પાદરડી ગામના યુવાન ઉપર ત્રણ શખ્સો એ હુમલો કરી હત્યા નો પ્રયાસ કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પાદરડી ગામે પ્લોટ માં રહેતા કારા જેઠા ઓડેદરા(ઉવ ૪૫)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે પોતાના ખેતર થી પાદડી ગામે ઘરે જતો હતો. અને જિયો કંપનીના ટાવર નજીક પહોંચ્યો ત્યારે પાદરડી ગામ તરફથી સિલ્વર રંગની યુટીલીટી ફૂલ સ્પીડે આવતી હતી. અને તેથી ફરિયાદીએ પોતાનું બાઈક ધીમુ ચલાવ્યું હતું. પરંતુ રોંગ સાઈડમાં આવીને યુટીલીટીના ચાલકે ફરિયાદીના બાઈક સાથે પોતાનું વાહન અથડાવ્યું હતું.
આથી તે નીચે પડી ગયો હતો ત્યારબાદ યુટીલીટીના ચાલકે પોતાનું વાહન ચાલુ રાખીને ફરિયાદીના બાઈકને ઠોકરો મારવા લાગ્યો હતો આથી ફરિયાદી નીચે પડી ગયા બાદ નજીકના ખેતરમાં ભાગવા લાગ્યો હતો. એ દરમિયાન યુટીલીટી માંથી તેમના જ ગામના મુંજા અરભમ કુછડીયા અને તેનો દીકરો વિજય મુંજા કુછડીયા તથા રામા વીસા કુછડીયા ત્રણેય લાકડીઓ લઈને નીચે ઉતરી આવ્યા હતા. અને પાછળ દોડયા હતા તથા “આજે તો તને મારી જ નાખવો છે” તેમ કહ્યું હતું આથી ફરિયાદી ભાગીને ખેતરમાં દૂર પહોંચ્યો ત્યારે ત્યાં પહોંચેલા આ ત્રણેય ઈસમોએ ફરિયાદીના પગમાં ઘા મારવા લાગતા તે નીચે પડી ગયો હતો અને બૂમો પાડવા લાગ્યો હતો આડેધડ લાકડી મારીને કહેતા હતા કે અગાઉ તે પોલીસમાં ફરિયાદ કરી હતી તેમાં તે અમારા બધાયના નામ લખાવેલ છે આજે તને મારી નાખવો છે પછી તું કોના નામ લખાવીશ? તેમ કહીને માર મારતા હતા.
આથી ફરિયાદી ને બેફામ માર્યા બાદ તેઓ જતા હતા અને ત્યારબાદ ફરિયાદી એ પત્ની શાંતિબેનને ફોન કરીને જણાવ્યું હતું કે હું અહીંયા મેરુ ચાવડા ના ખેતરમાં પડ્યો છું. અને મારા બંને પગ મુંજા અરભમ, વિજય મુંજા અને રામા વીસા એ ભાંગી નાખ્યા છે તું તાત્કાલિક આવ તેથી થોડી વાર પછી ફરિયાદીના પત્ની શાંતીબેન અને પુત્ર કિશન ત્યાં આવી ગયા હતા એ દરમિયાન હુમલાખોરો યુટિલિટી ચલાવીને ભાગી ગયા હતા અને ભાગતા હતા ત્યારે રોડની સાઈડમાં યુટીલીટી ફસાઈ ગઈ હતી આથી તેઓ એક ટ્રેક્ટર લઈને આવ્યા હતા અને તેના દ્વારા યુટીલીટી કાઢી લીધી હતી. તથા ટ્રેક્ટર લઈને પાદરડી તરફ જતા રહ્યા હતા એ દરમિયાન પોલીસ અને 108 એમ્બ્યુલન્સ આવી જતા ફરિયાદીને તેની પત્ની અને પુત્ર એ સરકારી હોસ્પિટલ ખાતે પોરબંદર સારવાર માટે દાખલ કર્યા છે.
જ્યાં બંને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ છે આથી દવાખાના ખાતેથી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં કારણ એવું જણાવ્યું છે કે દોઢ વર્ષ પહેલા મૂંજા અરભમ કુછડીયા અને વિજય મુંજા કુછડીયા વિરૂધ પોલીસ ફરિયાદ કરી હતી તેનું મન દુઃખ રાખીને એ ત્રણેય ઈસમોએ ફરિયાદીની હત્યાના ઇરાદે યુટીલીટી ચડાવી ચલાવીને ગંભીર રીતે માર માર્યો છે ત્યારે પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

