પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન, શ્રીવાલ્મીકિ રામાયણ કથા, મેડીકલ કેમ્પ અને રાસ ગરબા સાથે ૪૨મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૩ નો મંગલ આરંભ થયો.
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવમાં શ્રી હરિ મંદિરમાં સવારે મંગલા આરતી બાદ વિધિવત પૂજન સાથે મંદિરના સર્વે શિખરો પર વિધિવત નૂતન ધ્વજારોહણ, પ્રતિદિન મા કરુણામયીનું ષોડશોપચાર પૂજન તેમજ સંગીતમય શ્રીરામચરિત માનસ પાઠનું અનુષ્ઠાન કરવામાં આવી રહ્યુ છે. પ્રતિદિન રામચરિત અનુષ્ઠાન પૂર્વે પૂજ્ય ભાઇશ્રીની પાવન ઉપસ્થિતિમાં શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના મુખ્ય મનોરથી ભગવદીયા દર્શનાબેન દિનેશભાઈ કાપડિયા પરિવાર (યુ.એસ.એ.) દ્વારા શ્રીરામચરિત માનસ પોથીજીનું પૂજન તથા કુમારિકાનું પૂજન કરવામાં આવે છે. અનુષ્ઠાનના આરંભ થાય એ પહેલા ઋષિકુમારો દ્વારા વેદપાઠ પણ કરવામાં આવે છે. પ્રતિદિન શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાનનો પ્રારંભ સવારે ૯:૦૦ થી થાય છે.
શ્રીવાલ્મીકી રામાયણ કથા
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત બપોર પછીના સત્રમાં યજમાન પરિવાર દ્વારા શ્રીવાલ્મીકી રામાયણ પોથીજીનું પૂજન તથા કથાવ્યાસ પૂજ્ય રાઘવાચાર્યાજી મહારાજનું પૂજન કરવામાં આવે છે . જગદગુરુ પૂજ્ય રાઘવાચાર્યજી દ્વારા ભગવાન શ્રીવાલ્મીકી રચિત દિવ્ય રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો. પ્રતિદિન શ્રી વાલ્મીકિ રામકથાનો પ્રારંભ અપરાહ્નમાં ૩:૩૦ થી થાય છે.
શ્રીહરિ મંદિરમાં દિવ્ય ઝાંકીના દર્શન
શ્રીહરિ મંદિરમાં શારદીય નવરાત્રિના પ્રતિદિન માં કરુણામયીના દિવ્ય શૃંગાર ઝાંકી દર્શન યોજાય છે અને સાયં આરતી બાદ પૂજ્ય ભાઈશ્રી દ્વારા ગરબાનું પંચોપચાર પૂજન કરીને ગરબો પ્રગટાવવામાં આવે છે અને પ્રાચીન ગરબાના ગાન સાથે દિવ્ય રાસ-ગરબા યોજાય છે.
શારદીય અનુષ્ઠાન સાથે વિવિધ મનોરથોનો પ્રારંભ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત આજે સાંદીપનિની વૈદિક ટીમ દ્વરા મા ભગવતીની આરાધના સ્વરૂપે વિવિધ મનોરથનો પણ આરંભ થયો હતો. જેમાં સપાદ નવાર્ણમંત્ર અનુષ્ઠાન, શતચંડી અનુષ્ઠાન, દેવીરાજોપાચાર પૂજા, બ્રહ્મમુહુર્તમાં દેવીપુજા અને ૧૦૮ દીપ અર્પણ, દેવી અથર્વશીર્ષ ૧૦૮ પાઠ, સરસ્વતીદેવી સ્તોત્ર પાઠ, શ્રીસુકત ૧૦૮ પાઠ, લક્ષ્મીપ્રાપ્તિ હેતુ કમલાપ્રયોગ એવં શ્રીયંત્ર પૂજા, સંગીતમયી દેવી સંકીર્તન જેવા વિશેષ મનોરથોનો સમાવેશ થાય છે.
મેડીકલ કેમ્પ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ નિમિત્તે તા. ૧૫-૧૦-૨૩ના રોજ ધામેચા આઈ હોસ્પિટલ પોરબંદર ખાતે આજે સુપર સ્પેશ્યાલીસ્ટ આઈ કેમ્પ તથા ન્યુરોલોજી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે મહાનુભાવો દ્વારા મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કેમ્પના ઉદ્ઘાટન સમયે પોરબંદર મેડિકલ કોલેજના ડીન ડૉ. સુશીલકુમાર, ધામેચા આઇ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી નાથાભાઈ ગોકાણી, સાંદીપનિ સંસ્થાથી આદરણીય કરુણાશંકરભાઈ ઓઝા, શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી રમેશભાઈ જનાણી તથા કેમ્પ કો-ઓર્ડીનેટર ડૉ. સુરેશભાઈ ગાંધી તથા ડૉ. ભરતભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરની ધામેચા આઈ હોસ્પિટલ ખાતે આયોજિત સુપર સ્પેશીયાલીસ્ટ આઈ કેમ્પમાં મુંબઈના ખ્યાતનામ બોમ્બે સીટી આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરના ડો. કુલીનભાઈ કોઠારી ની ટીમ દ્વારા આયોજિત “સુપર સ્પેશિયાલિટી આઈ કેમ્પમાં ૧૩૩ દર્દીઓને તપાસવામાં આવ્યા. આ પૈકી કુલ ૧૫ દર્દીઓની લેઝર સર્જરી કરવામાં આવી અને ૬ દર્દીઓ ની સર્જરી કરવામાં આવી.
આ સાથે-સાથે ધામેચા હોસ્પિટલ ખાતે જ યોજાયેલ ન્યૂરોલોજી કેમ્પમાં સુરતના ખ્યાતનામ ન્યુરોફિઝિશિયન ડો. ધવલ દવે દ્વારા ૩૭ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. આ બધા દર્દીઓ ને જરૂર પ્રમાણેની તમામ લેબોરેટરી તપાસ, કાર્ડિયોગ્રામ એક્સ~રે, સીટી- સ્કેન વગેરે પણ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા. અને લેઝર સહિતની તમામ સર્જરી વિનામૂલ્યે કરવા ઉપરાંત પાંચ દિવસની દવાઓનો કોર્સ પણ કેમ્પ ના સ્થળ પર જ શ્રી હરિ મંદિરના “પ્રભુ પ્રસાદ” રૂપે આપવામાં આવ્યો. અનુષ્ઠાનની પુર્ણાહુતી સમયે આ કેમ્પમાં સેવા આપનાર ડૉ.કુલીનભાઇ કોઠારી તથા તેમની ટીમ અને ન્યુરોફિઝિશિયન ડો. ધવલ દવે અને ટીમનું પૂજ્ય ભાઈશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું.
દંતયજ્ઞ પ્રારંભ
આજે શારદીય નવરાત્રિના પ્રારંભે પ્રથમ દિવસે માનવસેવા રૂપે આયોજિત નવ દિવસીય દંતયજ્ઞ કેમ્પનો ઉપસ્થિત મહાનુભાવો અને ડૉકટરની ટીમ દ્વારા દીપ પ્રાગટય સાથે પ્રારંભ કરવામાં આવ્યો. કેમ્પના ઉદ્ઘાટન સમયે સાંદીપનિ સંસ્થા થી આદરણીય સૂર્યકાન્તભાઈ ઓઝા, કરુણાશંકરભાઈ ઓઝા, મહેન્દ્રભાઈ ત્રિવેદી, રમેશભાઈ જનાણી, સંસ્થાના ઉપપ્રમુખ મનસુખભાઈ જોષી, ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા તથા કેમ્પ કો-ઓર્ડીનેટર ડૉ. સુરેશભાઈ ગાંધી તથા ડૉ. ભરતભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.
આ દંત ચિકિત્સા દંતવૈદ્ય લાભુભાઈ શુક્લ મેમોરીયલ કલીનીક, ગવરીદળ, રાજકોટના જાલંધરબંધ યોગ પદ્ધતિના સુવિખ્યાત દંતવૈદ્ય ડો.હર્ષદભાઈ જોશી, ડૉ. સરોજબેન જોશી અને ટીમ દ્વરા કરવામાં આવશે. આ દંતયજ્ઞ તા. ૨૩-૧૦-૨૩ સુધી પ્રતિદિન સવારે ૯:૩૦થી ૧:૦૦ સુધી ચાલુ રહેશે.
દેશ-વિદેશથી અને પોરબંદર અને આસપાસના ગામમાંથી અનેક ભાવિકજનો અનુષ્ઠાન અને મનોરથ-દર્શન, કથા શ્રવણનો દિવ્ય લ્હાવો લઈ રહ્યા છે




