પોરબંદર ની મહેર શક્તિ સેના દ્વારા બરડાડુંગરના પોલાપાણા ખાતે માલદેવબાપુની ૫૭ મી પુણ્યતિથિ નિમીતે ભાવાંજલી કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સંત શિરોમણી માલદેવ રાણા કેશવાલાની ૫૭ મી પુણ્યતિથિ નિમિતે સમાજની સંસ્કૃતિ અને પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી. પરમ વંદનીય સંત શિરોમણી, મહેર સમાજને શિક્ષિત, સંગઠીત અને સમર્થ સમાજ બનાવવાની રાહ ચિંધનાર અને મહેર સમાજમાં શિક્ષણની જયોત જગાડનાર એવા પૂજ્ય માલદેવ રાણા કેશવાલાએ સમાજ માટે આપેલ બલિદાનોનું પુણ્યફળ સમસ્ત મહેર સમાજને આજે મળી રહયું છે. ત્યારે પૂજય માલદેવબાપુના વિચારો અને બલિદાનોને યાદ કરવા પૂ. બાપુની ૫૭ મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ શ્રી મહેર શક્તિ સેના દ્વારા બરડા ડુંગરની ગોદમાં આવેલ વીર નાથાભાગત મોઢવાડીયાના પવિત્ર સ્થાન પોલાપાણા ખાતે ભાવાંજલી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં પૂજ્ય માલદેવબાપુના ભાતીગળ રાસડા અને વીર નાથાઆતાની જયજયકાર સાથે પોલાપાણાના પાટિયાથી પોલાપાણા સુધી પરંપરાગત પોષાકમાં મહારેલી, પોલાપાણા ખાતે પૂજ્ય માલદેવબાપુને શબ્દાંજલી તેમજ પરંપરાગત પોષાકમાં ઉપસ્થિત મહેર જ્ઞાતિજનોએ પૂ. બાપુની યાદમાં મહેર મણિયારો રાસ પ્રસ્તુત કરી સંત શિરોમણી પૂજ્ય માલદેવબાપુને ભાવાંજલી અર્પણ કરી હતી.
આ કાર્યક્રમમાં મહેર જ્ઞાતિના સામાજિક અને રાજકીય આગેવાનો બરડા વિસ્તારના ગ્રામજનો ભાઈઓ-બહેનો, શ્રી મહેર શક્તિ સેનાના હોદ્દેદરો અને સદસ્યો, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ અન્ય મહેમાનોએ હાજરી આપી હતી. આ તકે દર વર્ષે સર્વે મહેર સમાજને પરંપરાગત પોષાકમાં જ્ઞાતિના કાર્યક્રમોમાં જોડાવા ઉપસ્થિત જ્ઞાતિના આગેવાન તરફથી ખાસ આહવાન કરવામાં આવ્યું હતું.