વેરાવળના સેવાભાવી તબીબના આપઘાત પ્રકરણમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા પોરબંદર ના લોહાણા અગ્રણી એ ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી છે.
પોરબંદરના સામાજીક કાર્યકર અને લોહાણા અગ્રણી જયેશભાઈ સવજાણીએ ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી જણાવ્યું છે કે, વેરાવળ તેમજ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના બેલી, સેવાભાવી ડો.અતુલભાઈ ચગ ના આપઘાતથી લોહાણા સમાજ ઉપરાંત ડોક્ટર વર્તુળના આગેવાનો, મિત્રો, દર્દીઓ તેમજ અલગ અલગ સમાજના આગેવાનો વેદના વ્યકત કરી રહ્યા છે.
ત્યારે સુસાઈડ નોટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ હોવા છતા રાજેશ ચુડાસમા કે નારણ ચુડાસમા સામે પગલા લેવામાં પોલીસના હાથ કેમ ધ્રુજે છે? જેના ત્રાસના કારણે તેમને આપઘાત કરવાની ફરજ પડી હતી. તેવા આ રાજકીય આગેવાનની જ સંડોવણી હોવાનું અન્ય ડોકટરોના નિવેદનમાં જાહેર થયું છે. આથી પોલીસે કોઈ પણ પ્રકારના દબાવમાં આવ્યા વગર મુળ સુધી પહોંચવું જોઈએ. અને જવાબદાર સામે કાર્યવાહી કરવી જોઇએ. તે જરૂરી છે.
અનેક ગરીબ દર્દીઓ ને મોત ના મુખ માંથી બચાવનાર ડો ચગ એ સમગ્ર પંથક નું અનમોલ રતન સમાન હતા. તેમના આપઘાત મામલે પોલીસે કોલ ડીટેલ સહિત ની ઊંડી તપાસ કરી વહેલીતકે દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.સેવાભાવી તબીબ ના આપઘાત ના સમગ્ર રાજ્ય ના રઘુવંશી સમાજ માં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જો વહેલીતકે તટસ્થ તપાસ કરી જવાબદારો ની સામે કાર્યવાહી નહી કરવામાં આવે તો ન છુટકે આ મામલે લડત પણ આપવાની ફરજ પડશે. અને તેની શરુઆત ગાંધીભુમી પર થી થશે તો પણ તે કરવાની તેઓએ તૈયારી બતાવી છે.