પોરબંદર જિલ્લા મિનરલ ફાઉન્ડેશન દ્રારા સામુહિક આરોગ્ય કેન્દ્ર કુતિયાણા ખાતે ટીબીઓના દર્દીઓનું તુરંત નિદાન થાય તે માટેનું ટ્રુનાટ મશીન ફાળવવામા આવ્યુ છે. આ મશીનની મદદથી શંકાસ્પદ દર્દીઓના ગળફાની તપાસ કરવાની સાથે સાદુ ટીબી છે કે એમડીઆર (મલ્ટી ડ્રગ રેજીસ્ટેન્ટ) છે તેની ઓળખ પણ કરવામા આવે છે. આ મશીનની મદદથી શંકાસ્પદ દર્દીઓના ગળફાની તપાસ કરવામાં સરળતા રહે છે.
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત દેશને ટીબી મુક્ત કરવા સરકાર દ્રારા અવેરનેશ કાર્યક્રમ યોજવાની સાથે સાથે ટીબીની આધુનિક સારવાર અને લક્ષણોના ઓળખ માટે અધતન મશીન હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્ર તથા ક્ષય કેન્દ્રોને ફાળવવામાં આવે છે. આધુનિક મશીનની મદદથી શંકાસ્પદ દર્દીના ગળફામાંથી ટીબીના લક્ષણોને સરળતાથી ઓળખી શકાય છે.
પોરબંદર જિલ્લાને ભારત સરકાર દ્રારા સબ નેશનલ સર્ટિફિકેશન-૨૦૨૨ માટે સિલ્વર મેડલ એનાયત કરાયું હતું. તેમાં પણ આ ટ્રુનાટ મશીનનું યોગદાન છે. અત્રે નોંધનીય છે કે પોરબંદર જિલ્લામા પોરબંદર જિલ્લા ક્ષય કેન્દ્ર, રાણાવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા કુતિયાણા સામુહિક આરોગ્ય ખાતે જ આ આધુનિક મશીન આવેલા છે. પોરબંદર જિલ્લામા અન્ય કોઇ ખાનગી હોસ્પીટલમા આ મશીન આવેલા નથી તેમ જિલ્લા ક્ષય અધિકારીએ જણાવ્યુ હતુ.