બગવદર ગામે મોબાઇલની દુકાનનું શટર ઉંચકાવીને બે શખ્શોએ દોઢ લાખ રૂપિયાના મોબાઇલ ચોરી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદર ના સીમર ગામે વાડીવિસ્તારમાં રહેતા અને બગવદર ગામે શિવપ્લાઝા મોલની બાજુમાં સોનલમા કૃપા મોબાઇલ નામની દુકાન ધરાવતા રોહિત મુળુભાઇ મોઢવાડીયા(ઉવ ૨૭) નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે નવા જુના મોબાઇલ લે-વેચનો ધંધો કરે છે. અને ખાંભોદર ગામે રહેતો હર્ષદવન ગોસ્વામી નામનો યુવાન તેની દુકાને નોકરી કરતો હોવાથી સવારે તે જ દુકાન ખોલે છે. શનિવારે સવારે તેની દુકાનની સામે સાડીની દુકાન ધરાવતા બાબુભાઈ ઓડેદરાએ રોહિતની દુકાનનું શટર તૂટેલું જોતા તેઓએ તુરંત રોહિત ને જાણ કરી હતી. આથી રોહિત તુરંત બગવદર દોડી આવ્યો હતો. અને દુકાન માં જોયું તો માલસામાન વેરવિખેર હતો. અને અલગ-અલગ કંપનીઓના સાત નવા મોબાઇલ કે જેની કિંમત ૮૪,૦૦૦ રૂા. થવા જાય છે. તથા જુના ૬ મોબાઇલ કે જેની કિંમત ૬૦,૦૦૦ રૂા. થવા જાય છે. તે ઉપરાંત ૮૦૦૦ રૂ।. રોકડ ખાનામાં રાખી હતી. તે બધું મળી રુ ૧,૫૨,૦૦૦ ની ચોરી થઇ હતી. રોહિતે સી.સી.ટી.વી. ફૂટેજ તપાસતા રાત્રે અઢી વાગ્યાના અરસામાં બે શખ્સો ચોરી કરતા હોય તેવું નજરે ચડયું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરી છે.



