પોરબંદર એસ. ટી. ડેપોમાં કંડકટર તરીકે ની ફરજ બજાવતા અનિલભાઇ પરમાર ની ડ્યુટી તા. 18-01-2024 ના રોજ રાત્રે 19:45 વાગ્યે વડોદરા થી પોરબંદર આવવા માટે ઉપડતી વડોદરા-પોરબંદર સ્લીપરકોચ રૂટની બસમાં હતી. વડોદરા થી પોરબંદર આવવા માટે આ બસ તેના નિયત સમયે ઉપડ્યા બાદ રાત્રિ ના 02:30 વાગ્યે રાજકોટ પહોંચી ત્યારે અન્ય મુસાફરોની સાથે એક આશરે 16 વર્ષની ઉંમર એક કિશોર પણ રાજકોટ થી પોરબંદર આવવા માટે આ બસ માં બેઠેલ હતો.
રાજકોટ થી આવેલા મુસાફરો ને ટિકિટ આપવા માટે કંડકટર અનિલભાઇ બસ માં ગયા ત્યારે ઉપરોકત કિશોરે પોરબંદર આવવા માટે ટિકિટ માંગેલ આથી તે કિશોરને અનિલભાઇ એ તેમની ફરજ મુજબ રાજકોટ થી પોરબંદરની ટિકિટ આપેલ, બસ પોરબંદર તરફ આવતી હતી, મુસાફરો પણ નિંદ્રાધીન થયા હતા અને કંડકટર અનિલભાઇ પણ પોતાની કામગીરી માં થી ફ્રી થયા અને આ કિશોરવયનો છોકરો મધ્ય રાત્રિ એ એકલો જ મુસાફરી માટે આવેલ હોઇ આ બાબતે કંઇક અજુગતુ લાગતા તે કિશોર ની પૂછપરછ કરતા તેમણે પોતાનુ નામ પ્રેમલકુમાર સતીષભાઇ અને અમદાવાદ ના રહેવાસી હોવાનું જણાવેલ પણ વધારે કંઇ વિગત જણાવેલ ના હતી.
પ્રેમલ ના આટલા ટુંકા જવાબથી અનિલભાઇ ને સંતોષ ન થયો, આ બસે અમુક અંતર કાપ્યા બાદ ફરી વખત અનિલ ભાઈએ પ્રેમલ સાથે વાત કરી અને વાત વાતમાં તેમનો મોબાઇલ જોવા માટે લઇ તે મોબાઇલ માંથી તેમના પિતા ના નંબર પર ફોન કરતા તેમના પિતાએ આ પ્રેમલ તેમનો દિકરો છે અને કોઇ અકળ કારણોસર ઘરેથી કોઇને કહ્યા વગર ચાલ્યો ગયેલ હોવાનું જણાવી પ્રેમલ ને નજીકના પોલિસ સ્ટેશને સોંપવાનું જણાવતા અનિલભાઈ એ પ્રેમલ ને પોરબંદર કમલાબાગ પોલિસ સ્ટેશન ખાતે સોંપેલ હતો, પ્રેમલ ના પિતા પણ તાત્કાલિક પોરબંદર આવવા રવાના થયા હતા અને પોરબંદર કમલાબાગ પોલિસ સ્ટેશને પોતાના વ્હાલસોયા દિકરા ને હેમખેમ નિહાળતા તેઓ પ્રેમલ ને ભેટી પડ્યા હતા અને પોરબંદર ડેપોના કંડકટર અનિલભાઈ નો અંત:કર્ણ પુર્વક આભાર માન્યો હતો.
નિષ્ઠાપુર્વક પોતાની ફરજ બજાવી એક પિતા પુત્ર ના મિલન ની આ અદભુત ક્ષણો ના યશભાગી બની પોરબંદર ડેપોનું ગૌરવ વધારવા બદલ વિભાગીય નિયામક શ્રીમાળી , ડેપો મેનેજર મકવાણા, આસી.ટ્રાફિક ઇન્સ્પેક્ટર એચ.એમ. રૂઘાણી,ટી. આઈ.એસ. જે. કડછા તથા ડેપોના સમગ્ર કર્મચારીઓ એ કંડકટર અનિલભાઈ પરમાર ને અભિનંદન પાઠવેલ હતા.
