પોરબંદર જિલ્લા પોલીસવડાએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ ને ડીસમીસ કરાતા પોલીસબેડા માં ચકચાર મચી છે.
પોરબંદર જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ દ્વારા વિભાગની છબી ખરડાય તેવુ અને વિભાગના કર્મચારીને અણછાજતુ ગુન્હાહિત કૃત્ય આચરતા કાર્યો કર્યા હોવાનું તથા પોલીસખાતાની બજાવવાની થતી ફરજોથી વિમુખ થયા હોવાનું જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના ધ્યાને આવતા શિક્ષાત્મક કાર્યવાહી રૂપે બે કર્મચારીઓને પોલીસ વિભાગમાંથી ડીસમીસ (નોકરીમાથી બરતરફ) કરવા હુકમ કરવામાં આવ્યો છે.
જે બે કર્મચારીઓ માં પોલીસ હેડક્વાર્ટર માં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ચંદ્રકાન્ત ભરત ભારથી ગોસાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ હિંમતભાઇ ચૌહાણને ડીસમીસ કરી દેવામાં આવતા પોલીસબેડા માં ચકચાર મચી છે એસપી એ જણાવ્યું હતું કે બન્ને કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ ચાલુ હતી જે પૂર્ણ થતા બન્ને ને બરતરફ કરાયા છે જો કે પોલીસે બન્ને કર્મચારીઓ એ શું કૃત્ય કર્યું હતું તે અંગે કોઈ વિગતો હાલ જાહેર કરી ન હતી અને આવતીકાલે સમગ્ર વિગત જાહેર થશે તેવું જાણવા મળે છે.