પોરબંદર ના છાયા ના અગ્રણી ની 3 લાખ ની કીમત ની જમીન પર દસ વર્ષ થી કબ્જો કરવા અંગે એક શખ્શ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે.
પોરબંદરના છાંયા એસ.સી.સી.રોડ પર રહેતા અને અસ્માવતી ફાસ્ટફડ નામની દુકાન ચલાવતા અગ્રણી નરેશભાઈ વ્રજલાલભાઈ થાનકીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગોસા ગામના બેટડા રણવિસ્તારમાં તેમની ખેતીને લાયક જમીન આવેલી છે. જે અગાઉ તેમના પિતા વ્રજલાલભાઈ વલ્લભજી થાનકીના નામની હતી,અને તેમના અવસાન બાદ આ જમીન નરેશભાઈ ઉપરાંત તેમના માતા દયાકુંવરબેન ભાઈ અમિત તથા બહેનો વિજયાબેન, લતાબેન,અને પ્રફુલાબેન વગેરે વારસદારોના નામે ચડેલી છે.
અને સરકારી ધારાધોરણ મુજબ હાલનો જમીનનો ભાવ ૨,૮૩,૩૦૦ રૂપિયા છે અને આ જમીન ૨૦૦૦ ની સાલમાં ખરીદ્યા બાદ ૨૦૧૨ સુધી ખેતીકામ કર્યું હતું. અને ૨૦૧૨ થી ગોસા ગામે રહેતા છગનભાઈ નથુભાઈ આગઠને એ જમીન ખેડવા માટે આપી હતી. પરંતુ ગોસા ગામના ધીરૂભા રૂપસંગ જેઠવા નામના શખ્શે છગનભાઈને જમીન નહી ખેડવા અને ખેતરે નહીં આવવા ધમકી આપી હતી. આથી આ બાબતે છગનભાઈએ નરેશભાઈને જાણ કરી હતી.
અને તેઓ ગોસા ગામે જમીન માટે ગયા ત્યારે ધીરૂભાએ નરેશભાઈને આ જમીન ઉપર પોતે બે લાખ રૂપિયાની લોન લીધી હોવાથી તે લોન નરેશભાઈ ભરી આપે તો જ જમીનનો કબ્જો આપશે તેવું જણાવ્યું હતું આથી નરેશભાઈએ તેને સમજાવ્યા હતા. પરંતુ માન્યા ન હતા અને જમીન પર એક દાયકા થી ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો અને નરેશભાઈને જમીન ઉપર આવવા પણ દેતા ન હતા. આથી ધીરૂભા સામે યોગ્ય કાર્યવાહી માટે લેન્ડગ્રેબિંગ કમિટીમાં અરજી કરી હતી. જે કમિટી ની તપાસ બાદ નરેશભાઈને એફ.આઈ.આર.કરવા માટે સુચના અપાતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.