પોરબંદર માં લેબર કોર્ટ મહિના માં એક અઠવાડિયું કાર્યરત રહેવાના કારણે કેસો નો ભરાવો થઇ છે. ઉપરાંત અહી પ્રાથમિક સુવિધાઓ નો પણ અભાવ છે. જેથી પુરતી સુવિધા આપવા માંગ ઉઠી છે.
પોરબંદર સ્વતંત્ર જિલ્લો બન્યાને વર્ષો વીતી જવા છતાં પણ કાયમી લેબર કોર્ટ ફાળવવામાં આવી નથી. આ અંગે સામાજીક સંસ્થાઓ, કંપનિઓ, યુનિયનો વગેરેની વખતો વખત ની માંગણીઓ ને પણ આજ સુધી ગણકારવામાં આવી નથી. આ અંગે લેબર કોર્ટ બાર એસોસિએશન ના પ્રમુખ વિજયકુમાર પંડ્યા એ જણાવ્યું હતું કે લેબર કોર્ટ આખા મહિનામાં માત્ર એક અઠવાડીયા પુરતુ જ પોરબંદર કોર્ટ ખાતે કાર્યરત રહે છે. પછી જાણે કે આખો મહિનો કોઇ કર્મચારી – કંપનિના પ્રશ્નો જ જાણે ઉદભવતા નથી. જિલ્લા અને તેના કામદાર,કર્મચારીઓ ઇન્ડસ્ટ્રીઝો ના કાયદાકીય પ્રશ્નો ઉકેલવા માટે અપુરતુ સીટીગ જણાય છે. જેથી હાલ ૩૦૦ થી ૩૫૦ જેટલા કેસો આ લેબરકોર્ટમાં પેન્ડીંગ છે.
બહારગામથી આવતા તથા સ્થાનીક તમામ વકિલોની સૌથી મૂળભૂત જરૂરીયાત વકિલ રૂમની હોય છે. જે દરેક જિલ્લાની દરેક કોર્ટનું અવિભાજય અંગ છે. જે અહીં લેબરકોર્ટમાં વર્ષોથી છે જ નહી. પાયાની મુખ્ય જરૂરીયાત એવી પીવાના પાણીની સગવડ પણ આ કોર્ટમાં કયારેય કરવામાં આવી નથી. જેથી વકિલો, અસીલો, કર્મચારીગણ તેમજ અન્ય તમામ લોકોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે. જેથી આ તમામ સુવિધાઓ તાકીદે ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ પણ તેઓએ કરી છે.