Sunday, September 8, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના સાંદીપનિની સંસ્કૃત પાઠશાળામાં સ્નાતક થયેલા ઋષિકુમારોનો દીક્ષાંત સમારોહ યોજાયો

પોરબંદરમાં આવેલ સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતનના સભાગૃહમાં પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં અને સર્વે અધ્યાપકોની ઉપસ્થિતિમાં સંસ્કૃત પાઠશાળા શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના વર્ષ-૨૦૨૪માં સ્નાતક થયેલા ૪૫ જેટલા ઋષિકુમારોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. દીક્ષાંત સમારોહનો પ્રારંભ પૂજ્ય ભાઇશ્રી અને પાઠશાળાના ગુરૂજનો દ્વારા મંગલ દીપ પ્રાગટય અને ઋષિકુમારો દ્વારા સસ્વર વેદપાઠથી થયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં પાઠશાળાના આચાર્ય શ્રી બીપીનભાઈ જોશી દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું કે આજે પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં શાસ્ત્રી તૃતીયના છાત્રો દીક્ષાન્ત ગ્રહણ કરશે. પેલા સૌ શિક્ષિત તો થયા જ છે પણ શિક્ષિત હોવા છતાં પણ દીક્ષાનું મહત્ત્વ છે. એટલા માટે થઈને આજનો આ કાર્યક્રમ છે.

શ્રીહરિપ્રસાદજીનું પ્રાસંગિક ઉદ્બોધન
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં છેલ્લા ૪૦ વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવાભાવથી અધ્યાપન અને ગૃહપતિ તરીકે કાર્યરત એવા શ્રીબોબડેજી ગુરુજીએ પોતાનો ભાવ વ્યક્ત કરતા કહ્યું કે આજે વિદ્યાલયની દૃષ્ટિએ શાસ્ત્રી તૃતીયના વિદ્યાર્થીના આ દીક્ષાંત સમારોહમાં આપણે એકત્રિત થયા છીએ ત્યારે સાત વર્ષ સુધી રહેલા આ સૌ વિદ્યાર્થીઓ માટે સુખાનુભૂતિ તો થાય છે પણ સાથે દુઃખનો પણ અનુભવ થાય છે. જેવી રીતે એક માતા-પિતા પોતાની કન્યા ૨૦-૨૧ વર્ષ સુધી લાલન પાલન કરીને લગ્નમાં જયારે પોતાના ઘરેથી વિદાય આપે છે ત્યારે જે સ્થિતિ તેઓની હોય છે એવી જ સ્થિતિ સાંદીપનિના સૌ ગુરુજનોની છે. એમાં સૌથી વધુ દુઃખનો અનુભવ મને થાય છે કારણ કે છાત્રાલયનું સૌથી વધુ કાર્ય શાસ્ત્રી તૃતીયના છાત્રો દ્વારા જ થાય છે. પરંતુ આ કાર્યક્રમને આપણે વિદાય સમારંભ નથી કહેતા કારણ કે આ વિદ્યાર્થીઓનો આપણાથી વિદાય લેતા જ નથી. તેઓ પોતાના ભાવિ જીવનમાં નવા સોપાન પર આગળ વધી રહ્યા છે અને સાંદીપનિમાં રહીને તેઓએ જે દીક્ષા શિક્ષા લીધી છે તેનો એ વ્યવહારિક રીતે ઉપયોગ કરશે. પૂજ્ય ભાઈશ્રી અને ગુરુજનો પાસેથી જે પણ શીખવા મળ્યું છે તેનો એ પ્રચાર પ્રસાર કરશે અને સંસ્કૃતિની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરશે. આથી એ વાતની ખુશી છે કે જે વિદ્યાર્થીઓને અહિયાથી તૈયાર કરવામાં આવ્યા છે તે બધા સાંદીપનિથી બહાર જઈને માત્ર ભારતમાં નહિ પરંતુ પુરા વિશ્વમાં સાંદીપનિનું નામ રોશન કરશે. હરિપ્રસાદજીએ પોતાના જીવનનું ઉદાહરણ આપીને છાત્રોને કહ્યું હતું કે જે પણ કાર્ય કરો એ નિષ્ઠાપૂર્વક અને પોતાનું કર્તવ્ય માનીને કરવું જોઈએ. નિષ્ઠાપૂર્વક કરેલ કર્મનું ફળ અવશ્ય મળે છે.

દીક્ષાંત મંત્રોનું પઠન
શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયમાં સતત સાત વર્ષ સુધી રહીને વેદ-વેદાંગ-વ્યાકરણ અને સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ પૂર્ણ કરીને વર્ષ ૨૦૨૪માં સ્નાતક થયેલા ૪૫ જેટલા ઋષિકુમારોને તૈત્તિરીયોપનિષદના ૧૧માં અનુવાકના દીક્ષાંત મંત્રો દ્વારા પૂજ્ય ભાઇશ્રીએ દીક્ષાંત ઉપદેશ આપ્યો હતો. આ સમયે પૂજ્ય ભાઈશ્રીએ દીક્ષાંત મંત્રોના પઠનનું મહત્ત્વ દર્શાવતા ઋષિકુમારોને જણાવ્યું કે તૈત્તિરીયોપનિષદના આ ઉપદેશથી આપણા જીવનના પારિવારિક, સામાજિક જીવનનું કલ્યાણ થઇ શકે છે. હવે તમે જયારે નવું પ્રસ્થાન કરી રહ્યા છો ત્યારે આ ખુબ આવશ્યક છે. લગ્ન સંસ્કારમાં પણ વર-વધુ દ્વારા સપ્તપદી પ્રતિજ્ઞા લેવામાં આવે છે. મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ કે સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ હોય એ સૌ જયારે કાર્યભાર સંભાળે ત્યારે તેમની પાસેથી પ્રતિજ્ઞા લેવામાં આવે છે. આથી જયારે આપ સૌ સેવાર્થ પ્રસ્થાન કરો છો ત્યારે આપણા ઋષિઓએ જે ઉપનિષદ દ્વારા જે પ્રતિજ્ઞાઓ આપી છે તે આપણા માટે કલ્યાકારી છે. એ પ્રતિજ્ઞાઓ લઈને આપણા એ જીવનને એ અનુસાર બનાવવા માટે સંનિષ્ઠ પ્રયાસ કરીશું. ઋષિકુમારોને દીક્ષાંત પત્ર આપવામાં આવ્યા હતા અને ઋષિકુમારોએ પણ સાંદીપનિ સંસ્થા પ્રત્યે પોતાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

પૂજ્ય ભાઇશ્રીનું પ્રવચન
પૂજ્ય ભાઇશ્રી એ આ પ્રસંગે પોતાના પ્રવચનની શરૂઆત કરતાં કહ્યું કે જયારે અહિયા આપ સૌનો પ્રવેશ થયો ત્યારે પણ તમે દીક્ષિત થયા, શિક્ષારૂપી દીક્ષાને ગ્રહણ કરી. શરૂઆતમાં તમને થોડું કઠીન પણ લાગ્યું હશે, થોડી અરુચિ સાથે પણ આવ્યા હશો, તમને અહી મુકવા આવેલા માતા-પિતાના મનમાં પણ પીડા સ્વાભાવિક થઇ હશે પરંતુ પોતાના બાળકના કલ્યાણ અને હિત માટે અને ભવિષ્યમાં એ બાળક દ્વારા પરિવારના કલ્યાણ અને હિત માટે થઈને જે મળીને સુનિશ્ચય કે દૃઢનિશ્ચય કર્યો અને એથી તમે અહિયાં સાત વર્ષ સુધી રહ્યા. આ અવસર મમતા અને કૃતજ્ઞતા બંને ભાવોનું સંમિશ્રણ છે.
હું કથામાં કહ્યા કરતો હોઉં છું કે યજ્ઞ સૃષ્ટિના પ્રતિ જે દૈવી શક્તિઓ છે જેના લીધે આપનું જીવન ચાલે છે એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રકાર છે યજ્ઞ. સ્વાહોચ્ચાર સાથે જે-તે દેવતાઓ નિમિત્ત આપણે જે દ્રવ્યનો ત્યાગ કરીએ છીએ, અગ્નિમાં આહુતિ આપીએ છીએ એ એક અર્થમાં જે દેવતાઓથી આપણે પ્રાપ્ત કર્યું છે એ કૃતજ્ઞતા પૂર્વક દેવતાઓને આપણા સંતોષ માટે ફરી પાછુ આપવાની વાત છે. શ્રીમદ ભગવદગીતામાં કર્મયોગમાં ભગવાને કહ્યું છે એ મુજબ સંપૂર્ણ જીવન એક યજ્ઞ છે. તો વ્યક્તિએ કૃતજ્ઞ થવું જોઈએ. પાપોની સૂચિમાં અકૃતજ્ઞતા એ સૌથી મોટું પાપ માનવામાં આવું જોઈએ. જો આપણે માતા-પિતા પ્રતિ કૃતજ્ઞ ના હોઈએ, આપણા પરિવારના પ્રત્યે કૃતજ્ઞ ના હોઈએ, જ્યાંની એકવાર પણ રોટલી ખાઈને એના પ્રતિ કૃતજ્ઞ ના હોઈએ, ખુબ તરસ્યા હોઈએ ત્યારે કોઈએ આપણને પાણી પીવડાવીને તૃપ્તિનો અનુભવ કરાવ્યો હોય એના પ્રતિ કૃતજ્ઞ ના હોઈએ, આપણે જ્યાં અભ્યાસ કર્યો એ ગુરુકુળ અને ગુરુજનો પ્રતિ કૃતજ્ઞ ના હોઈએ, જે માતા પ્રકૃતિની કૃપાથી આપણને આ શરીર પ્રાપ્ત થયું છે, પોષિત થાય છે, મજબુત બને છે, પ્રકૃતિના એ તત્ત્વો પ્રતિ આપણે કૃતજ્ઞ ના હોઈએ તો હું એમ સમજુ છું કે એ સૌથી મોટુ પાપ છે. એટલે નિરંતર કૃતજ્ઞ ભાવથી આપણે ઓતપ્રોત રહેવું જોઈએ. તો કૃતજ્ઞતા અને અહિયાં ગુરુજનોની મમતા આ બને બાબત છે. તો ગુરુજીએ જે કહ્યું એ વાત બરાબર છે.

ત્યાં કન્યા પિયરથી સાસરે જાય છે અને અહિયાં છાત્ર આટલા વર્ષોના અભ્યાસ પછી સેવાર્થ પ્રસ્થાન માટે જાય છે. તો પાઠશાળા જ તમારું પિયર છે અને સંસાર જ તમારું સાસરું છે. અહિયાં તમને ગુરુજી, આચાર્યજી અને ગુરુજનોનું સાન્નિધ્ય, પ્રેમ, ઉષ્મા, અને રક્ષણ બધું પ્રાપ્ત થયું છે. બહારની આંધી, તુફાનથી બચવા માટે આપણે ઘરમાં હોઈએ તો સુરક્ષિત હોઈએ એટલા માટે જ ઘર હોય છે. એ રીતે તમે અહિયાં રહ્યા તેથી બહારની આંધીથી તમે ઘણી હદ સુધી સુરક્ષિત રહ્યા છો, ગુરુજનોએ તમારી રક્ષા કરી છે. પરંતુ હવે તમારે સૌએ ત્યાં રહેવાનું છે, તમારે તમારી આસપાસ એક કવચ તૈયાર કરવાનું છે એ કવચ છે ગુરુજનોનો આદેશ, ઉપદેશ અને આશીર્વાદ અને માતા-પિતાના આશીર્વાદ. એ કવચ તમારી રક્ષા કરશે. પણ યાદ રાખો, કવચ માણસ ધારણ કરે લડાઈ કરવા જાય ત્યારે પહેરે, રક્ષણ તો થાય જ પણ લડવાનું છે, કવચ-બખ્તર પહેરીને સુઈ જઈએ તો બખ્તર શું કામ પહેરવાનું. આ કવચ તમારી રક્ષા કરે પણ તમને સંઘર્ષ માટે તૈયાર કરે છે. અને સંઘર્ષ મન વિના ના કરવાનો. મન વિનાના સંઘર્ષમાં હંમેશા પરાજય મળે છે. સંઘર્ષ ઉત્સાહપૂર્વક હોવો જોઈએ. સીમા પર જે સૈનિકો હોય છે એમને ૨૪ કલાક લડાઈ માટે પગાર અપાય છે એમ નહિ પરંતુ રાષ્ટ્રની રક્ષા માટે સમય આવે ત્યારે યુદ્ધમાં શહીદ થવાનો એક ઉત્સાહ હોય છે. એમ આપણે પણ સંસ્કૃતિના સૈનિકો છીએ. માત્ર પોતાનું પેટીયું રળવા માટે થઈને ભણે, માત્ર પેટ ભરવાનું કામ તો પશુ પણ કરે છે. પેલા ભજનમાં આવે છે ને ..યું ભરને કો તો દુનિયા મેં પશુ ભી પેટ ભરતે હૈ, પથિક જો બાટ કર ખાયે ઉસે ઇન્સાન કેહતે હૈ, ધર્મપૂર્વક પેટ ભરવાનું અને પછી વહેંચીને ખાવાનું એ મનુજતા છે. સંસ્કૃતિના સૈનિકો થઈને જયારે જઈએ છીએ ત્યારે આજે એક અવસર, એક પ્રસંગ ઉપસ્થિત થયો છે એમાં આ ચિંતન, આ પ્રતિજ્ઞા, અને એ પ્રતિજ્ઞા માટે દૃઢપણે વળગી રહેવાની નિષ્ઠા. આ બધું લઈને જશો તો નિશ્ચિતપણે માનજો કે આ કવચ તમારી રક્ષા પણ કરશે અને સંઘર્ષમાં તમને સફળતા તરફ લઇ જશે. આ તમને મળેલા સંસ્કાર સફળતાના અભિમાનથી પણ બચાવશે. એને પ્રભુનો પ્રસાદ, ગુરુજનો અને માતા-પિતાના આશીર્વાદ માનીને તમને એકદમ વિનમ્ર બનાવીને રાખશે.

અહિયાં સાંદીપનિમાં સાત વર્ષ તમે રહ્યા. તેમાં નિષ્ઠાપૂર્વક, રૂચીપૂર્વક ભણીને આપણો જે એક પિંડ તૈયાર થયો, આ ભૌતિક પિંડ પણ પોષાયો, ભૌતિક પિંડ તૈયાર થયો. એને પર અને અપરા વિદ્યા બંને પ્રાપ્ત થઇ અને સાથે એક માનસિક પિંડ પણ તૈયાર થયો જેના કારણે આપણામાં ઋષિત્ત્વનો ભાવ આવે. એટલે માત્ર પેટીયું રળવા માટે થઈને નહિ પરંતુ અમે ઋષિ બની સંસ્કૃતિના સૈનિકો છીએ. સંસ્કૃતિની સેવા માટે સમર્પિત થઇ રહ્યા છીએ. અમે સેવાર્થ પ્રસ્થાન કરી રહ્યા છીએ. અમારા પરિવારને, આપણા સમાજને, એક માર્ગદર્શન કરવાનું છે એના માટે હવે સમર્પિત છીએ. રાષ્ટ્રને ભારત જે જગદ્દગુરુ કહેવાતું હતું ત્યાં સુધી લઈએ જવા માટે થઇને અમે કટિબદ્ધ છીએ. આવા એક સંકલ્પ સાથે જવાનું છે. નવું જીવન હવે શરુ થવાનું છે એ માટે ખુબ-ખુબ શુભકામના અને આશીર્વાદ. અહિયાં સાત વર્ષના અંતે જે માટે દીક્ષિત થયા હતા, એ જે દીક્ષાંત સમારોહમાં ઉપાધિ પ્રાપ્ત થાય છે, એ તો છે જ દીક્ષના અંતે પ્રાપ્ત થયું છે. પણ દીક્ષાનું વ્રુક્ષ ફળ આપ્યા જ કરશે. દીક્ષાનો અંત નથી, જેમ સ્તોત્રમાં તમે ગાયન કર્યું કે દેહથી વિયોગ થાય છે પણ સાંદીપનિ હૃદયમાં લઈને જાઓ છો, એ સાંદીપનિત્ત્વને તમે શ્વસ્વાના છો, જીવવાના છો. અહિયાં જ્યારે પાછા આવો ત્યારે જેમ પિયરમાં આવે દીકરી આવે તેમ તમને પણ યાદ આવશે જ અને પાછા આવશો. મમતા અને કૃતજ્ઞતા એ બન્નનો સાથે અનુભવ કરીએ છીએ. એવો આ અવસર છે. આપ સૌને હૃદયની ખુબ ખુબ શુભકામના. ઋષિ બનીને જીવજો, તેજસ્વી બનીને જીવજો. શ્રીહરિ, ભગવાન બાબડેશ્વર, ભગવાન ચન્દ્રમૌલીશ્વર એની કૃપાના આધારે એના ભરોસે જીવજો, બધું જ સારું થશે, સંઘર્ષથી ભાગતા નહિ. સંઘર્ષ માટે હમેશા ઉત્સાહપૂર્વક તૈયાર રહેજો. જાતને સમર્પિત કરજો અને સફળતા તમારી પાસે આવશે. સમાજમાં કઈક વિશિષ્ટ પ્રદાન કરજો જેનાથી તમને લોકો ઓળખે અને સંસ્થાને પણ ગૌરવ થાય કે આ મારો છાત્ર છે. ખુબ ખુબ આશીર્વાદ. સંસ્થાવતી સૌને શુભકામના.

આ સમગ્ર ઉપક્રમનું શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રી બીપીનભાઇ જોશી અને અન્ય અધ્યાપકો દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શાસ્ત્રી તૃતીય ક્ક્ષાના વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે