી સાડા અગિયાર વાગ્યે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ચાર જેટલા લોકો ઉભા હતા તેથી ફરીયાદીએ સતીશભાઈ કોણ છે? ફોલ્ટ લખાવ્યો છે. તેથી એક ઇસમે ‘હું સતીશ છું. તમે પહેલા ગાડીની નીચે ઉતરો’ આથી ફરિયાદી તથા તેના લાઇનમેન બોલેરોમાંથી નીચે ઉતર્યા ત્યારે સતીશે લાઇનમેન અનીલને ઝાપટ મારી હતી આથી ફરિયાદીએ હાથ ચાલાકી કરવાની ના પાડતા સતીશે ‘તમારો સાહેબ અમારા ફોન કેમ ઉપાડતો નથી?’ એ દરમિયાન એક અન્ય ઇસમ ત્યાં આવીને બોલવા લાગ્યો હતો કે ‘હું પ્રતાપ રામા ખુંટી છું તમે શા માટે ઈલેકટ્રીક લાઈન બંધ રાખી છે અને લાઇન બંધ હોય પછી તમારો સાહેબ કોઇના ફોન ઉપાડતો નથી.’ આથી ફરિયાદીને સમજાવ્યુ હતુ કે ‘ફોલ્ટ હોય ત્યારે લાઈન બંધ કરવામાં આવે છે
અને સમારકામ થઇ ગયા પછી ચાલુ કરી દેવામાં આવે છે.’ આથી સતીશે ‘અમારે તમારી દલીલો સાંભળવી નથી એમ કહીને ફરિયાદીના ગાલ પર ઝાપટ મારી દીધી હતી.’ આથી મારામારી કરવાની ના પાડતા સતીશભીમા, પ્રતાપ રામા ખુંટી અને બે અજાણ્યા માણસો ગાળો બોલવા લાગ્યા હતા અને તમારા જુનિયર એન્જીનીયર કેશવાલાને અહીં બોલાવો પછી જ તમને લાઈન રીપેર કરવા દેવી છે. જયાં સુધી તમારા સાહેબ નહી આવે ત્યાં સુધી લાઈન રીપેર કરવા દેશું નહી’ આથી ફરિયાદીએ તેને સમજાવ્યા હતા કે ‘અમારા સાહેબ ઓફિસે હાજર નથી તેથી ફોન ઉપાડયો નહી હોય.’ ત્યારબાદ ચારેય જણા ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ૧૧ કે.વી.ની મેઇનલાઇન પર તમામ લાઇનો ચેક કરતા ફોલ્ટ ન હતો પણ ૧૧ કે.વી. રાતડીની લાઈનનો ફોન હતો ત્યાં જઈને સમારકામ કર્યા બાદ ઓફિસે આવ્યા હતા અને તેમના અધિકારીને બનાવની જાણ કરી હતી. આથી અંતે ફરિયાદી અને લાઇનમેનને ફરજમાં રૂકાવટ કરી માર મારનારા સતીશ ભીમા, પ્રતાપ રામા ખુંટી અને બે અજાણ્યા માણસો સામે ગુન્હો નોંધાવ્યો છે.