રાણાવાવ ના કેરાળા ગામે થી સુજલામ સુફલામ જળ અભિયાન નો જીલ્લા કક્ષા નો પ્રારંભ કરાયો છે.
સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ નો પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના કેરાળા ગામ ખાતે આવેલ કેરાળા કેનાલની સફાઈના ખાતમુહૂર્ત સાથે પ્રારંભ કરાયો છે. આ કેનાલમાંથી ૪ ગામોના ૪૮ હેકટર વિસ્તારને લાભ મળશે. આ ઉપરાંત પોરબંદર જિલ્લામાં ૧૪૦ કામોનું આયોજન કરાયું છે.
સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા સહિત મહાનુભાવો, અધિકારીઓ, અગ્રણીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં કેરાળા બ્રાન્ચ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનનું ખાતમુહૂર્ત કરવાની સાથે બાપોદર કાર્યક્રમ યોજાયો હતો.
જુના તળાવો, ચેક ડેમો, કેનાલો ઊંડા કરવાની સાથે, સમારકામ કરવામાં આવે, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં જળવાઈ રહે, પાણીનો ભરાવો અટકે અને કેનાલો સાફ કરવામાં આવે જેથી ખેડૂતોને સિંચાઈનો, પીવાના પાણીનો લાભ મળે તે માટે રાજ્ય વ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાયો છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો.
આ તકે સાંસદ રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે,સુજલામ સુફલામ જળ અભિયાનથી પોરબંદર જિલ્લામા પાણીના સ્તર ઉચા આવ્યા છે. વર્ષ ૨૦૨૨ દરમિયાન થયેલી કામગીરીથી જળ સંગ્રહ શક્તિમાં અંદાજે ૨૦૫.૧૧ લાખ ધન ફૂટ જેટલો વધારો થયો છે. સરકાર ખેડૂતલક્ષી સરકાર હોય વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોનો વિકાસ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને ઉત્સાહથી કામ કરે છે. આ અભિયાનને આગળ ધપાવવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને અભિનંદન પાઠવું છું.
જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરાએ જણાવ્યું કે, ખેડૂતોને પાણી અને વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ પોરબંદર જિલ્લામાં ૧૪૦ કામોનું આયોજન કરાયું છે. આ અભિયાનથી વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાશે. જેનો લાભ ખેડૂતો અને ગ્રામજનોને મળી રહેશે. આ અભિયાનથી ખેતીના ઊભા પાકને સિંચાઈનો લાભ વધુ મળવાની સાથે ખોદકામ દરમિયાન નીકળેલી માટી જમીનની ફળદ્રુપતામાં વધારો કરશે.
સિંચાઇ વિભાગના અધિકારી કારાવદરાએ સુજલામ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૩ ની કામગીરીની રૂપરેખા આપી જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ કુલ ૧૪૦ કામો નું આયોજન કરાયું છે. જેમાં જળ સંપતિના ૭૯ કામો, ગ્રામ વિકાસના ૩૦ કામો, વન વિભાગના ૧૦ કામો, વોટર શેડના ૪ કામો, પોરબંદર છાયા નગરપાલિકાના ૫ કામો તથા જા. આ. બાં. વિભાગના ૧૨ કામોનો સમાવેશ કરાયો છે. આ અભિયાન દ્વારા મનરેગા યોજના હેઠળ પોરબંદર જિલ્લાના અંદાજે ૨૪,૬૦૦ થી વધુ માનવદિનની રોજગારી શ્રમિકોને મળશે. કાર્યક્રમની આભાર વિધિ કુતિયાણા પ્રાંત અધિકારી પારસ વાંદાએ કરી હતી.
આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાધુ સહિત અધિકારીઓ, મહાનુભાવો, તાલુકા પંચાયત પ્રમુખ, અલગ અલગ ગામના સરપંચઓ, આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.