પોરબંદર નજીક આવેલ બરડા અભયારણ્ય માં બરડા જંગલ સફારી ની ચાર માસ પૂર્વે શરુઆત કરાઈ હતી. જેનો પ્રવાસીઓ દ્વારા ખુબ સારો પ્રતિસાદ આપવામાં આવતા ચાર માસ માં જ વિવિધ રાજ્યો ના ૨૦૨૬ પ્રવાસીઓ એ તેની મુલાકાત લીધી છે.
પોરબંદર નજીક આવેલ બરડા અભયારણ્ય માં તા ૨૯-૧૦-૨૪ ધનતેરસના પાવન દિવસે કપુરડી ચેક પોસ્ટ ખાતે પ્રવાસીઓ માટે એક નવીન નજરાણા સમાન બરડા જંગલ સફારી’ ફેઝ-૧નો વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ મહાનુભાવોના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.આર એફ ઓ સામતભાઈ ભમ્મરે માહિતી આપતા જણાવ્યું હતું કે ૨૭ કિ.મી.ના સફારી ના રૂટ ની કપુરડીથી શરૂઆત થઇને ત્યારબાદ ચારણ આઈ બેરિયરથી થઇ અજમા પાટ અને ભુખબરા નેશ સુધીના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે.સફારી દરમિયાન પ્રવાસીઓને બરડાની પ્રાકૃતિક સુંદરતા, કિલેશ્વરની કીલગંગા નદીના રમણીય દ્રશ્યો, પહાડી અને ડુંગરાળ ભુપ્રદેશ ઉપરાંત વન્યજીવોને તેઓના કુદરતી નિવાસસ્થાનથી જોવાની નજીક જોવાની તક મળી રહી છે.
વન વિભાગ ની આ પહેલ ને વિવિધ રાજ્યો ના પ્રવાસીઓ એ પણ ખુબ સારો પ્રતિસાદ આપ્યો છે માત્ર ૪ માસ માં જ વિવિધ રાજ્ય ના 400 બાળકો,૮૯૦ પુરુષો અને ૭૩૬ મહિલાઓ મળી કુલ 2026 પ્રવાસીઓ એ લાભ લીધો છે જેમાં સૌથી વધુ ગુજરાત ના 1955 પ્રવાસી ઉપરાંત મહારાષ્ટ્ર ના ૩૬,પશ્ચિમ બંગાળ ના ૧૨ ઉપરાંત તમિલનાડુ, કેરાલા, મધ્યપ્રદેશ, ઝારખંડ,અને આંધ્રપ્રદેશ ના પ્રવાસીઓ એ બરડા જંગલ સફારી ની લીધી મુલાકાત લીધી છે પ્રવાસીઓને ગાઈડ દ્વારા બરડા જંગલ વિસ્તારના પ્રાણીઓ ,પક્ષીઓ અને વૃક્ષો ઉપરાંત તેના ઈતિહાસ અને ભૂગોળ ની પણ સમગ્ર માહિતી આપવામાં આવે છે અહી આવતી નદીઓ,ઝરણા ,કોતરો વગેરે અંગે પણ જાણકારી આપવામાં આવે છે ઉપરાંત માલધારીઓ ના કલ્ચર અને તેઓની જિંદગી વિષે પણ પ્રવાસીઓ ગાઈડ મારફત રસપ્રદ માહિતી મેળવી રહ્યા હોવાનું આર એફ ઓ એ જણાવ્યું હતું વિવિધ રાજ્યો ના પ્રવાસીઓ ના આગમન ને પગલે સ્થાનિક અર્થતંત્ર ને પણ વેગ મળ્યો છે.
ગાઈડ સાથે ઓપન જીપ્સી ની વ્યવસ્થા
સફારીના રૂટ ઉપર જવા માટે છ પેસેન્જરોની કેપેસીટી ધરાવતી ચોકકસ પ્રકારની ઓપન જીપ્સી મૂકવામાં આવી છે જેમાં ગાઇડની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે જંગલ સફારીમાં શિયાળા અને ઉનાળાની સીઝન દરમિયાન દરરોજ બે વખત ત્રણ-ત્રણ કલાકની સફર કરાવવામાં આવે છે જેમાં શિયાળાની સીઝન દરમિયાન સવારે ૬:૪૫ થી ૯:૪૫ અને બપોરે ૩ થી ૬ એમ કુલ બે ભાગમાં જયારે ઉનાળાની સીઝન દરમ્યાન સવારે ૬ થી ૯ અને બપોરે ૩ થી ૬ એમ બે ભાગમાં સફર કરાવવામાં આવે છે.
બરડા વન્યજીવ અભયારણ્યની વિશેષતાઓ
આ અભયારણ્યમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ, વન્યજીવ તેમજ રંગબેરંગી સ્થાનિક અને યાયાવર પક્ષીઓને વિચરણ માટે જુનુ અને જાણીતું સ્થળ છે અને એની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે, બરડા વન્યજીવ અભયારણ્યનું વૈવિધ્યસભર નિવસન તંત્ર ૩૬૮ વનસ્પતિ પ્રજાતિઓને આશ્રય આપે છે, જેમાં ૫૯ વૃક્ષો, ૮૩ છોડ, ૨૦૦ ક્ષુપ અને ૨૬ વેલાઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જયારે વનસ્પતિની ૩૬૮ પ્રજાતિઓમાં, ક્ષુપનું પ્રમાણ સૌથી વધુ ૫૪% છે. ત્યારબાદ ૨૩% છોડ, વૃક્ષો ૧૬% અને વેલાઓ ૯% નો સમાવેશ થાય છે.વનસ્પતિઓમાં રાયણ બરડાની સૌથી મહત્વપુર્ણ પ્રજાતિઓમાંની એક છે.
બરડા અભ્યારણ્યમાં જોવા મળતા પશુ-પક્ષીઓ
લગભગ ૧૪ દાયકા પછી આ જંગલના વિસ્તાર ફરી એક વખત એશિયાઇ સિંહોની હાજરીનું ગૌરવ અનુભવી રહ્યું છે.ઉપરાંત આ અભયારણ્યમાં કુલ ૨૨ સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે,જેમાં સિંહ સિવાય દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી અને સસલા સામેલ છે.આ ઉપરાંત અભયારણ્ય હરણ, સાબર, ચિત્તલ, નીલગાય અને જંગલી ભુંડ જેવા પ્રાણીઓનું પણ વસવાટ કરે છે.આ અભયારણ્યમાં પક્ષીઓની ૨૬૯ પ્રજાતિઓનો સમાવેશ થાય છે, જે સૌ નાગરિકો માટે ગૌરવ સમાન છે.જેમાં મોર, તેતર, દુધરાજ, પીળીચાંચ ઢોંક, બુલબુલ, ચાશ, દેશી નીલકંઠ, શ્વેત કંઠ કલકલિયો જેવા પક્ષીઓ વિચરણ કરતા જોવા મળે છે.

