પોરબંદરના સુભાષનગર તરફ જતા રસ્તે પુરઝડપે આવતા ટ્રકે સાયકલ સવાર વૃદ્ધ પુજારી ને હડફેટે લેતા તેઓનું સારવાર દરમ્યાન મોત થયું છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરના છાયા-નવાપરામાં રહેતા અને ઓરીએન્ટ ફેક્ટરીમાં નોકરી કરતા નિલેષપરી રાજુપરી એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના પિતા રાજેશપરી કેશવપરી (ઉ.વ. ૫૮)જાવર વિસ્તારમાં આવેલ ખોડીયાર મંદિર ના પુજારી તરીકે સેવા આપે છે. ગઈ કાલે બપોર ના સમયે ઘરેથી સાયકલ પર ફૂલ લઇ ખોડીયાર માતાજીના મંદિરે જતા હતા ત્યારે સામે સુભાષનગર તરફથી પુરઝડપે આવતા ટ્રકના ચાલકે બેફિકરાઇથી ટ્રક ચલાવી રાજેશપરીને સાયકલ સાથે હડફેટે લઇ લીધા હતા.
આથી તેઓ ટ્રકના જોટા નીચે આવી જતા ગંભીર ઇજાઓ થઇ હતી. ટ્રકનો ચાલક ટ્રક ત્યાંજ મુકી નાશી ગયો હતો. ઈજાગ્રસ્ત્ત રાજેશપરી ને સારવાર અર્થે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક કલાક ની સારવાર બાદ જ તેઓનું મોત થયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદર ના સુભાસનગર માર્ગ પર પુરઝડપે વાહનો ના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે અનેક લોકો એ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે તંત્ર એ આવા બેફામ વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે બીજી તરફ આ માર્ગ પર સ્પીડ બ્રેકર મુકવાની પણ ખાસ જરૂર છે