માધવપુર ઘેડ ખાતે યોજાનાર ભાતીગળ લોકમેળા ને લઇ ને તંત્ર દ્વારા બેઠક યોજાઈ હતી જેમાં ૨૯ સમિતિઓ ની રચના કરાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર વર્ષ ૨૦૧૭-૧૮થી ગુજરાતમાં માધવપુર ઘેડના મેળાને રાષ્ટ્રીય બહુમાન મળ્યું છે. ચાલુ વર્ષે વર્ષ-૨૦૨૪માં પણ માધવપુર ઘેડનો મેળો ખૂબ સારી રીતે લોક સુવિધા સાથે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવશે અને જિલ્લા પ્રશાસન દ્વારા તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
મહાભારતકાળથી સૌરાષ્ટ્રનું પ્રભાસ (સોમનાથ) અને દ્વારિકા ક્ષેત્ર ભારત વર્ષની સાંસ્કૃતિક વિરાસત છે. આ બંને સાંસ્કૃતિક વિરાસતો વચ્ચે આવેલ માધુવપુર ઘેડ પણ ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલું સ્થળ છે. ઉત્તર પૂર્વની રાજ કુવરી માતા રુક્ષ્મણીજી અને ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન માધવપુર ઘેડમાં થયા હોવાથી સૈકાઓથી માધવપુર ઘેડમાં લોક મેળો યોજાય છે. આ લોક મેળાને વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિશેષ બહુમાન મળ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, પ્રવાસન નિગમ અને જિલ્લા પ્રશાસન દ્વારા મેળામાં વિશેષ આયોજન કરવામાં આવે છે અને ઉત્તર પૂર્વ રાજ્યોના કલાકારોની કૃતિઓ, બે સંસ્કૃતિઓને જોડતા મેળામાં મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ તેમજ કેન્દ્ર સરકારના સંબંધીત વિભાગના સંકલનથી મેળો માણવા લાયક બને છે.આ વર્ષે પણ મેળામાં ગ્રાઉન્ડ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થવાનું છે. મેળાનું આયોજન તા.૧૭ એપ્રિલ થી ૨૧ એપ્રિલ દરમિયાન થવાનું છે.
પોરબંદર જિલ્લા કલેક્ટર કે.ડી.લાખાણીના માર્ગદર્શન હેઠળ માધવપુર ઘેડના મેળા માટે વિવિધ ૨૯ સમિતિઓની રચના કરવામાં આવી છે. કલેકટર કે.ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને વિવિધ સમિતિના મુખ્ય અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વિવિધ કામગીરીનું સંકલન થાય તેમજ સ્થાનિક કક્ષાએ પીવાનું પાણી, સ્વચ્છતા, પાર્કિંગ વ્યવસ્થા, રસ્તા મરામત, વી.આઈ.પી પ્રવાસ લાઇઝનીગ, બહારથી આવનાર મહેમાનો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા, કલાકારોની વ્યવસ્થા, માહિતી અને કોમ્યુનિકેશન વ્યવસ્થા તેમજ પબ્લિક એડ્રેસ અને ટ્રાન્સપોર્ટેશન સહિતના મુદ્દે સુચારું આયોજન થાય અને સંબંધિત વિભાગના અધિકારીઓ આવશ્યકતા મુજબ જરૂરિયાતો અને આયોજન અને વર્કઆઉટ કરી લે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્થાનિક કક્ષાએ પીવાનું પાણી, સ્વચ્છતા અને લોક સુવિધાને અગ્રતા મળે તે માટે પણ માર્ગદર્શન કલેકટર દ્વારા આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં અધિક કલેક્ટર આર.એમ રાયજાદા, ડી.આર.ડીએના નિયામક રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી પારસ વાંદા, ડીવાયએસ પી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.