કુતિયાણાના ગોકરણ ગામે રાત્રે ત્રણ વાગ્યે વૃધ્ધા ના ઘરમાં ઘુસેલા શખ્શે વૃધ્ધા ના માથામાં હથોડીના ૨૦ ઘા મારીને સોનાના એક વેઢલાની લુંટ કરી હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
ગોકરણ ગામે પોસ્ટ ઓફિસ પાસે રહેતા રાંભીબેન ભીખાભાઈ નંદાણીયા(ઉવ ૬૦) નામના વૃદ્ધાએ કુતિયાણા પોલીસ મથકમાં નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેઓ પોતાના ઘરે એકલા રહે છે તેનો પુત્ર પ્લોટ વિસ્તારમાં અલગ રહે છે.તા.૨૦/૬ ના સવારે ૯:૦૦ વાગે તેઓ પોતાના પુત્ર જીવાના ઘરે ગયા હતા અને દિવસ દરમિયાન ત્યાં રોકાયા હતા અને રાત્રે તે ઘરે પરત આવ્યા હતા જમીને નવેક વાગ્યે ડેલામાં તાળું મારીને સુઈ ગયા હતા.
રાત્રે ત્રણ વાગ્યે ગરમી થતા તરસ લાગી હતી આથી રાંભીબેને ઘરનો દરવાજો ખોલ્યો હતો અને હાથબત્તી લઈને બહારની લાઈટ કરી હતી એ સમયે ઓસરીમાં પાતળા બાંધાનો છ ફુટની ઊંચાઈવાળો ઈસમ હાથમાં હથોડી લઈને ઉભો હતો.આથી રાંભીબેનને બીક લાગતા તેઓ ઘરમાં ભાગવા જતા એ ઈસમ પાછળ દોડી આવ્યો હતો. અને હથોડી વડે તેમના માથામાં ઘા મારવા લાગ્યો હતો.આથી તેઓ નીચે પડી ગયા હતા. અને કાનમાં પહેરેલા વેઢલા કાઢી લીધા હતા.આથી આ મહિલા રાડારાડી કરવા લાગ્યા હતા તેથી એ ઈસમ ત્યાંથી ભાગવા લાગ્યો હતો ત્યારે તેણે ઘરનો દરવાજો ઉપરથી આગળીયો મારીને બંધ કરીને જતો રહ્યો હતો.
આ ઝપાઝપી દરમિયાન દરવાજા પાસે સોનાનો એક વેઢલો પડી ગયો હતો જ્યારે બીજો વેઢલો કે જેનું વજન બે તોલા સોનાનું હતુ તે લઈને જતો રહ્યો હતો દરવાજો ખોલવાનો રાંભીબેને પ્રયાસ કર્યો હતો,પરંતુ દરવાજો બંધ હતો અને માથામાં લોહી નીકળતું હતુ.આથી ટુવાલથી માથું દબાવી રાખી પોતે બુમાબુમ કરી હતી.પરંતુ રાત્રીનો સમય હોવાથી કોઈએ અવાજ સાંભળ્યો ન હતો.
ત્યારબાદ પોતે ખાટલા પર સુતા રહ્યા હતા અને સવારે છ વાગ્યે અજવાળું દેખાતા હિંમત કરીને બારી પાસે જઈને બુમો નાખતા કોઈ પાડોશીએ અવાજ સાંભળ્યો હતો અને ફરીયાદીના દીકરા જીવાને ફોન કર્યો હતો દીકરો જીવો અને પાડોશી અરવિંદ હરદાસ કરંગીયા વગેરે ડેલાની વંડી ટપીને અંદર આવ્યા હતા અને રૂમનો આગળીયો ખોલીને વૃદ્ધા પાસે આવતા તેને બનાવની વાત કરી હતી ત્યારબાદ ઈમરજન્સી સેવા ૧૦૮ ને ફોન કરીને એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને કુતિયાણાના સરકારી દવાખાને તથા વધુ સારવાર માટે ઉપલેટા ગયા હતા અને માથાના ભાગે ૧૫ થી ૨૦ ટાકા આવ્યા છે આંગળીમાં પણ ઈજા થઈ છે.
આથી રાત્રે ત્રણેક વાગ્યે માથાના ભાગે હથોડીના વિસેક જેટલા ઘા મારીને ગંભીર ઇજા કરી હત્યાની કોશિશ કરી ૨૦,૦૦૦ રૂપિયાનો બે તોલા સોનાનો વેઢલો લુટીને અજાણ્યો લુટારો ચાલ્યો ગયો છે.તેથી તેની સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.કુતિયાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.