સોઢાણા ગામે રહેતા યુવાને પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેની બગવદર ગામે આવેલી મોબાઇલ શોપ પર યુવતીના મામા અને મામાના પુત્ર સહિતનાઓ એ તોડફોડ કરી યુવાન પર હુમલો કરતા પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
સોઢાણા ગામે વણકરવાસમાં રહેતા પ્રદીપ દેવાભાઈ શિંગરખીયા(ઉવ ૨૫) નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તે બગવદર ગામે સરકારી હાઈસ્કુલની સામે એસ.પી. મોબાઈલ નામની દુકાન ધરાવીને વેપાર ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેણે કેટલાક સમય પહેલા કીર્તિ નામની યુવતી સાથે ભાગીને કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા. પ્રદીપ શીંગરખીયા અને તેમની દુકાને કામ કરતો કરણ ભાદરવડા એમ બંને તા.૨૭/૩ ના પોતાની દુકાને હતા અને ગ્રાહકોને સમજાવતા હતા એ સમયે ફરીયાદીની પત્ની કીર્તિના મામાનો દીકરો જયેશ ભીખા પાંડાવદરા અને મામા રામ જીવા પાંડાવદરા તથા બીજા અજાણ્યા બે માણસો દુકાનમાં આવી પહોંચ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા.
તથા જયેશે પ્રદીપને “તે મારા ફઈની દીકરી કીર્તિ સાથે પ્રેમ લગ્ન કર્યા છે જેથી આજે તને પતાવી દેવો છે”કહીને ગાળો બોલવા લાગ્યો હતો આથી ગાળો બોલવાની ના પાડતા જયેશ ઉગ્ર થઈ ગયો હતો અને લાકડાના ધોકા વડે દુકાનના કાચમાં ફટકારવા લાગ્યો હતો. કાચના ટેબલ તથા દુકાનના પ્રિન્ટરને તોડી નાખ્યું હતું અને આથી તેને રોકવાનો પ્રયત્ન કરનારા પ્રદીપને પણ જયેશે લાકડાના ધોકા વડે માર મારતા તે નીચે પડી ગયો હતો. ત્યારબાદ જયેશ તથા રામે આડેધડ લાકડા વડે માર માર્યો હતો. બીજા બે અજાણ્યા માણસોએ પણ પ્લાસ્ટિકના પાઇપ પડે માર માર્યો હતો. ઝઘડાનો અવાજ સાંભળીને ફરીયાદીના સંબંધી ગૌતમભાઈ ભાદરવડા કે જેઓ સામે જ ગેસ વેલ્ડિંગની દુકાન ધરાવે છે.તેઓ ત્યાં આવીને વચ્ચે પડતા રામ જીવા પાંડાવદરાએ લાકડાના ધોકા વડે ગૌતમભાઈને પણ માર માર્યો હતો તથા અજાણ્યા બે માણસોએ ગૌતમભાઈ તથા ફરીયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો. આથી બુમાબુમ કરતા આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા.
આથી ચારે જણા ત્યાંથી જતા રહ્યા હતા અને જતા જતા કહ્યું હતું કે “પાછા ભેગા થશો તો જાનથી મારી નાખીશું” ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે અડવાણાની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. અને ત્યાં સારવાર લીધા બાદ ફરીયાદ નોંધાવી છે જેમાં એવું જણાવ્યું છે કે પ્રદીપે કીર્તિ સાથે ભાગીને કોર્ટમાં લગ્ન કર્યા હતા તેથી આ લગ્નના વિરોધી એવા પત્નીના મામાના દીકરા જયેશ તથા મામા રામ અને અજાણ્યા બે યુવાનોએ હુમલો કરી માર મારી દુકાનમાં તોડફોડ કરી ૪૦ હજાર રૂપિયાનું નુકસાન કર્યું છે. બગવદર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.