પોરબંદર ખાણખનીજ વિભાગે બળેજ અને ઓડદર ગામે ગેરકાયદે ખાણો માં દરોડા પાડી ૧ કરોડ નો મુદામાલ સીઝ કર્યો છે.
પોરબંદર ના કલેક્ટર એસ.ડી.ધાનાણીના માર્ગદર્શન હેઠળ ખાણખનીજ વિભાગ ના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી એમ.એમ.મોદી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર કે.એમ.સોલંકી, માઇન્સ સુપરવાઇઝર કે.વાય.ઉનડકટ અને એમ.એસ.ગોજીયા દ્વારા તા.૩ અને ૪ ના રોજ પોરબંદર તાલુકામાં ગેરકાયદેસર ખનન વહન અંગેની આકસ્મિક તપાસણી હાથ ધરી કુલ અંદાજીત રૂ.૧.૦૫ કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે જેમાં બળેજ ગામે બિલ્ડીંગ લાઈમસ્ટોનના ગેરકાયદે ખાડામાંથી ૩ ચકરડી મશીન, ૧ જનરેટર તથા ૧ ટ્રેકટર મળી ૧૨ લાખ નો મુદામાલ સીઝ કરી નવીબંદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે તપાસમાં ખાણકામ હાદાભાઈ કિસાભાઈ ઉલ્વા દ્વારા થતુ હોવાનું ધ્યાને આવતા તેની સામે કાર્યવાહી હાથ ધરાશે.
ઉપરાંત ઓડદર ગામે લાઈમસ્ટોનના બે ખાડામાંથી ૭ ચકરડી મશીન, ૨ ટ્રેકટર, ૧ જનરેટર તથા ૧ ટ્રક(અંદાજીત ૯ મે.ટન બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનિજ ભરેલ) મળી ૩૮ લાખ નો મુદામાલ સીઝ કરી સુભાષનગર પોલીસ સ્ટેશનની હસ્તકની ઓડદર આઉટ પોસ્ટ ખાતે રાખવામાં આવ્યો છે જે ખાણકામ રામભાઈ ગીગાભાઈ કેશવાલા દ્વારા થતુ હોવાનું તપાસમાં ખુલ્યું છે એ સિવાય રાત્રીના ચેકિંગ દરમ્યાન સાંદિપની રોડ પરથી ૧ ટ્રક ના માલિક કારાભાઈ ધાનાભાઇ મોરી દ્વારા બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનિજનુ અંદાજીત ૩૫ મે.ટન રોયલ્ટી પાસ વગર વહન કરતા અટકાયત કરી ખનિજ જથ્થા સાથે સીઝ કરી કલેકટર કચેરી ખાતે રાખવામાં આવ્યું છે તેમજ મહિયારી-કુતિયાણા રોડ પરથી ૧ ટ્રક માલિક લીલાભાઈ રાજાભાઇ પરમાર દ્વારા ૧૮,૬૨૦ મે.ટન તથા કુતિયાણા ખાતેથી ૧ ટ્રેકટરના માલિક હાર્દિકભાઇ ભીમાભાઇ પરમાર દ્વારા બિલ્ડીંગ લાઈમસ્ટોનનુ ૬.૯૭૦ મે.ટન રોયલ્ટી પાસ વગર વહન કરતા અટકાયત કરી ખનિજ જથ્થા સાથે સીઝ કરી કૃતિયાણા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યું છે. જે મુદામાલ ની કુલ કીમત ૫૫ લાખ છે. જવાબદાર વિરૂધ્ધ ગુજરાત ખનિજ ગેરકાયદેસર(ખનન,વહન, સંગ્રહ) નિવારણ નિયમો-૨૦૧૭ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેર કરાયું છે.