પોરબંદર માં છેલ્લા ૨૫ વર્ષ થી શ્રીફળ માં કીડીયારું ભરી અલગ અલગ વિસ્તારો માં મુકતા સેવાકર્મી અબોલ પશુ પક્ષીઓની સેવાનું અનેરું ઉદાહરણ બન્યા છે.
પોરબંદરમાં છેલ્લા પચીસ વર્ષથી પશુ-પક્ષી માટે ચંદુભાઇ સોઢાએ સેવાનો ભેખ ધારણ કર્યો છે. છેલ્લા ૨૫ વર્ષમાં એક લાખ પચીસ હજાર કરતા પણ વધારે શ્રીફળમાં કીડીયારૂ ભરી અને કીડીને કણ આપ્યું છે. કહેવાય છે કે સંતનો સંગ થયો તો ભવ સુધરી જાય તે રીતે જ આ ચંદુભાઇ ઉપર સંત દેવુ ભગતના આશીર્વાદ રહ્યા છે.. માત્ર સેવાનો જેનો ઉદ્દેશ છે તેવા ચંદુભાઇ છેલ્લા ૨૫ વર્ષથી કીડીયારૂ પૂરવાનું કામ કરે છે. ગાયો, શ્વાન અને ગરીબો માટેનો સેવાયજ્ઞ ચલાવે છે.
તેઓ શ્રીફળની અંદર હોલ પાડી અને તેમાં ઘઉંનો લોટ, ખાંડનો પાઉડર, ચોખાનો પાઉડર, તલ, રવો, બિસ્કીટ, તેલ મિકસ કરી ભરે છે. અને આ તૈયાર થયેલ શ્રીફળ બીરલા કોલોની પાછળ, દુધેશ્વર મંદિરની પાસે જંગલમાં, જુની ખાણ વિસ્તાર અને બાવળના ઝાડ સહિતની જગ્યાએ મૂકે છે. સૂક્ષ્મ જીવ ગણાતી કીડીની જરાગ્નિ ઠારવાનો આ સેવાયજ્ઞ કરી માનવતાને મહેકાવે છે. આ સેવાચજ્ઞમાં નામી-અનામી દાતાઓનો સહયોગ પણ તેમને મળે છે.
કીડીયારૂં પૂરવાની સેવાની સાથે પક્ષીઓને ચણ અને શ્વાનને બિસ્કીટ પણ ખવડાવે છે. બીરલા કોલોની પાછળ દુધેશ્વર મંદિરની પાસે નજીકના ઉપરાંત અંતરિયાળ ખાણ વિસ્તારમાં પશુ-પંખી તરસ્યા ન રહે તે માટે તેઓને પીવાના પાણી ની કુંડીમાં પાણી ભરવાનું ભગીરથ કાર્ય પણ ચંદુભાઈ સાયકલ લઇને કરી રહ્યા છે. તેઓ ૪૫ વર્ષથી ધુનમંડળ ચલાવે છે. અને સારા-માઠા પ્રસંગોમાં જય સીયારામ ધુન મંડળના માધ્યમથી વિનામૂલ્યે ધુન બોલાવવા પણ જાય છે. ઉપરાંત કોઈ ના શુભ પ્રસંગોમાં ભોજન વધ્યું હોય તો ભુખ્યા સુધી પહોંચાડવાની સેવા પણ કરે છે.તેઓની આ અવિરત કામગીરી શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે.





