Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના સાંદિપની ખાતે સંસ્કૃતિ ચિંતનની સંગોષ્ઠિનું સમાપન:રાજયભરના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો,ચિંતકોએ આપ્યો પોતાના જ્ઞાનનો લાભ

પ્રતિ વર્ષે હોળી ઉત્સવની આસપાસ ગુજરાતના પ્રખ્યાત સાહિત્ય સર્જકો ચિંતકો અને વક્તાઓ ની ઉપસ્થિતિમાં યોજાતી સંસ્કૃતિ ચિંતનની સંગોષ્ઠિનો ત્રીજો મણકો તારીખ 22 23 અને 24 માર્ચ 2024 દરમિયાન પોરબંદરના સાંદિપની વિદ્યા નિકેતનમાં યોજાયો. દશ સત્રમાં યોજાયેલ આ સંગોષ્ઠીનું ઉદઘાટન પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાએ કર્યું. આ ગોષ્ઠિના સંયોજક અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાએ સંગોષ્ઠિના હેતુઓ અને એને સિદ્ધ કરવા માટે કરેલ આયોજનની વિગતવાર માહિતી આપી. સાહિત્યના અને સંસ્કૃતિના બદલાતા નેરેટિવની સાથે સાથે 22 મી જાન્યુઆરી 2024 પછી  રામાયણ કેવી રીતે અધ્યતન સાહિત્ય પ્રવાહોને પ્રભાવિત કરી રહી છે તેની પણ વિગતવાર વાત કરી. તેમને વિશેષ જણાવ્યું કે લોકોને આજે વાંચવું નથી. સાહિત્ય કોઈ વાંચતું નથી. યુવાનોને વાંચવું નથી. બધા યુવાનો સિનેમા તો જુએ છે અને ઓ.ટી.ટી.પ્લેટફોર્મ પર સ્ટોરી તો છે જ તો વાર્તા તો જોઇશે જ. તથ્ય તો જોઈશે જ એટલે આ વખતે એ અમે જરા જુદો ચીલો ચીતર્યો કે શબ્દ શું છે ? અને શબ્દ ક્યાંથી આવે છે ? અને શબ્દોનું શું માહાત્મ્ય છે ? કારણ કે શબ્દબ્રહ્મ એમતો આપણે કહીએ છીએ. એ શબ્દને લઈને કવિ શું કહે છે કે જેમાંથી ચમત્કૃતિ થાય છે એની વાત આપણે સંસ્કૃતિ ચિંતનમાં કરવી છે.

          સામાન્ય રીતે પહેલા સત્રમાં રાષ્ટ્રીય કક્ષાના ચિંતક વક્તા નિમંત્રવામાં આવતા હોય છે. આ વખતે સુપ્રીમ કોર્ટના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી શ્રી અશ્વિની ઉપાધ્યાયે ’ભારતનું બંધારણ અને રામરાજ્ય’એ વિષય પર મનનીય પ્રવચન આપીને ભારતના કયા કયા કાયદાઓ માંથી આજે પણ કોલોનીયલ વિચારસરણી નો પ્રભાવ રહેલો છે. આવા કાયદાઓ બદલવાની કેવી જરૂર છે તે સમજાવ્યું. આ ઉપરાંત બંધારણની મુળગરિમા પુનઃ પ્રસ્થાપિત થાય તે માટે શું કરવું જોઈએ એ વિશે બહુ જ વિગતવાર ઉદાહરણ સાથે પ્રવચન કર્યું.

      સાહિત્યના સત્રોમાં ખાસ કરીને શબ્દ સરિતા જેમાં કવિનો શબ્દ ગાંધીનો શબ્દ અને લોકસાહિત્યનો શબ્દ એવા વિવિધ વિષયો ઉપર કવિ શ્રી વિનોદ જોશી શ્રી હરસિદ્ધ મહેતા અને શ્રી બલવંત જાનીએ પ્રવચન કર્યા. શિક્ષણ અંગેના સત્રમાં ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ, શ્રી સંજય ચૌધરી અને ભદ્રાયુ વછરાજાની એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને વિકસિત ભારતની પરિકલ્પના વિશે વાત કરી. તો ગુજરાતમાં લખાતા પ્રવાસ નિબંધો ઉપર શ્રી પ્રોફે.અજય સિંહ ચૌહાણ, ચિંતક શ્રી સુભાષ ભટ્ટ અને પત્રકાર શ્રી લલિત ખંભાયતા એ વિગતવાર વાત કરી. ગુજરાતી સાહિત્યમાં રહેલી ભજન પરંપરા અને આદિવાસીઓની સાહિત્ય સૃષ્ટિમાં વણાયેલી સંસ્કૃતિની વાત શ્રી નિરંજન રાજ્યગુરુ અને ભગવાનલાલ પટેલે કરી. નાટક અને સંસ્કૃતિ અંગેનું ચિંતન શ્રી પ્રણવ જોશીપુરા, શ્રી કનુભાઈ પટેલ અને શ્રી પી એસ ચારીએ વિશેષ શૈલીમાં રજૂઆત કરી.

      આ ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કવિઓ દ્વારા ખૂબ જ રસપ્રદ કવિ સંમેલન યોજાયું જેનું સંચાલન યુવા કવિ મિલિન્દ ગઢવીએ કર્યું. જેમાં અનેક ખ્યાતનામ કવિઓ દ્વારા ખુબ સુંદર કવિતાઓ, ગઝલો અને અછાંદસ રચનાઓની પ્રસ્તુતિ કરવામાં આવી. જ્યારે 22 મે રાત્રે કાવ્ય સંગીત સમારોહમાં વિખ્યાત ગાયક ત્રિપુટી શ્રી સૌમિલ મુનશી શ્રી શ્યામલ મુનશી અને શ્રીમતી આરતી મુનશી એ અનેક વિખ્યાત કવિતાઓની સાંગિતિક રજુઆત કરી.

         સંગોષ્ઠિના સમાપનમાં પૂજ્ય ભાઈશ્રી, કેન્દ્રીય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષા શ્રીસંધ્યા પૂરેચાએ વિશેષ પ્રવચન કર્યા. શ્રી ભાગ્યેશ જહા આખી સંગોષ્ટિમાં કેવી રીતે વર્તમાન યુગ નો શબ્દ પડધાયો તેનું સાહિત્યિક વિશ્લેષણ કરીને પ્રવચન કર્યું તો પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે સંસ્કૃતિ એટલે સમાજના બુદ્ધિજીવી લોકોએ સાથે બેસીને નક્કી કરેલી શાસ્ત્ર પ્રમાણિત આચારસંહિતા. પૂજ્યભાઇશ્રીએ એમની શૈલીમાં કહ્યું, “આપણા આંગણામાં આપણા દ્વારા થતી આપણી વાતો એટલે સંસ્કૃતિચિંતન..” આવી સંગોષ્ઠીમાં રાજ્યભરના સાહિત્યકારો અને ચિંતકોએ જે જે વિચારો રજૂ કર્યા એ ખરેખર વિચારણીય છે. પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે આવું સામૂહિક ચિંતન લાંબા ગાળે સમાજ જીવનને અને સંસ્કાર જીવનને સમૃદ્ધ કરનારું સાબિત થશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા સાહિત્યકાર શ્રી ભાગ્યેશ જહાએ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં સાંદીપનિના અતિથિઓએ અને પોરબંદરના અનેક ભાવિકોએ પ્રત્યક્ષરૂપે તથા લાઈવ ટેલીકાસ્ટ દ્વારા પણ અનેક લોકો ઓનલાઈન જોડાયા હતા..

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે