ઈશ્વરીયા ગામના ૫ ખેડૂતો ને નારીયેળીના રોપાની ખરીદી ઉપર સબસીડી મળશે તેમ જણાવીને ૩ શખ્સોએ રૂ ૬૮૭૫૦ ની છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
કુતિયાણા ના ઈશ્વરીયા ગામે રહેતા વિશાલ બાબુભાઈ ઉકાણી(ઉ.વ.૩૯)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તા.૧/૩ ના ત્રણ હિન્દી ભાષી શખ્સો વાડીએ આવ્યા હતા અને નડીયાદની ભુમપિત બાયોપ્લાન્ટીક કંપનીમાં કામ કરતા હોવાનું અને નારીયેળીના રોપા વેચવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. આથી વિશાલે તેઓના નામ પૂછતા તેઓ યુ.પી.ના ફિરોજાબાદ જીલ્લાના રિષી મહેશકુમાર યાદવ, હરદેવ ઉર્ફે અંકિત સુખેન્દ્ર યાદવ અને સૌરવ બોધપાલસિંહ યાદવ હોવાનું જણાવ્યું હતું. અને નારીયેળીના એક રોપા નો ભાવ રૂ ૩૫૦ હોવાનું જણાવી અને તેમાં રોપા દીઠ ૨૬૨ રૂપિયા સબસીડી મળશે તેમ જણાવ્યું હતું
અને બે વીઘા ખેતર માટે ૧૨૦ રોપાના ૪૨,૦૦૦ રૂપિયા થશે જેમાં ૫૦૦૦ ડીપોઝીટ આપવાની અને બાકીના ૩૭૦૦૦ રોપા આપવા આવે ત્યારે દેવાના રહેશે તેમ જણાવતા વિશાલે ૫૦૦૦ રૂપિયા ડીપોઝીટ પેટે આપ્યા હતા. ત્યારબાદ અઠવાડીયા પછી ત્રણે શખ્શો ટેમ્પોમાં ૧૨૦ રોપા લઈને આવ્યા હતા અને વિશાલે ૧૭૦૦૦ રોકડા તથા ૨૦,૦૦૦ નું ઓનલાઈન પેમેન્ટ કરી જમીનના ૭/૧૨ ૮-અ સહિતના દસ્તાવેજોની નકલ અને ફોટા આપ્યા હતા. અને રોપા વાવી દીધા હતા પંદર દિવસ પછી રિષીને ફોન કરીને વધુ ૩૦૦ રોપા જોઈતા હોવાનું કહેતા રિષી એ ડીપોઝીટ પેટે ૨૫૦૦૦ રૂપિયા મંગાવતા તેણે ઓનલાઈન આ રકમ ચૂકવી દીધી હતી. ત્યારબાદ ઈશ્વરીયા ગામના જ સંજય રતિલાલ દલસાણીયા પાસેથી રોપાની ડીપોઝીટ પેટે ૧૦,૦૦૦,કાના હરદાસ કડેગીયા પાસેથી રૂ ૨૫૦૦૦,વિપુલ રવજી વિંઝુડા પાસેથી રૂ ૩૭૫૦ અને સુરેશ લક્ષ્મીદાસભાઈ ધરસંડીયા પાસેથી ૫૦૦૦ સહિત કુલ રૂ.૬૮૭૫૦ ની ડીપોઝીટ વસુલીને ત્યારબાદ આ શખ્શોએ ફોન ઉપાડ્યા ન હતા. અને નારીયેળીના રોપા આપ્યા ન હતા. તેથી ત્રણેય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હજુ આ રીતે છેતરપિંડી નો ભોગ અન્ય ખેડૂતો પણ બન્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.