પોરબંદર પાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે પરંતુ પાલિકા ની એપ મારફત ઓનલાઈન વેરો ભર્યા બાદ પણ અનેક મિલકતધારકો ને વેરો ભરવા નોટીસો આપવામાં આવતા રોષ જોવા મળે છે.
એક તરફ સરકાર રોકડ ટ્રાન્ઝેક્શન ના બદલે કેશલેસ અપનાવવા અપીલ કરે છે. અને પાલિકા સહિતની કચેરીઓમાં ઓનલાઈન પેમેન્ટ માટે સુવિધા પણ આપવામાં આવી છે. પરંતુ આ સુવિધાનો લાભ લેતા ગ્રાહકો ને વધુ મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય તેવું પોરબંદર પાલિકા માં સામે આવ્યું છે. હાલ પાલિકા દ્વારા મિલ્કત વેરા ની કડક વસુલાત માટે ઝુંબેશ શરુ કરાઈ છે. અને ઘરે-ઘરે વેરા બિલો મોકલવામાં આવે છે. પરંતુ જે લોકો એ અગાઉ ઓનલાઈન વેરો ભરી આપ્યો હોય તેવા પણ અનેક મિલકત ધારકો ને આવી નોટીસ આપવામાં આવતા મિલ્કત ધારકો માં રોષ જોવા મળે છે.
અનેક ગ્રાહકો એ ચાર થી પંચ માસ પહેલા ઈનગર એપ ઉપરાંત વેબસાઈટ મારફત વેરો ભર્યો હતો. તેમ છતાં પાંચ માસ બાદ આ વેરા માટેની નોટીસ મોકલવામાં આવી રહી છે અનેક લોકો નોટીસો મળતા પાલિકા કચેરી એ દોડી ગયા હતા. પરંતુ ત્યાં પાલિકા ના કોમ્પ્યુટર માં કોણે ઓનલાઈન વેરો ભર્યો છે તે અપડેટ ન થયું હોવાનું જણાવી લોકો પાસે પાંચ માસ અગાઉ ના વેરો ભર્યા ના પુરાવા માંગવામાં આવ્યા હતા. જેને લઇ ને લોકો માં આક્રોશ જોવા મળે છે.
લોકો એ જણાવ્યું હતું કે પીજીવીસીએલ સહીત માં જયારે ઓનલાઈન નાણા ભર્યા હોય તે તુરંત ગ્રાહક ના ખાતા માં બતાવે છે. પરંતુ પાલિકા ના કોમ્પ્યુટર માં પાંચ-પાંચ માસ બાદ પણ જમા બતાવતા નથી. આથી આ અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરી હતી. અને ફરીથી આવો ઈશ્યુ ઉભો ન થાય તે માટે ઓનલાઈન વેરો ભરનાર ને પણ દસ દિવસ માં તેના સરનામે પહોંચ મોકલવામાં આવે તેવી માંગ કરી હતી.