Tuesday, July 1, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના પડોશી જીલ્લાઓ ના માછીમારો દ્વારા થતી ગેરકાયદે ફિશિંગ અટકાવવા માંગ

પોરબંદરનાં પડોશી જીલ્લાઓનાં માછીમારો દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવતી માછીમારી ઉપર તાત્કાલિક કાર્યવાહી થવા અંગે બોટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત કરાઈ છે.

પોરબંદર બોટ એસોસિએશન ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી એ મુખ્યમંત્રી ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે પોરબંદરનાં પડોશી જીલ્લાઓનાં માછીમારો દ્વારા ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિઓ ખાસ કરીને લાઈટ અને લાઈન ફિશીંગ સતત કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્રારા આવી માછીમારી કરનારા સામે કડક નિયમો ધડવામાં આવેલ છે. તેમ છતાં પડોશી જીલ્લાની મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ જેવી અમલીકરણ એજન્સીઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને દંડ કરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યાં નથી. ફક્ત પોરબંદર જીલ્લામાં મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્રારા એકશન લેવામાં આવી રહ્યાં છે.

પોરબંદરનાં પડોશી જીલ્લા ગીર સોમનાથ (વેરાવળ), જુનાગઢ (માંગરોળ), દેવભૂમી દ્રારકા (હર્ષદ થી લઈને ઓખા), અમરેલી (જાફરાબાદ) વિસ્તારોમાં ખુલ્લેઆમ લાઈટ અને લાઈન ફિશીંગ જેવી ગેરકાયદેસર પદ્ધતિઓથી માછીમારી કરવામાં આવી રહી છે જે દરિયાઈ જૈવવિવિધતાને ગંભીર અસર કરે છે અને માછલીનાં જથ્થામાં ઘટાડો કરે છે, જેના કારણે પોરબંદરનાં પરંપરાગત માછીમારોને આર્થિક નુકશાન ભોગવવું પડે છે. આવી ગેરકાયદેસર માછીમારી પ્રવૃતિનું ઉલ્લંઘન કરનારને રોકવામાં અન્ય જીલ્લાની એજન્સીઓની નિષ્ફળતાથી પોરબંદરના માછીમારોમાં હતાશા વધી રહી છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો પોરબંદર જીલ્લાનાં માછીમારો અને પડોશી વિસ્તારોના માછીમારો વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના રહેશે. આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને, ગેરકાયદેસર રીતે કરવામાં આવતી માછીમારી કરનારા ઉપર પોરબંદર જીલ્લાની મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્રારા એકશન લેવામાં આવી રહ્યું તે રીતે પડોશી જીલ્લાઓની મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્રારા એકશન લેવામાં આવે અને રાજ્ય સરકાર દ્રારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી કરી છે.

વધુ માં જણાવ્યું છે કે પોરબંદરનાં માછીમારોએ હંમેશા કાયદાનું સન્માન કર્યું છે અને જવાબદાર માછીમારી દ્વારા ગુજરાતનાં અર્થતંત્રમાં યોગદાન આપ્યું છે. જો કે, પડોશી જીલ્લાઓ દ્વારા અનિયંત્રિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે તેમની ધીરજ ખૂટી રહી છે.આથી આ સમસ્યા વધુ વણસે તે પહેલાં તેનો ઉકેલ લાવવા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવા વિનંતી કરાઈ છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે