પસવારી ગામના તલાટી કમ મંત્રીની પત્નીએ એસિડ પી લેતા નું મોત નીપજ્યું હતું. જે મામલે તલાટી સામે પોલીસ ફરિયાદ બાદ તલાટી જેલ હવાલે થતા જિલ્લા પંચાયત દ્વારા તેની સામે શિસ્તભંગના પગલા સહિત કાર્યવાહી શરૂ કરી છે.
રાણાવાવના ગોપાલપરા વાડી વિસ્તારમાં રહેતા અને પસવારી ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મુકેશ માવજી ચૌહાણના પત્ની ખુશ્બુબેને લગ્નજીવન ના 8 માસ માં જ એસિડ પી આપઘાત કર્યો હતો. જે મામલે ખુશ્બુબેન ના માતા એ તલાટી મુકેશ અને તેના માતા પિતા વિરૂદ્ધ પોતાની પુત્રી ને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપી મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તલાટીની તા. 3/1 ના રોજ અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો. જે અંગે જિલ્લા પંચાયતના અધિકારીએ જણાવ્યું હતુંકે, તલાટી ફિક્સ પગાર પર હતા તેઓને ૪૮ કલાક ની કસ્ટડી થતા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેઓની સામે નિમણુંક શરતોને આધીન કાર્યવાહી કરવામાં આવી છે. પ્રથમ તેણે ડીડીઓ દ્વારા નોટીસ ફટકારવામાં આવશે. અને ત્યાર બાદ તેની સેવાનો અંત લાવવા પણ કાર્યવાહી હાથ ધરાશે તેવું જણાવ્યું હતું.