પોરબંદર ના કલેકટરે બિલેશ્વર અને ડીડીઓ એ દેવડા ગામની સરપ્રાઈઝ મુલાકાત કરી વિવિધ સેવાઓ નું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.
પોરબંદર જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી અને ટીમે રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામ ખાતે આકસ્મિક મુલાકાત કરી અલગ અલગ સરકારી સેવાઓના સ્થળોની કાર્યરત સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી દ્વારા બિલેશ્વર ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સરકારની ઉપલબ્ધ સગવડોની સેવાનો લાભ લોકોને મળી રહ્યો છે તે અંગે વિગતવાર માહિતી મેળવવાની સાથોસાથ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતી દવાની વ્યવસ્થા, આરોગ્યની સેવાઓ સહિતનું નિરીક્ષણ કરી લોકોને વધુ સારી રીતે આરોગ્ય લક્ષી સેવાઓનો લાભ ખુબ સરળતાથી મળી રહે તે અંગે આરોગ્યના સ્ટાફને સૂચના આપી હતી.
ઉપરાંત દર્દીઓને મળી તેમને આરોગ્ય ક્ષેત્રે મળતી સુવિધાઓ અંગે સંવાદ કર્યો હતો.
તેમજ બિલેશ્વર ગામની સરકારી પ્રાથમિક શાળાનું નિરીક્ષણ કર્યું હતું. અહીં વિદ્યાર્થીઓને આપવામાં આવી રહેલા શિક્ષણની ગુણવત્તામાં સુધારો લઈ આવા સ્ટાફને સૂચના આપી હતી. વિદ્યાર્થીઓ સાથે પણ કલેક્ટરએ વાર્તાલાપ કર્યો હતો. ઉપરાંત આંગણવાડીમાં નિરીક્ષણ કરી બાળકોને સરકારના નિયમ મુજબ શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે તેની જરૂરી ચકાસણી કરી, બાળકોને આપવામાં આવતા ભોજનનો પણ કલેક્ટર એ ટેસ્ટ કર્યો હતો. ઉપરાંત સસ્તા અનાજની દુકાન ખાતે જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીએ આકસ્મિક મુલાકાત કરી હતી, અને અહીં સસ્તા અનાજનું ખાંડ, ચોખા, કઠોળ વગેરે લોકોને આપવામાં આવે છે તેની ગુણવત્તાની ચકાસણી કરી હતી, તેમજ જરૂરી સરકારી રેકર્ડ પણ તપાસ્યા હતા. અને લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લઇ તેમની સાથે તેમને સમયસર મળતા પુરવઠા અંગે ચર્ચા કરવાની સાથે સંવાદ કર્યો હતો. સરકારશ્રીની ગાઇડલાઇન પ્રમાણે અનાજનું વિતરણ થાય છે કે કેમ? તેનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ તકે નાયબ કલેકટર પ્રાંત કચેરી કુતિયાણા પારસ વાંદા, નાયબ કલેકટર અને જિલ્લા પુરવઠા અધિકારી હેતલબેન જોશી, જિલ્લા શિક્ષણાધિકારી વી. કે. પરમાર, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડિયા સહિત જિલ્લા વહીવટી તંત્રના અલગ અલગ વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી એ કુતિયાણાના દેવડા ગામે સરપ્રાઇઝ વિઝીટ કરી સરકારી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત કચેરી, સસ્તા અનાજની દુકાનનું સ્થળ નિરીક્ષણ કરી સરકારી રેકર્ડની તપાસ કરી જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ શિક્ષણ અને આરોગ્યની સગવડ વધુ સુદ્રઢ બને તે અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ સરકારી કર્મચારી-અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠકકર દ્વારા કુતિયાણા તાલુકાના દેવડા ગામની આકસ્મિક વિઝીટ કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી એ ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લીધી હતી. તેમજ આંગણવાડી ખાતે મુલાકાત લઇ અહીં તમામ રજીસ્ટરોની ચકાસણી કરી બાળકોને ગુણવત્તા યુક્ત, સાત્વિક આહાર મળી રહે તે અંગે સૂચના અપાઇ હતી. દેવડા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લઇ દર્દીઓને મળતી આરોગ્ય લક્ષી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ દર્દીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમને મળતી આરોગ્ય લક્ષી સેવાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત દેવડાની સરકારી પ્રાથમિક શાળામાં સફાઈ, પાણી, મધ્યાહન ભોજન અને શાળાના ઓરડા, સ્માર્ટ ક્લાસ સહિતનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓને વધુ સારું શિક્ષણ મળી રહે તે માટે સૂચના આપી હતી.
દેવડા ગામની સસ્તા અનાજની દુકાન ખાતે લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. સસ્તા અનાજનો જથ્થો નિયમિત રીતે મળી રહે તેની ખરાઈ કરવાની સાથે સરકારી રેકર્ડની તપાસણી કરવામાં આવી હતી. સાથોસાથ દેવડા ગ્રામ પંચાયતના સરપંચ સાથે ગામમાં કાર્યરત વિવિધ સરકારી યોજના અને આરોગ્ય પાણી શિક્ષણ સહિતના મુદ્દે સમીક્ષા કરી હતી. આ તકે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર , આરોગ્ય અધિકારી , રેવન્યુ વિભાગના અધિકારી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.