પોરબંદર ના રેસ્ટોરન્ટ સંચાલક નો બિલેશ્વર નજીક નદી માંથી કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના રેલ્વે સ્ટેશન બહાર આવેલ વિમલ રેસ્ટોરન્ટ ના સંચાલક યતીશભાઈ ધીરજલાલ આડતિયા (ઉવ ૫૦)નામના વેપારી ઘરે થી કોઈ ને કહ્યા વગર અઠવાડિયા પહેલા નીકળી ગયા હતા. અને પાકીટ ઘરે મૂકી માત્ર મોબાઈલ સાથે લઇ ગયા હતા. આથી તેમના પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં તેઓની ભાળ મળી ન હતી. ગઈ કાલે બિલેશ્વર પાટિયા પાસે આવેલ વિરમભાઇ મેરામણભાઈ ગોઢાણીયા ની વાડી ના શેઢે તોરણીયા નદી ના કાંઠે થી તેમનો કોહવાયેલ હાલત માં મૃતદેહ મળી આવ્યો હતો. આથી તેના પરિવારજનો તથા પોલીસ તુરંત સ્થળ પર દોડી ગયા હતા. અને મૃતદેહ ને ફોરેન્સિક પીએમ અર્થે જામનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
તપાશનીશ રાણાવાવ પી એસ આઈ પી ડી જાદવે જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિ એ આપઘાત નો બનાવ છે. અને મૃતદેહ ની સ્થિતિ જોતા યતીશભાઈ એ ચાર થી પાંચ દિવસ પહેલા આપઘાત કર્યો હોવાની શક્યતા છે. જો કે આપઘાત નું કારણ શું છે તે અંગે પરિવારજનો ના નિવેદન બાદ હકીકત સામે આવશે. મૃતક યતીશભાઈ ને સંતાન માં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળે છે. બનાવ ના પગલે પરિવારજનો પર વજ્રઘાત ની સ્થિતિ સર્જાઈ છે.
પંદર દિવસમાં ત્રણ યુવાનો ના આપઘાત ના પગલે રઘુવંશી સમાજ માં અરેરાટી
ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર દિવસ માં રઘુવંશી સમાજ ત્રણ યુવાનો જેમાંથી બે તો પ્રતિષ્ઠિત વેપારી પેઢી ધરાવતા યુવાનો એ આપઘાત કર્યા છે. જેમાં કડિયાપ્લોટ શેરી નં-૬ માં આવેલી ખુબ જ જાણીતી પેઢી અનાજ કરીયાણાના વેપારી નારણદાસ છગનદાસ તન્ના પરિવારના ચિંતન અરૂણભાઈ તન્ના(ઉવ ૪૦) નામના યુવાને પંદર દિવસ પહેલા કોઈ અગમ્ય કારણોસર અસ્માવતી રીવરફ્રન્ટ ખાતે જઈને ઝેરી દવા પી લીધી હતી. જે અંગે જાણ થતા તેના પરિવાર ના સભ્યો ત્યાં દોડી ગયા હતા. અને સારવાર માટે ખાનગી હોસ્પિટલ માં ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાતા ત્યાં તેનું મોત થયું હતું
તો ચારેક દિવસ પહેલા લાલ પેલેસ પ્લોટમાં રહેતા મિલન રમેશભાઈ લાખાણી (ઉ.વ.૨૯) નામના યુવાને પોતાના ઘરે અગમ્યકારણોસર પંખા સાથે ચાદર બાંધીને ગઈકાલે રાત્રે ગળાફાંસો લીધો હતો ખુબજ ટેલેન્ટેડ અને મળતાવડો સ્વભાવ ધરાવતા મિલને પણ એકાએક આવું પગલું ભરી લેતા પરિવાર પર વજ્રઘાત સર્જાયો હતો. ત્યારબાદ વધુ એક યુવા વેપારી એ આપઘાત કરી લેતા સમગ્ર લોહાણા સમાજ માં અરેરાટી વ્યાપી ગઈ છે.