પોરબંદર માં પ્રતિબંધિત પ્લાસ્ટિક નો વપરાશ કરતા ૨૫ વેપારીઓ ને રૂ ૪૯૦૦ નો દંડ ફટકારી મનપા ની ટીમ દ્વારા ૧૭ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક પણ જપ્ત કરાયું છે.
પોરબંદર માં નગરપાલિકા અસ્તિત્વ માં હતી ત્યાર થી ચોક્કસ પ્રકાર ના પ્લાસ્ટિક ના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ તેની અમલવારી કરવામાં આવી ન હતી. પરંતુ મહાનગરપાલિકા બન્યા બાદ હવે સેનીટેશન,ફૂડ સહિતના વિભાગ સક્રિય બની કામગીરી કરી રહ્યા છે. જેમાં અગાઉ પ્લાસ્ટિક ઝબલા ના હોલસેલ ધંધાર્થીઓ ને ત્યાં ચેકિંગ બાદ હવે મ્યુનિસિપલ કમિશનર એચ કે પ્રજાપતિ ની સુચના થી ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશ ઢાંકી તથા જુદા જુદા વોર્ડના સેનિટરી સબ ઈન્સ્પેકટરો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગમાં લેતા વેપારીઓને ત્યાં ચેકિંગ કરતાં ૧૨૦ માઈક્રોનથી ઓછી માઈક્રોન વાળી બેગ (ઝબલા) ગ્રાહકને આપતા હોય તેવા ૨૫ વેપારીઓને ત્યાં વહીવટી ચાર્જ રૂ. ૪૯૦૦ વસૂલ કર્યો હતો. ઉપરાંત ૧૭ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક પણ જપ્ત કર્યું છે. આ કામગીરી આગામી સમય માં પણ ચાલુ રહેશે આથી પ્રતિબંધિત પ્લાસ્ટિક નું વેચાણ અને વપરાશ ન કરવા મ્યુની કમિશ્નર દ્વારા અપીલ કરાઈ છે.

