પોરબંદર સિવિલ હોસ્પિટલ માં બોગસ ડોકયુમેન્ટ રજુ કરી ડેન્ટલ ટેકનીશ્યન તરીકે હંગામી નોકરી મેળવવા મામલે શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના સાંઇબાબાના મંદિર પાછળ રહેતા અને સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તથા આર.એમ.ઓ. વર્ગ-૧ તરીકે ઉપરાંત વહીવટી અધિકારીનો વધારાનો ચાર્જ સંભાળતા ડો. વિપુલ નાનાલાલ મોઢા દ્વારા કમલાબાગ પોલીસમથકમાં ૧૯ વર્ષ ૩ મહિનાના યુવાન દેવ કંદર્પ વૈધ સામે છેતરપીંડી કરીને બોગસ દસ્તાવેજ બનાવ્યાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે જેમાં વિસ્તૃત વિગત એવી છે કે સરકારી ભાવસિંહજી હોસ્પિટલના ડિસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેશન સેન્ટરમાં જુદા-જુદા પ્રકારની જગ્યાઓ ખાલી હોવાથી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી અને નોટીફીકેશન બહાર પાડયા બાદ જુદી-જુદી પોસ્ટ પર કુલ સાત અરજીઓ આરોગ્યસાથી પોર્ટલપરથી ડાઉનલોડ કરવામાં આવી હતી.
ભાવસિંહજી હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન અનિરૂધ્ધ તિવારી દ્વારા તા. ૨-૩-૨૦૨૪ના તેની અધ્યક્ષતામાં એક સ્કૂટી કમિટિની રચના કરીને અલગ-અલગ અધિકારીઓએ દસ્તાવેજો ચેક કરીને ઉમેદવાર ઇન્ટરવ્યુ માટે યોગ્ય છે કે રદ કરવા પાત્ર છે તેનુ કામ સોંપવામાં આવ્યુ હતુ.
તા. ૧૩-૩ના સાત ઉમેદવારો પૈકી ફકત ત્રણ ઉમેદવારો હાજર રહ્યા હતા જેમાં ઓપ્ટોમેટ્રીસ્ટની જગ્યા માટે આશુતોષ ભગવાનભાઈ રાડા, અર્લી ઇન્ટરવેશન કમ સ્પેશ્યલ એજ્યુકેટરની જગ્યા માટે સંતોકબેન લખમણભાઈ કોડીયાતર અને ડેન્ટલ ટેનિશ્યનની જગ્યા માટે પોરબંદરની માધવાણી કોલેજ સામે ધનલક્ષ્મી સોસાયટી શેરી નં. ૫માં કુબેર બંગલોઝ પાસે રહેતો દેવ કંદર્પ વૈદ્ય હાજર રહ્યો હતો. અને કમિટીના અધિકારીઓએ તેમના ડોકયુમેન્ટ તપાસ્યા હતા.
સરકારી ભાવસિંહજી હોસ્પિટલના આસીસ્ટન્ટ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટીવ ગિરિરાજ મહેતાએ ઇન્ટરવ્યુ પેનલના સભ્યોને ઇન્ટરવ્યુ લેવા માટે વડીકચેરી તરફથી કોઈ જ આદેશ નહી હોવાનું જણાવતા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા ન હતા પણ વિભાગીય નાયબ નિયામક રાજકોટના ભરતીના નિયમો મુજબ ભરતી કરવાનું નકકી થયુ હતુ. સંતોકબેન કોડીયાતરની શૈક્ષણિક લાયકાત નહી હોવાથી ઉમેદવારી રદ થઇ હતી. ઓપ્ટોમેટ્રીસ્ટના ઉમેદવાર આશુતોષ રાડા હાજર હતા પણ કમિટીના અધિકારી હાજર નહી હોવાથી તેનુ ઇન્ટરવ્યુ મુલત્વી રાખવામાં આવ્યુ હતુ. ડેન્ટલ ટેકનિશીયનની જગ્યા માટે ઉપસ્થિત દેવ કંદર્પ વૈદ્યના ડોક્યુમેન્ટ તપાસ્યા બાદ ડેન્ટલ ટેકનિશ્યન તરીકે તેની બિનહરિફ પસંદગી કરવાનો નિર્ણય લેવાયો હતો અને તે અંગે રોજકામ તા. ૧૩-૩-૨૪ના થયું હતુ. પરંતુ જે તે સમયે પેનલના સદસ્યો દ્વારા સહી થઇ ન હતી.
ત્યારબાદ તા. ૧૬-૩થી લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડતા તે પૂર્ણ થયા બાદ તા. ૧૩-૬ના સહીઓ થઇ હતી અને દેવ વૈદ્યને ડેન્ટલ ટેકનીશ્યન તરીકે તા. ૧૮-૬-૨૦૨૪ થી તા. ૧૭- ૫-૨૦૨૫ એમ ૧૧ મહિના માટે માસિક ફિકસ રૂા. ૨૦ હજાર ના મહેનતાણાથી નોકરી પર હાજર કરી દેવાયો હતો.
દેવની નિમણુંક થયા બાદ પોરબંદરના આર.ટી.આઈ. એકટીવિસ્ટ રમેશભાઈ માલદેભાઈ ઓડેદરાએ તેની આર.ટી.આઈ. કરી હતી અને ડોકયુમેન્ટ બનાવટી હોવા અંગેની કેટલીક સાબિતીઓ અને પુરાવાઓ આર.ટી.આઈ. એકટીવિસ્ટ રમેશભાઈ ઓડેદરાને મળતા તેમણે હોસ્ટિપલના સત્તાધીશોને રજૂઆત કરીને ‘તમારી હોસ્પિટલ સાથે છેતરપીંડી થઈ છે. તમે પગલા ભરો અને ગુન્હો નોંધો’ તે પ્રકારની રજૂઆતો કરી હતી.
સ્થાનિકકક્ષાએથી માંડીને આરોગ્ય મંત્રાલય સુધી આર.ટી.આઈ. એકટીવિસ્ટ રમેશ માલદેભાઈ ઓડેદરાએ લડત ચલાવ્યા બાદ અંતે રાજકોટના આર.ડી.ડી. ડો. ચેતન મહેતાએ ભાવસિંહજી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઇને દેવ વૈદ્યના દસ્તાવેજો તપાસ્યા હતા. જેમાં રાજસ્થાનના ઉદયપુરની દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ લોયરાનું તા. ૧-૮-૨૧થી તા. ૩૧-૭-૨૩ સુધી દેવે ડેન્ટલ ટેકનીશ્યનનો કોર્સ કર્યો હોય તેવુ સર્ટીફિકેટ કોલેજના ડોકટર વિવેક શર્મા કે જે વાઇસ પ્રિન્સિપાલ છે તેમની સહી તથા કોલેજના સિક્કા સાથેનું રીપોર્ટકાર્ડ રજૂ થયુ હતુ. જેની ચકાસણી કરાવવામાં આવતા એવી ચોંકાવનારી માહિતી બહાર આવી હતી કે દર્શન ડેન્ટલ કોલેજમાં ડેન્ટલ ટેકનિશ્યનનો કોઇ જ કોર્ષ કરાવવામાં આવતો નથી. કોલેજમાં માત્ર બેચલર અને માસ્ટર ઓફ ડેન્ટલ સર્જનના કોર્ષ જ કરાવવામાં આવે છે. આ પ્રકારની માહિતી આર.ટી.આઈ. એકટીવિસ્ટે પણ મેળવી હતી અને તેના આધારે હોસ્પિટલના સત્તાધીશો ગુન્હો નોંધે તેવી માંગ કરી હતી.
પરંતુ પોરબંદરની સરકારી હોસ્પિટલના સત્તાધીશોના જ ચાર હાથ આ દેવ વૈદ્ય ઉપર હોય તેમ કશીજ કાર્યવાહી કરવામાં આવી ન હતી આથી ફરિયાદી આર.ટી.આઈ. એકટીવિસ્ટ રમેશભાઈ ઓડેદરાએ આ અંગે ફરી ગાંધીનગર સુધી ફરિયાદો કરી હતી.
હોસ્પિટલ ખાતે રાજકોટથી આવેલા ડો. ચેતન મહેતા એ તપાસ કરેલા દસ્તાવેજો ખોટા હોવાનું પૂરવાર થતા સી.ડી.એમ.ઓ. દ્વારા દેવને તા. ૧૮-૮-૨૦૨૪ના ખુલાસો માંગવામાં આવ્યો હતો. જેમાં દેવે તા. ૨૨-૮ના ખુલાસો કરીને કોલેજના વાઈસ પ્રિન્સિપાલની સહી સિક્કા સાથેનું બોનાફાઈટ સર્ટીફિકેટ અને ફી સ્ટ્રકચરની નકલો રજૂ કરી હતી. પરંતુ આ સર્ટીફિકેટ પણ બનાવટી અને ખોટા હોવાનું બહાર આવ્યુ હતુ.
આથી હોસ્પિટલના તંત્ર દ્વારા તા. ૨૯-૮-૨૦૨૪થી દેવ વૈદ્યને આપવામાં આવતો પગાર બંધ કરવામાં આવ્યો હતો અને તા. ૬-૯થી તેની સેવાઓ બંધ કરવામાં આવી હતી અને તેના અઠવાડિયા પછી તા. ૧૩-૯ના પોતે સેવામાંથી રાજીનામુ આપી રહ્યો છે તેમ લેખિતમાં જણાવ્યુ હતુ. પરંતુ રાજીનામામાં પણ તા. ૧-૯ના આપ્યાની ખોટી તારીખ દર્શાવી હતી. ભરતી પ્રક્રિયા દરમિયાન રજુ કરેલા અસલ દસ્તાવેજો પણ દેવે પોતાની પાસે રાખ્યા છે અને તા. ૪ ડિસેમ્બરના ફરીયાદી ડો. વિપુલ મોઢાને ફોજદારી રાહે કાર્યવાહી કરવાનો સી.ડી.એમ.ઓ.એ હુકમ આપ્યો હતો અને તેના ૧૫ દિવસ પછી હવે હોસ્પિટલના ડોકટરે દેવ વૈદ્ય સામે બોગસ દસ્તાવેજો દ્વારા નોકરી મેળવ્યાનો અને ખુલાસો માંગતા બનાવટી બોનાફાઈટ સહિત બે બોગસ ડોકયુમેન્ટ ખરા તરીકે રજૂ કરી સરકાર સાથે છેતરપીંડી કરતા ગુન્હો દાખલ થયો છે ત્યારે કમલાબાગ પોલીસે આ મુદ્દે આગળની તપાસ હાથ ધરી છે.