પોરબંદરની અસ્માવતી રિવરફ્રંટ અને કર્લી બ્રિજ પાસે જળકુંભીનું ઘાતક આક્રમણ થયું છે જેના અનેક નુકશાન છે આથી તેનું નિયંત્રણ કરવા પગલા લેવા તજજ્ઞો દ્વારા માંગ કરાઈ છે.
પોરબંદર શહેરની શાન ગણાતી અસ્માવતી રિવરફ્રંટ અને કર્લી બ્રિજના આસપાસના વિસ્તાર આજે એક ઘાતક હરિયાળાં આવરણ હેઠળ દટાઈ રહ્યો છે. બહારથી દેખાવમાં આકર્ષક લાગતી જળકુંભી (Eichhornia crassipes) નામનો આ છોડ હકીકતમાં પાણીની સપાટી પર ઝડપથી ફેલાઈ રહી છે, જેના કારણે જાડા વનસ્પતિ સ્તરો બની રહ્યા છે. લોકો પૂજાપાનો સામાન પધારાવતા હોવાથી જૈવિક કચરો ઠાલવતાં પોષકદ્રવ્યોનું પાણીમાં પ્રમાણ વધતાં આ વનસ્પતિનો ફેલાવો થાય છે જે શહેરના કુદરતી દ્રશ્યોને નષ્ટ કરી રહી છે અને જળાશયના જીવનતંત્રને ઘૂંટતું કરી રહી છે.
આ છોડ ફક્ત સૌંદર્ય માટે ખતરો નથી, પરંતુ તે પાણીની ઓક્સિજન સપ્લાય ઘટાડે છે, માછલીઓ અને અન્ય જળજીવો માટે જીવલેણ બની શકે છે. જળકુંભી તળિયા સુધી પ્રકાશ જવા દેતી નથી, પરિણામે જળજ વનસ્પતિઓ નષ્ટ થાય છે અને સંપૂર્ણપણે જીવવિહોણું પર્યાવરણ ઊભું થાય છે. કર્લી બ્રિજ પાસે પાણીના પ્રવાહમાં અડચણ આવતાં જળાશયના પ્રવાહમાં ધીમો પડી રહ્યો છે, જેના કારણે પાણીમાં સડો થઈ રહ્યો છે અને દુર્ગંધ ફેલાઈ રહી છે.
સંભવિત જોખમો:
- જળાશયની જળસંગ્રહ ક્ષમતા ઘટી રહી છે
- મચ્છર અને બીમારીઓનો ભય
- પોરબંદરના પર્યાવરણ અને પર્યટન પર અસર
- સ્થાનિક જળચર જીવનનો નાશ
- તાત્કાલિક પગલાં લેવાની અપીલ:
સ્થાનિક વનસ્પતિશાસ્ત્રી ડૉ. ભૂપેન્દ્રસિંહ જાડેજા, અધ્યક્ષ તથા સંશોધન માર્ગદર્શક (વનસ્પતિ શાસ્ત્ર વિભાગ, મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ) તથા તેમની સહસંસોધકો કુણાલ એન. ઓડેદરા અને ચેતન જોશીએ તાત્કાલિક નિયંત્રણ પગલાં અને લાંબા ગાળાની પુનઃસ્થાપન યોજનાઓ ધરાવતી બેવડી વ્યૂહરચનાનો પ્રસ્તાવ મૂક્યો છે.:
” જળકુંભીનું આક્રમણ હવે ગંભીર અવસ્થામાં પહોંચી ગયું છે. જો હમણાંજ સઘન કામગીરી નહીં થાય તો આવનારા વર્ષે આ કર્લી જળાશય ન માત્ર મૃત્યુશૈયા પર પહોંચી શકે, પણ સમગ્ર નગરના પર્યાવરણ અને આરોગ્ય માટે પડકાર ઊભો કરી શકે છે. જાગૃતિ ને હવે કાર્ય માં બદલવાનો સમય આવી ગયો છે.”
તેઓ સૂચવે છે કે જળકુંભીને નિયંત્રિત કરવા માટે હાથેથી કાઢી નાંખવી, તેનું કમ્પોસ્ટ બનાવવું, કુદરતી દુશ્મન જીવ જેવા કે નિયોચેટિના (Neochetina) જંતુઓનો ઉપયોગ કરવો અને જળાશયમાં જતા ગંદા પાણીનું શુદ્ધીકરણ કરવું અત્યંત આવશ્યક છે.
નાગરિકો માટે અપીલ:
દરેક નાગરિકે પોતાની જવાબદારી સ્વીકારી કર્લી જળાશયની સફાઈ, જળસંગ્રહ અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવું જોઈએ – જેથી ભવિષ્યમાં આપણે ફરીથી સ્વચ્છ, જીવંત અને મનોહર જળાશય જોઈ શકીએ.