પોરબંદર માં દિવાળી વેકેશન પૂર્ણ થાય તે પહેલા જ અનેક ખાનગી શાળાઓ ધમધમતી થઇ હોવાની ફરિયાદ જીલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારી ને કરાઈ છે.
દિવાળીનું વેકેશન ૨૯-૧૧એ પૂર્ણ થાય છે પરંતુ પોરબંદર શહેર અને જિલ્લામાં અનેક ખાનગી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય કાયદાનો ભંગ કરીને તા. ૨૦-૧૧થી જ શરૂ કરી દેવાયું છે. અને આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને ટેલિફોનીક રજૂઆત કરી હોવા છતાં પગલા લેવાયા નથી તેમ જણાવીને પોરબંદર જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા હવે લેખિત રજૂઆત થઇ છે.
પોરબંદર જિલ્લા શાળા સંચાલક મંડળના મહામંત્રી કરશનભાઈ મોઢાએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે હાલમાં ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં તા. ૯-૧૧-૨૩થી તા. ૨૯-૧૧-૨૦૨૩ સુધી શિક્ષણ વિભાગ દ્વારા દિવાળી વેકેશન જાહેર થયેલ છે. ત્યારે પોરબંદર જિલ્લાની અમુક સ્વનિર્ભર તેમજ આ જિલ્લાની બોર્ડરના જિલ્લામાં નોંધાયેલ અમુક સ્વનિર્ભર શાળાઓ તા. ૨૦-૧૧-૨૦૨૩થી શિક્ષણકાર્ય તેમના સ્કૂલ વાહનો સાથે શરૂ થઇ ગયેલ હોવાથી આ જિલ્લાની સરકારના શિક્ષણ વિભાગના શૈક્ષણિક વર્ષ કેલેન્ડર અને સ્કૂલ સેફટી પોલીસી ૨૦૧૬ની જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરતી સ્વનિર્ભર, ગ્રાન્ટેડ તથા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળાઓમાં ઘણાં પ્રશ્નો ઉભા થાય છે.
સમાજમાં આવી નિયમિત શાળાઓનું સ્થાન ઉતરતી ગુણવતામાં ગણાઈ જતું હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા ઉતરોત્તર ઘટતી જાય છે. તેમજ ખૂબજ ટૂંકા સમયમાં આ શાળાઓમાં વર્ગોની સંખ્યા ઘટશે તેમજ સરાસરી હાજરીના કારણે આવી શાળાઓ બંધ થવાથી શકયતાઓ પણ શિક્ષણાધિકારી કચેરીની નિષ્ક્રિયતાના કારણે અસર થવા લાગી છે.
જેથી ગરીબ અને મધ્યમ પરિવારના બાળકોને તેના નિવાસ સ્થાનથી નજીકની શાળામાં પાયાનું શિક્ષણ કદાચ ભવિષ્યમાં નહીં મળે તેવી દહેશત થશે આથી જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાના સમાન શૈક્ષણિક વર્ષ કેલેન્ડર તથા સ્કૂલ સેફટી પોલીસી ૨૦૧૬ની જોગવાઇઓનું પાલન અસરકારક રીતે અમલવારી થાય તે આવશ્યક છે.
વધુ માં એવું પણ જણાવ્યું છે કે જિલ્લાના માન્ય ઘટક સંઘના જવાબદાર વ્યક્તિએ શિક્ષણાધિકારી કચેરીમાં તા. ૨૨-૧૧-૨૦૨૩ના રોજ ઓફિસ સમય દરમિયાન ટેલિફોનીક રજૂઆત કરેલ હોવા છતાં પણ આજની તારીખે આવી શાળાઓમાં શિક્ષણકાર્ય ચાલુ છે તે પણ એક શરમજનક બાબત કહેવાય.
પોરબંદર જિલ્લાના બોર્ડરના જિલ્લામાં નોંધાયેલ શાળાઓને તેમના જિલ્લા પૂરતી સ્કૂલ વાહનની મંજુરી આર.ટી.ઓ. કચેરી પાસેથી લીધેલ હોવા છતાં પણ પોરબંદર જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાંથી તેમના સ્કૂલ વાહનો દ્વારા પોરબંદર જિલ્લાના બાળકોને અભ્યાસ અર્થે લઇ જવામાં આવે છે તે બાબતે સ્કૂલ સેફટી પોલીસી ૨૦૧૬ની જોગવાઈઓની અમલવારી શિક્ષણાધિકારી કચેરીના કાર્યક્ષેત્રમાં હોવા છતાં પણ કચેરી દ્વારા તા. ૪-૮-૨૦૨૩ના રોજ આર.ટી.ઓ. કચેરી પોરબંદરનું માર્ગદર્શન માંગેલ પણ અમલવારીની સૂચના નહીં આપવાના કારણે જ શિક્ષણાધિકારી કચેરીની આ ગંભીર બાબતમાં જે નિષ્ક્રિયતા અને બેદરકારી એ ઘણી શંકાઓ ઉપજાવે છે.
દરેક વર્ષે આવી શાળાઓ વેકેશન તેમજ જહેર રજાઓના દિવસે પણ તેમના સ્કૂલ વાહનો સાથે શૈક્ષણિક કાર્ય ચાલુ રાખે છે તેવી વારંવાર ટેલિફોનીક રજૂઆત જિલ્લાના ઘટક સંઘના હોદ્દેદારો દ્વારા થતી હોવા છતાં પણ કોઈ નક્કર પરિણામ ન મળતા નાછૂટકે ફરજીયાત લેખિત ફરિયાદ કરવાની ફરજ પડી છે. જેથી આ રજુઆતને પ્રાધાન્ય આપી તાત્કાલિક યોગ્ય નક્કર કામગીરી માટે પોરબંદર જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ વતી રજૂઆત કરવામાં આવી છે.