પોરબંદરમાં જેસીઆઈ અને નવરંગ સંસ્થા દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત જુદી જુદી કલામાં પ્રભુત્વ મેળવનારા કલાગુરુઓનું સન્માન કરાયું હતું.
ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે જેસીઆઈ પોરબંદર અને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે ગુરુ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જુદાજુદા શાસ્ત્રીય નૃત્ય ક્લાસના નૃત્યકારો દ્વારા વિવિધ થીમ ઉપર નૃત્ય પર્ફોર્મન્સ રજૂ કરીને ગુરુઓની ભાવવંદના કરી હતી. આ કાર્યક્રમમાં વિજય ઠકરાર, હર્ષાબેન માંડલીયા, ક્રિષ્નાબેન રાણીગા અને કાશ્મીરાબેન સંઘવી સહિત ક્લાસિકલ નૃત્ય કલાસોના સંચાલકોએ ખૂબ જ સુંદર કૃતિઓ દ્વારા બાળકોને ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે કાર્યક્રમ માટે તૈયાર કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણીયા, મંત્રી સ્નેહલ જોશી, જેસીઆઈ પોરબંદરના પ્રમુખ રાધેશ દાસાણી અને બંને સંસ્થાઓના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જય પંડ્યાએ કર્યું હતું.
દરેક કલાક્ષેત્રમાં વર્ષો સુધી યોગદાન આપનાર વડીલ કલાગુરુઓનું આ ગુરુવંદના કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં
■ નરોત્તમ પલાણ (સાહિત્ય કલા)
રાણા ખિરસરા ગામે જન્મેલ નરોત્તમભાઈ પલાણે 1972માં એમએ બીએડ ડીગ્રી પ્રાપ્ત કરી. 1973થી ગુરૂકુળ મહિલા કોલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત થયા હતા. તેઓ ઇતિહાસ, પુરાતત્વ, શિલ્પ, સ્થાપત્ય અને સાહિત્યમાં ખૂબ જ રસ ધરાવતા પલાણ સાહેબે પોરબંદરથી દ્વારકા સોમનાથ સુધીના પ્રાચીન વારસાનું ઊંડાણ પૂર્વક સંશોધન કર્યું. તેઓને અનેક એવોર્ડ અને પારિતોષિકોથી નવાજવામાં આવ્યા છે.
■ નથુભાઈ ગરચર (ચિત્રકલા)
નથુભાઈએ બાળપણમાં માતાપિતાના સંઘર્ષને ખૂબ જ નજીકથી જોયા અને પછી મનની પાટીમાં સફળતાનાં ચિત્રો દોરવાની શરૂઆત કરી. 60 હજારથી વધુ રેખાંકનો, ભીંત ચિત્રો, કેનવાસ, સ્કેચ દરેક ચિત્રોમાં જેમનો હાથ અચલ ગતિએ રંગો પૂરે છે. પોરબંદરના સમુદ્ર કિનારે સુંદર રેતચિત્રો તૈયાર કરી દરિયાકાંઠાની રોનકને વધુ રમણીય બનાવે છે એવા નથુભાઈ ગરચરને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક પારિતોષિક એવોર્ડથી સન્માન પ્રાપ્ત થયું છે.
■ શરદભાઈ જોશી (સંગીતકલા)
1960ની સાલમાં આપણા પદ્મવિભૂષણ શ્રી રવિશંકરજી સિતારવાદક તેમની સાથે તાનપુરામાં સંગત આપેલી. 1982-83માં ટોપાઝ ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંતૂર વાદકશ્રી શિવકુમાર શર્માજી તથા બંસરી વાદકશ્રી હરિપ્રસાદ ચોરસિયાજી સાથે થાનપુરામાં સંગત આપેલી તથા શ્રી ગિરજાદેવીજી જે ક્લાસિકલના ખૂબ જ આગવા ગાયક છે તેમની સાથે હાર્મોનિયમમાં સંગત આપેલી. 2006 પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના મંદિર મહોત્સવ ખાતેના પ્રોગ્રામમાં બનારસના ડાગર બંધુજી સાથે હાર્મોનિયમ તથા તાનપુરાની સંગત આપેલ. સંગીત જગતના ભીષ્મપિતા એવા ભારતના પ્રખર પંડિત જસરાજજી તેમની સાથે પણ સંગત આપેલી હાલ પણ તેઓ નવોદિત સંગીત રસિકોને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
■ રાણાભાઈ સિડા (નૃત્ય કલા)
રાણાભાઈ બાળપણથી જ ભારતીય પ્રાચીન સંસ્કૃતિ નૃત્ય તરફ રસ કેળવતા થયા હતા. મહેરના મણિયારા રાસને લોકલથી ગ્લોબલ સુધી લઈ જવાનો શ્રેય રાણાભાઈને જ જાય છે. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીથી લઈ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ મણિયારા રાસની પ્રસ્તુત કરનાર રાણાભાઈ દુનિયાના અનેક દેશોમાં નૃત્ય કલાના કામણ પાથરી ચુક્યા છે.
■ જયેશ હિંગળાજિયા (નાટ્ય કલા)
2003 બીજી ઓક્ટોબરથી 2024 સુધીમાં 152 વખત મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ બની અને અત્યાર સુધીમાં 256 જેટલા વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યા છે. આ પહેલા પણ બીબીસી ડોક્યુમેન્ટરી ફિલ્મની અંદર મહાત્મા ગાંધીજીનો એક્ટિંગ અભિનય કરેલ ત્યારબાદ નેશનલ જીયોગ્રાફિક મેગેઝીનમાં પણ સ્થાન મળેલ છે. 2012માં વિયત નામ હોચિમીના ખાતે phdની ડિગ્રી એનાયત કરેલ છે એ સિવાય ભારતમાં અલગ અલગ રાજ્યો અને અલગ અલગ શહેરોમાં મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ બનીને મહાત્મા ગાંધીજીના આદર્શો અને વિચારોને લોકો સુધી પહોંચાડવા તેઓ પ્રયત્નશીલ રહ્યા છે.
■ રામભાઈ ઘડિયાળી (શિલ્પકલા)
રામચંદ્ર દિનકર રાવ સહસ્ત્રબુદ્ધે જોકે આનામ ફકત ૩ ટકા લોકોનેજ ખબર છે. વ્યવસાયે ઘડિયાળી પણ રૂચિ શિલ્પા કળા અને સંગીતમાં, શિલ્પમાં પણ પ્રયોગશીલ પોરબંદરમાં સૌ પ્રથમ વખત ફાઈબર ગ્લાસ પોર્ટ્રેઇટ કાંશ્ય, કલે મોડેલિંગ અને રોબોટિક આવ્યા સંચાલિત મૂર્તિઓના સફળતા પૂર્વક પ્રયોગ પોરબંદર શહેરમાં પ્રથમ થયા છે. પોરબંદર શહેર ઉપરાંત સુરત અને અમદાવાદ ખાતે તેઓએ બ્રોન્ઝની મૂર્તિ સ્થાપિત કરી છે.
■ હરિશભાઈ લાખાણી (છબીકલા)
ફોટો કલાના કસબી હરિશભાઈ લાખાણીએ આ ક્ષેત્રમાં અનેક આયામો સિધ્ધ કર્યા છે. સૃષ્ટિના વિસર્જન પામતાં તત્વો હોય કે નયન રમ્ય દ્રશ્ય હોય ! રોજિંદી જિંદગીમાં સર્જાતા અવનવા કાર્યકલાપો હોય કે કુદરતી સર્જાતા દશ્યો જેવાકે વીજળી, આકાશ, વંટોળ, ખંઢેર પર્વત ગુફા કે ઝરણાં, રેતી ના અદ્ભુત આકારો તેના કેમેરાની કળા છે, તેઓ નાનપણ થી જ અવિરત પણે રહ્યા છે. અરૂપમાંથી પણ રહસ્ય અને સૌદંર્ય મંડિત તસ્વીરો સર્જતા કલાકાર હરિશભાઈ પોરબંદર ના હોમ લાઈટ સરીખા ખ્યાતનામ ફોટોગ્રાફર છે, તેઓએ ગુજરાત અને બહાર કેટલાયે એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.



