રાણાવાવ ની સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી ના સ્ટાફ દ્વારા વૃદ્ધના ખેતરે બુલડોઝર સાથે ઘસી જઈ દબાણ કર્યું હોવાનું જણાવી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ ના પગલે સમગ્ર પંથક માં ચકચાર મચી છે.
બોરીચા ગામના તળાવ ની પાસે રહેતા ધાનાભાઇ ગોગનભાઈ ચાવડા (ઉ.વ.૬૨) એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ આદિત્યાણા ગામની સાતપળીયુ સીમમાં ખેતીની સાડા સાત વિધા જમીન છે જે ભાઇઓ ભાગની સંયુકત છે તેમા તેઓ ખેતી કરે છે. શનિવારે તેના ભાઈ લખમણભાઈ એ ફોન કરી જણાવ્યું હતું કે આદીત્યાણા થી ભરત છગનભાઇ કારાવદરાનો ફોન આવ્યો હતો અને તેણે વાત કરી હતી કે સેારાષ્ટ્ર સીમેન્ટ ફેક્ટરીના માણસો આપણા ખેતરે આવવાના હતા અને વંડી બાબતે વાતચીત કરવાના છે.
આથી તેઓ ભાઈ,પુત્ર ,ભત્રીજા વગેરે ને સાથે રાખી ખેતરે ગયા હતા ત્યારે એક ડોઝર મશીન તથા બે ફોરવ્હીલ લઇ સીમેન્ટ ફેકટરીના સાત આઠ માણસો આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે “તમે અમારી ફેક્ટરીની માલીકીની જમીન દબાવી લીધેલ છે અને તમારી આખી વંડી અમારામાં છે અને અત્યારે અમારે તમારી ખેતરની વંડી પાડી નાખવી છે” જેથી ધાનાભાઈ અને તેના ભત્રીજાઓએ “તમે કોઈ નોટીસ આપી નથી કે માપણી કરાવી નથી આ રીતે તમે અમારી માલીકીના ખેતરની વંડી પાડી શકો નહી” તેવુ કહી વીરોધ કરતા ફેક્ટરીના માણસો એકદમ ઉગ્ર થઈ બે માણસો હીન્દીમાં તથા બીજા માણસો ગુજરાતીમાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતા.
આથી ધાનાભાઈ ના પુત્ર જેઠાએ તુરંત જ તેના મોબાઇલમાં વિડીયો શુટીંગ કરવા લાગતા અને ભત્રીજા વીરાભાઇએ ફોન કરી પોલીસને બોલાવતા તે શખ્સો કાર અને ડોઝર લઇ ને ત્યાંથી જતા રહ્યા હતા ફરિયાદ માં એવું પણ જણાવ્યું છે કે ફેક્ટરીના લોકોના નામ આવડતા નથી પણ તે તથા ભત્રીજા તે લોકોને જોયેથી ઓળખે છે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલા અને રાજરત્ન નાનજી કાલિદાસ મહેતા પરિવાર ની ફેક્ટરી ના સ્ટાફે ગુંડાગર્દી કરી હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર પંથક માં ચકચાર મચી છે.