પોરબંદર સહિત રાજ્યભરમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. ત્યારે કેટલીક શાળાઓમાં ચોક્કસ પ્રકારના સ્વેટર ખરીદવા માટે વાલીઓ ને દબાણ કરવામાં આવે છે. ત્યારે સરકારના પરિપત્ર અને નિયમ પ્રમાણે આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી દરેક શાળાઓને સૂચના આપે તેવી માંગ ઉઠી છે.
રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કોઈપણ સરકારી કે ખાનગી શાળામાં ચોક્કસ પ્રકારના સ્વેટર માટે દબાણ કરી શકાશે નહીં વિદ્યાર્થીઓને માફક આવે એ પ્રકારનું સ્વેટર પહેરવાની છૂટ આપવાની રહેશે. તેમ છતાં પોરબંદર માં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. ત્યારે કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાને થી જ સ્વેટર ખરીદવા ફરજ પાડવામાં આવી રહી છે. ખાનગી શાળાઓ દ્વારા વોટ્સેપ ગ્રુપ માં જ જેકેટ નો કલર ,ફોટો અને ચોક્કસ દુકાન નું એડ્રેસ આપી ત્યાથી જ વાલીઓ ને જેકેટ ખરીદવા સુચના આપવામાં આવે છે. અને જે દુકાને આ જેકેટ વેચાય છે તે દુકાનદાર દ્વારા તક નો લાભ લઇ બજારભાવ કરતા ઊંચા ભાવે જેકેટ નું વેચાણ કરવામાં આવે છે. અને ન છુટકે વાલીઓને વધુ રકમ ચુકવવી પડે છે.
વધુ પડતી ઠંડી હોય તો ઘણા વિદ્યાર્થીઓ બે સ્વેટર પહેરતા હોય છે અથવા ઉનના ગરમ જાડા સ્વેટર પહેરતા હોય છે. ત્યારે તેનાથી તેઓ ઠંડીથી બચી શકે છે. માટે ચોક્કસ પ્રકારના શાળાના લોગો વાળા સ્વેટર અથવા કોઈ ચોક્કસ દુકાને થી જ જેકેટ કે સ્વેટર લઇ પહેરવા માટે જે કોઈપણ સૂચના આપે તો તે શાળાઓ સામે કાર્યવાહી કરીને વિદ્યાર્થીઓને યોગ્ય સ્વેટર પહેરવા માટે છૂટ આપવી જોઈએ તેવી વાલીઓ માં માંગ ઉઠી છે.