પોરબંદર શ્રી બર્ડાઇ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત (નાનીનાત)માં વર્ષોથી જનરલ સભા બોલાવાઇ નથી અને 31 વર્ષથી કારોબારી સમિતિના કાર્યકાળની મુદત પૂર્ણ થઇ ગઇ છે તેવા આક્ષેપ સાથે મદદનીશ ચેરીટી કમિશ્ર્નર સહિત મામલતદાર સુધી રજૂઆત કરવામાં આવતા ચકચાર જાગી છે.
પોરબંદર ના છાયા નવાપરામાં આવેલા બાલકૃષ્ણ પાર્કમાં રહેતા ભાર્ગવ સુરેશચંદ્ર જોશીએ મામલતદાર કમ તાલુકા મેજીસ્ટ્રેટ સહિત મદદનીશ ચેરીટી કમિશ્ર્નર અને કમલાબાગ પોલીસમથકના ઇન્સપેકટરને સંબોધીને કેટલાક ગંભીર આક્ષેપો સાથેની રજૂઆત કરી જણાવ્યુ છે કે ભારત અને ભારત બહાર વસવાટ કરતા શ્રી બર્ડાઇ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્તનું સંકલન અને સંગઠન ધરાવતી જ્ઞાતિની એકમાત્ર સર્વોચ્ચ સંસ્થા કે જેને ‘નાની નાત બાવનગામ’ના હુલામણા નામે જ્ઞાતિના સમસ્ત કાર્યો, જ્ઞાતિની સંસ્થાઓમાં દેખરેખ, જ્ઞાતિના આંતરિક પ્રશ્ર્નો જોવાનો, તેમાં લવાદ કરવાનો અને તેનો નિકાલ કરવાનો અધિકાર છે.
આવી સંસ્થામાં વિગત 31 વર્ષથી કોઇ પ્રમુખ ન હોય, તમો સર્વો મુદત વીતી ગયેલા ટ્રસ્ટીઓ હોય, એ હકીકતને તમે જાણતા પણ હોય તેમ છતાં જ્ઞાતિના સર્વોચ્ચ અને સર્વમાન્ય પ્રમુખની વરણી માટે આપ સૌની આંખ આડા કાન કરવાની આ હરકત જ્ઞાતિ માટે બાધારૂપ હોય, તમોની કારોબારી સમિતિના કાળકાળની મુદત 31 વર્ષથી પૂર્ણ થઇ ગયેલ હોય, હાલમાં ટ્રસ્ટી તરીકે તમો જે વહીવટ કરી રહ્યા છો, એ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે.તેવો આક્ષેપ અરજદાર ભાર્ગવ જોશીએ કર્યો છે.
આ અગાઉ જ્ઞાતિના અગ્રણીઓએ અનેક વખત રજુઆત કરતા આપની સમિતિએ જ્ઞાતિની સાધારણ સભા ટૂંકસમયમાં બોલાવશુ એવું જણાવીને જ્ઞાતિના આ મહત્વપૂર્ણ પ્રશ્ર્નને જાણી જોઇને અભેરાઇએ ચડાવવાની ચેષ્ટાઓ કરેલ છે. ટ્રસ્ટના બંધારણમાં રહેલ જોગવાઇ મુજબ બાકીના આટલા દિવસોમાં અને વર્ષોમાં નવી સાધારણ સભા ગમે ત્યારે બોલાવી શકાય તેમ હોવા છતાં, એ રીતે નવા ટ્રસ્ટીઓની વરણી કરી શકાય તેમ હોવા છતાં, આપની સમિતિએ 31 વર્ષનો સમય વિતાવી દેતા, આથી આ અરજી અમોએ મામલતદાર પોરબંદર મારફત આપને આપવાની ફરજ પડે છે. કારણકે હાલમાં આ સંસ્થાની ઓફીસ કયાંય નથી, સંસ્થાનો પ્રમુખ કોઇ નથી. તેવો આક્ષેપ કર્યો છે.
સંસ્થા બર્ડાઇ બ્રાહ્મણ જ્ઞાતિની હોય, ટ્રસ્ટીઓની મુદત 31 વર્ષથી પૂર્ણ થઇ ગયેલ હોય, આપ જ્ઞાતિની સંસ્થાનો કબ્જો જ્ઞાતિને પરત કરતા ન હોય, નવા ટ્રસ્ટીઓની વરણી બાબતેના એકમાત્ર એજન્ડા સાથે આગામી 45 દિવસમાં બર્ડાઇ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત (નાની નાત)ના નવા ટ્રસ્ટીઓની વરણી માટે જનરલ સભાની જાહેરાત આપના તરફથી કરવામાં નહીં આવે તો, આ મુદત બાદ આપનો કોઇ દાવો માન્ય ન ગણીને, અમો જ્ઞાતિજનોને નાછૂટકે ગાંધીચીંધ્યા માર્ગે ન્યાય મેળવવા ઉપવાસ આંદોલન કરવાની ફરજ ઉભી થાય છે. તેમજ યથાયોચિત નવા પ્રમુખ અને નવી કારોબારી સમિતિ રચવાની ફરજ ઉભી થાય છે. અને આ અંગેની તમામ જવાબદારી, તમો મુદત વીતી ગયેલા ટ્રસ્ટીઓની રહેશે જેની નોંધ લેશો. તેવી લેખિત ચેતવણી આપવામાં આવી છે.