પોરબંદર મનપા બન્યા પછી શહેરના વિકાસ માટે સૂચનો લેવા પ્રથમ વખત બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ, પરંતુ બેઠક માં માત્ર સરકાર ના ગુણગાન ગાનારા અને ભાજપ અગ્રણીઓ ને જ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. વિપક્ષ કોંગ્રેસ કે મીડિયા ને કોઈ જાણ પણ કરવામાં આવી ન હતી જેને લઇ ને અનેક ચર્ચાઓ જાગી છે.
પોરબંદર ને મહાનગરપાલિકા જાહેર થયા ના સવા મહિના બાદ કમિશ્નર દ્વારા શહેર ના વિકાસ માટે તથા લોકો ને કઈ રીતે સારી સુવિધાઓ આપી શકાય તેના સૂચનો માટે બેઠકનું આયોજન શનિવારે કરાયું હતું. વહીવટદાર કમ કલેકટર એસ.ડી.ધાનાણી તથા મ્યુનિસિપલ કમિશ્નર એચ.જે.પ્રજાપતિ ની અધ્યક્ષતામાં મહાનગરપાલિકા કચેરી ખાતે યોજવામાં આવેલી આ બેઠકમાં ધારાસભ્ય મોઢવાડિયા,પૂર્વ ધારાસભ્ય બોખીરીયા,નગરપાલિકાના પુર્વ પ્રમુખો સરજુ કારીયા અને ચેતનાબેન તિવારી એક્ઝિક્યુટિવ કમિટીના પુર્વ ચેરમેનો શૈલેષ જોષી અને દિલીપ ઓડેદરા ઉપરાંત મનપા માં નવી ભળેલી ગ્રામ પંચાયતો જાવર, વનાણા, રતનપર, અને દિગ્વિજયગઢ ના પૂર્વ સરપંચો,ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશ કારીયા,ડિસ્ટ્રીકટ ચેમ્બર ના પ્રમુખ જતીન હાથી,આર્કિટેક એસોસિએશનના પ્રમુખ ઋષભ વારીયા અને બિલ્ડર એસોસિએશનના પ્રમુખ હર્ષિત રૂઘાણીને નિમંત્રિત કરવામાં આવ્યા હતા.
એ સિવાય કોઈ સંસ્થાઓ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના આગેવાનો,મીડિયા સહિતનાઓનો બેઠકમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો.જેને લઇ ને અનેક ચર્ચાઓ જાગી છે. ઉલ્લેખનીય છે કે જયારથી મનપા જાહેર થઇ છે. ત્યારથી અલગ-અલગ પ્રકારના વેરાના અને દંડના નામે પ્રજા ને પરેશાન કરવામાં આવી રહી છે. સમસ્યાઓ ના નિરાકરણ માં દિવસો વીતી જાય છે. ત્યારે બેઠક માં પ્રજા નો અવાજ ઉઠાવનાર અને પ્રશ્નો ની રજૂઆત કરનારના બદલે હા જી હા કરનાર અને સરકારના ગુણગાન ગાનારા લોકોને જ બોલાવવામાં આવતા રોષ જોવા મળે છે.
રૂબરૂ મળીને કમિશ્નરને રજૂઆત કરવા છતાં જાણ કરાઈ નહી : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
જિલ્લા કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ રાજુ ઓડેદરાએ જણાવ્યું હતુ કે મનપા જાહેર થયા બાદ મ્યુનિસિપલ કમિશ્નરને રૂબરૂ મળી શહેર ના વિકાસ અથવા તો આયોજનની વાત હોય તો સાથે રાખવા જણાવ્યું હતું પરંતુ દુખ સાથે કહેવું પડે છે કે ભાજપ સરકારમાં કામ કરતા સરકારી બાબુએ હવે માત્ર કેસરિયો ધારણ કર્યો નથી એટલું જ બાકી રહ્યું છે તેઓ ભાજપના નિષ્ઠાવાન કાર્યકરની જેમ કામ કરી રહ્યા છે અને વિરોધપક્ષ અથવા તો મીડિયા સાચી બાબત લોકો સમક્ષ લાવે તે એ લોકોને ગમતું નથી જે લોકશાહી માટે ખુબ ગંભીર બાબત છે.