પોરબંદર જી.આઇ.ડી.સી. ઈન્ડસ્ટ્રીયલ વેલફેર એસો. દ્વારા રૂપિયા ૩૯ કરોડ ૯૨ લાખના વિકાસકામોનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં લોકભાગીદારીથી ૪૦ કીમી.ની ગટર અને ૪૦કી.મી.ની પાણીની પાઈપલાઇન સહિત બે ઓવરહેડ ટેંક બનશે.
પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં ઉદ્યોગકારો અને સ્થાનીક રહેવાસીઓને સારી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે જી.આઇ.ડી.સી. ઈન્ડસ્ટ્રીયલ વેલફેર એસો. દ્વારા અનેકવિધ રજૂઆતો કરવામાં આવે છે. તે અંતર્ગત એસો.ના ચેરમેન પુંજાભાઈ ઓડેદરા, પ્રમુખ જીણુભાઈ દયાતર અને સેક્રેટરી ધીરુભાઈ કકકડ સહિત ટીમ દ્વારા સરકારના એ.આઇ.આઇ. પ્રોજેકટ અંતર્ગત ઉદ્યોગનગરમાં લોકોને માળખાકીય સુવિધાઓ મળે તે માટે સરકારને છેલ્લા ચાર વર્ષથી રજૂઆત કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ ૮૦ ટકા રકમ સરકાર અને ૨૦ ટકા રકમ ઉદ્યોગકારોએ ભોગવવાની હોય છે. અને તે અંતર્ગત ૩૯ કરોડ ૯૨ લાખ રૂપીયા, જેવી માતબર રકમ મંજુર થઇ છે. તેથી વિકાસકાર્યો નું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ચોમાસા દરમીયાન વરસાદી પાણીનો નિકાલ કરવા માટે અને ગટરના પાણીના નિકાલ માટે ૪૦ કી.મી.ની ગટર બનાવવામાં આવશે. તથા આ ગટર સ્લેબવાળી પેક રહેશે. તેથી હેરાનગતિ વેઠવી પડે નહીં.
એ સિવાય ૪૦ કીમી. ની પાણીની પાઇપલાઈન પણ બીછાવવામાં આવશે તે ઉપરાંત બે ઓવરહેડ ટેન્ક બનાવાશે. જેમાં એક રેસીડેન્સીયલ એરીયામાં અને બીજો ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં બનશે, જેના કારણે પીવાના પાણીની સમસ્યા પણ વેઠવી પડશે નહીં. અને માત્ર ૧૪ મહિનાની અંદર જ પ્રાજેકટ પૂર્ણ થશે. જેથી રહેવાસીઓ અને કારખાનેદારો સહિત મજુરોને સારામાં સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમ એસોસિએશન ના હોદેદારો એ જણાવ્યું હતું.

