કુતિયાણામાં બુખારી મસ્જીદના ટ્રસ્ટી સહિત ત્રણ શખ્શોએ ટ્રસ્ટી ના ભાઈ ભત્રીજા પર હુમલો કરતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
કુતિયાણાના ખારીજાર ચોકમાં રહેતા હસન સતાર મનસુરી(ઉવ ૪૦)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તા.૬/૪ નાં રોજ સાંજે પોણા સાત વાગ્યે તે પોતાના ઘરેથી નમાઝ પઢવા માટે નીકળ્યો હતો અને તેની ટોપી બુખારી મસ્જીદની બાજુમાં આવેલી તેની ઓફિસે પડી હતી. આથી ટોપી લેવા માટે ઓફીસ ના દરવાજે ગયો ત્યારે તેના કાકા હુસૈન વલીભાઈ મન્સુરી તથા બુખારી મસ્જીદના ટ્રસ્ટી એવા બીજા કાકા આરીફ વલીભાઈ મન્સુરી અને કાકાનો પુત્ર આસિફ આરીફ મન્સુરી લાકડી અને પાઈપ લઈને રોડ ઉપર ઉભા હતા અને હસનને ગાળો કાઢવા લાગ્યા હતા.
અને આરીફે “હું બુખારી મસ્જીદનો ટ્રસ્ટી છુ અને તારે મસ્જીદમાં મારી રજા વગર આવવું નહી અને કોઇપણ જાતનો ફંડફાળો આપવો નહી અને મસ્જીદનો ટ્રસ્ટી હું જ છુ તેથી મારા કહેવા પ્રમાણે ચાલવાનું છે” તેમ કહ્યું હતું આથી હસને “આ મસ્જીદ તમામ મુસ્લિમોની આસ્થાની જગ્યા છે અને હાલમાં પવિત્ર રમજાન માસ ચાલતો હોવાથી કોઇપણ મુસ્લિમ મસ્જીદમાં ઈબાદત કરવા આવી શકે છે અને તમે રોકી શકો નહી” તેમ કહેતા હુસૈન,આરીફ તથા આસીફે તેને માર માર્યો હતો જે દેકારો સાંભળીને હસનનો નાનો ભાઈ હસીન અને પિતા સતારભાઈ ત્યાં આવતા તેઓને પણ ત્રણેય શખ્શોએ માર માર્યો હતો અને જતા જતા “હવે સુધરી જજો,નહી તો મારી નાખશું” કહીને ધમકી આપીને ચાલ્યા ગયા હતા.ત્યારબાદ હસન ને હોસ્પીટલે ખસેડવામાં આવતા હાથમાં ઓપરેશન આવ્યું હતુ. હુમલો કરનારા હસન ના સબંધી થતા હોવાથી સમાજ લેવલે સમાધાનની વાતચિત ચાલતી હતી પરંતુ અંતે ફરીયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.