પોરબંદર નો અસ્માવતી રીવરફ્રન્ટ વહેલીતકે ખુલ્લો મુકવા નાગરિક સંગઠન દ્વારા કલેકટર ને આવેદન પાઠવાયું છે.
પોરબંદર નાગરિક સંગઠન દ્વારા કલેકટર ને પાઠવેલ આવેદન માં જણાવ્યું છે કે શહેર ના પ્રવાસનને વિકસાવવા અને શહેરીજનો ની સુવિધા હેતુ રૂપીયા ૪૧ કરોડ થી વધુ માતબર ખર્ચ સાથે અસ્માવતી રીવરફ્રન્ટ નું નિર્માણ કરાયું છે અહી બાળકોના રમત-ગમત, યુવાનો માટે વોકીંગ-સાયકલીંગ, બોટીંગ સહિતની ની સુવિધાઓ ઉપલબ્ધ છે, શહેરીજનો અને આસપાસના પ્રવાસીઓ આ જગ્યાનો પુરતો ઉપયોગ કરી આનંદ માણી રહયા હતાં તેમજ પ્રવાસીઓ માટે આ સ્થળ એક આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.
આટલું મોટું રોકાણ કર્યા બાદ કોન્ટ્રાકટ પુર્ણ થયો હોવાના કારણ સાથે દોઢ બે માસથી આ જગ્યા બંધ કરી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા તાળા લગાડી પ્રવેશબંધી કરવામાં આવી છે. સરકારે પ્રજા માટે કરેલ આવા જાહેર સંકુલનો ઉપયોગ ન થાય તે કોઈપણ સંજોગોમાં વ્યાજબી બાબત નથી અને જન્માષ્ટમી અને નવરાત્રી જેવા તહેવારો નો તો શહેરીજનો એ લ્હાવો ગુમાવ્યો છે પરંતુ આગામી સમયમાં દીવાળી પર્વ જેવા તહેવારો અને રજાઓ આવી રહી છે ત્યારે શહેરીજનો અને પ્રવાસીઓ માટે આ રીવરફ્રન્ટ વાળી જગ્યા તાત્કાલીક અસરથી ખોલી આપી જરૂરી સુવિધાઓ પુર્ણ કરવામાં આવે તેવી સમગ્ર શહેરીજનો વતી માંગણી સહ વિનંતી કરવામાં આવી છે કલેકટરે આ અંગે યોગ્ય કરવા ખાતરી આપી છે.