પોરબંદરમાં પડેલા ભારે વરસાદને કારણે વેપારીઓને પણ ખુબ મોટુ નુકશાન થયુ છે. અને ખોળ, કપાસીયા, ભુંસા સહિત અનાજ કરિયાણુ પલળી ગયુ છે. તેથી વ્યાપાર ઉદ્યોગ જગત દ્વારા ધારાસભ્ય સહિત વીમા કંપનીઓને આવેદન પાઠવાયુ છે.
વ્યાપાર ઉદ્યોગજગતના અગ્રણી અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ નલીનભાઈ કાનાણી તથા કેતનભાઈ ભરાણીયા વગેરેએ ધારાસભ્ય સહિત જુદી જુદી વીમા કંપનીઓને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યુ છે કે અમો વ્યાપાર ઉદ્યોગજગતના પ્રતિનિધિ છીએ અને અમારા ગૃપમાં અનેક અલગ- અલગ પ્રકારનો વેપાર-ધંધો કરતા વેપારીઓ સંકળાયેલા છે. અમારી સંસ્થાને મળતી મૌખિક અને લેખિત ફરીયાદો અનુસાર ગત માસમાં અને તાજેતરમાં પોરબંદર વિસ્તારમાં થયેલ અતિભારે વરસાદના કારણે પોરબંદરના વેપારી વિસ્તાર સુતારવાડાની અનેક દુકાનો, નવા કુંભારવાડાના નીચાણવાળા વિસ્તારની દુકાનો તેમજ માર્કેટીંગ યાર્ડની દુકાનો અને ગોડાઉનો તેમજ પોરબંદર જી.આઈ.ડી.સી.માં ઉદ્યોગ સંચાલકો તથા કોમોડીટી દાણા તથા કપાસીયા-ભુસાના વેપારીઓના ગોડાઉનમાં વેપારીઓનો અનાજ કરીયાણા સહિતનો માલસ્ટોક હતો તે પલળી જવા પામેલ છે, નુકશાન પામેલ છે અને તેના કારણે વેપારીઓને પારાવાર નુકશાન થયેલ છે.
આ નુકશાન પામેલ છે તે વેપારીઓએ પોતાના માલસામાનના જોખમ સામે અલગ-અલગ વીમા કંપનીઓ પાસેથી સ્ટોકનો વીમો લીધેલ હોય છે, કુદરતી વરસાદના કારણે વળતર માટે માંગણી કરેલ છે, કલેઇમ કરેલ છે. પરંતુ એકપણ વેપારીને સંતોષજનક જવાબ મળતો નથી. વેપારીઓ દ્વારા કરવામાં આવેલ કલેઇમમાં મોડુ થતુ હોય તે માટે સરકાર દ્વારા ભારપૂર્વક નિર્ધારિત સમય મર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે તો વેપારીઓ અને વહેલી તકે નુકશાનીનું વળતર મળી જાય અને રોલીંગ અટકેલ છે તે પુનઃ શરૂ કરી શકાય.
તો આ તમામ વેપારીઓના હિતમાં પોરબંદરના તમામ વેપારીઓ વતી પોરબંદરની વીમા કંપનીઓને આ બાબતે સુચના સહ ભલામણપત્ર મોકલી આપી અમોને વેપારીઓના ન્યાયીક પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરાવી આપવા ઘટીત કાર્યવાહી કરવા અપીલ છે. વ્યાપાર ઉદ્યોગ જગત દ્વારા પોરબંદરના ધારાસભ્ય ઉપરાંત જુદી જુદી વીમા કંપનીઓને પણ લેખિતમાં જાણ કરી વહેલીતકે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા વેપારીઓએ અપેક્ષા રાખી છે.