ભારતમાં વસતા લાખો અંધ લોકો જે ફકત કીકી ખરાબ થવાથી અંધ થયા છે- તેમને નેત્રદાનથી મળેલી આંખોની કીકી બદલવાથી ફરી દેખતાં કરી શકાય છે. પોરબંદરમાં આ પ્રવૃત્તિ વર્ષોથી થાય જ છે પણ મૃત્યુદર કરતાં નેત્રદાન ઓછું થાય છે. આપણાં પોરબંદરમાં નેત્રદાન કરવાની ભાવના હજુ એટલી જ પ્રબળ છે અને આ માટે મેડીકલ કોલેજ ના ડીન ડો. ગૌરવ ભંભાણી દ્વારા જી.એમ.ઈ.આર. એસ. મેડીકલ કોલેજ સાથે સંલગ્ન ભાવસિંહજી જનરલ હોસ્પિટલે આ ઉમદા કાર્યનો વ્યાપ વધારી વધુ ચક્ષુદાન મેળવી વધુ ને વધુ અંધ લોકોને ફરી દ્રષ્ટિ મળી શકે એ હેતુથી આંખ વિભાગનાં ડો. વિભુતીબેન કોરીયા અને ડો. નીતિન પોપટને આ કાર્યને વેગવંત બનાવવાની જવાબદારી સોપેલ છે.
ઉપરવાળાએ આપણને ઘણું બધું આપ્યું છે: શારીરિક, આર્થિક, લાગણી, કૌટુંબિક ભાવના, ભૌતિક સુખ સગવડ વગેરે પણ કલ્પના કરો કે થોડા જ સમય માટે ઉપરવાળો એમાંથી કંઇક લઇ લે તો આપણે કેટલા આકુળ-વ્યાકુળ થઈ જઈએ! જો થોડા સમયની આ તકલીફને કારણે પણ આપણે આકુળ-વ્યાકુળ થઇ જઇએ, જયારે આપણે જાણીએ જ છીએ કે આ તકલીફ થોડા સમય માટેની જ છે. તો પછી આપણે આપણાં સ્વજનના મૃત્યુ બાદ નેત્રદાન, ત્વચાદાન, અંગદાન, દેહદાન કરી કોઇના અંધકારમય જીવનને પ્રકાશિત કેમ ન કરી શકીએ? આ દાન મૃત્યુ પામેલા આપણાં સ્વજનનું છેલ્લું અને સૌથી ઉત્તમ દાન હશે. ડોકટરો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરેલ સ્વજનના તો ઘણાં અંગો આપણે (હૃદય, ફેફસા, કીડની, લીવર, હાડકાં, પેનક્રિયાઝ, આંતરડા, લોહીની નળી, ત્વચા, આંખ વગેરે) દાનમાં આપી શકીએ અને તે દ્વારા આપણે કોઇના જીવન-મરણ વચ્ચે ઝઝૂમતા દર્દીઓના અને તેના પરિવારમાં ખુશી ફેલાવી શકીએ.
કોઇ અંધ બાળક અકસ્માતે અંધ થયેલ વ્યકિત, બીજા કોઈ કારણે કીકી ખરાબ થયેલ અંબ, કોઇ અંધ સ્ત્રી- આ બધા અંધત્વના કારણે જ તકલીફ ભોગવતા હશે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. આ રંગ-બેરંગી દુનિયા અંધ માટે હંમેશને માટે અંધકારમય હોય એનું દુખ આપણે કોઇ જ ધારીયે તો પણ ન સમજી શકીએ. જીવનના આ સંઘર્ષને લીધે જે માનસીક તણાવ, એકલતા, સામાજીક અસ્વીકારની ભાવના, અંધ હોવાની પીડા ખરેખર વિચારીએ તો ખુબ જ પીડાદાયક છે.
કદાચ આપણાં પરિવારમાં આવા કોઈ જરૂરિયાતવાળા દર્દી ન હોય તો એ માટે ઉપરવાળાનો આભાર માની આજે આપણે સૌ આવા જરૂરિયાતવાળા દર્દીઓ માટે પ્રતિજ્ઞા લઇએ કે આપણાં કુટુંબમાં આવું કાંઇ અનીચ્છનીય બને તો આપણે આવા દાન મેળવી ભારતભરમાં વસતા લાખો જરૂરિયાતવાળા આપણાં ભાઇ-બહેનોના જીવનમાં પ્રકાશ ફેલાવવાના કાર્યમાં દિલથી પ્રયત્ન કરીએ.
ભારતમાં વસતા અને કીકીની તકલીફના કારણે અંધ થયેલા માણસો માટે દર વર્ષે લગભગ ૨.૫ લાખ ચક્ષુઓની જરૂરિયાત સામે ભારતભરમાંથી દર વર્ષે લગભગ ૨૫૦૦૦ થી ઓછા ચક્ષુઓનુ દાન મળે છે જે અંધ વ્યક્તિને ફરીથી દેખતા કરવા માટે તેમજ સંશોધન માટે ઉપયોગમાં આવે છે. ભારતભરમાં દર વર્ષે આશરે ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ કીકીના ઓપરેશનો થાય છે જે અંધ લોકોની સંખ્યા પ્રમાણે ખૂબજ ઓછા ગણાય.
ગુજરાતમાં વસતા બધાને અપીલ છે કે તમારી આજુબાજુ વસતા અંધલોકોને તમારી નજીકના આંખના સર્જનને બતાવડાવી જે દર્દીઓને ચક્ષુદાનથી મળેલી આંખોથી (કોનિર્યોપ્લાસ્ટી સર્જરી દ્વારા) ફરી દ્રષ્ટિ મળી શકે તેવું હોય તેમને જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ સાથે સંલગ્ન ભાવસિંહજી જનરલ હોસ્પિટલના આંખના વિભાગમાં ડો. વિભુતીબેન કોરીયાનો સંપર્ક કરાવવા વિનંતિ છે. આ કાર્ય એટલું વિશાળ છે કે આમાં સમાજના બધા જ વર્ગના લોકોની મદદની જરૂર પડે. આપણે બધા જ ભેગા મળીને આ કાર્ય કરીશું તો જ આપણાં દશેની આ સમસ્યાને આપણે હળવી કરી શકીશું.
આપણે બધા જ જો પ્રતિજ્ઞા લઇએ કે આપણા ઘરમાં, મિત્રોમાં, સગાસંબંધીઓમાં, શેરીમાં કે જાણમાં કોઈનું પણ મૃત્યુ થાય તો એના નજીકના સગાઓને ચક્ષુદાન અને શક્ય હોય તો દેહદાન આપવા માટે સમજાવીશું. આમ પણ અગ્નિસંસ્કાર પછી આપણું શરીર રાખ થઈ જાય એના કરતા એનો ઉપયોગ જો માનવજાતના કલ્યાણમાં થતો હોય તો એનાથી સારું દાન બીજું કયુ હોઇ શકે? પોરબંદર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન કરવા માટે નીચે જણાવેલ નંબર પર ફોન કરી ૨૪ કલાક ૩૬૫ દિવસ બોલાવશો તેવી અપીલ છે.
પોરબંદરમાં નેત્રદાન કરવા માટે, દેહદાન આપવા માટે, કીકીને કારણ અંધ થયેલા વ્યક્તિનો અંધાપો દૂર કરવા માટે નીચે લખેલ વ્યકિતઓનો સંપર્ક કરવા વિનંતી છે. ડો. વિભુતીબેન કોરીયા આંખનો વિભાગ, ભાવસિંહજી હોસ્પિટલ, પોરબંદર ડો. નીતિન પોપટના મો. ૯૪૨૬૨ ૪૧૦૦૧, ૯૩૨૮૦ ૬૬૮૬૮, સંદિપ ચાવડા : ૯૪૨૬૯ ૮૯૮૦૪/૯૧૦૬૨ ૨૧૨૭૬- આઇ ડોનેશન કાઉન્સીલર
મેડીકલ કોલેજ ના ડીન ડો.ગૌરવ ભંભાણી