પોરબંદર જીલ્લા ને વધુ એક ધન્વન્તરી રથ ફાળવવામાં આવતા જીલ્લા પંચાયત કચેરી ખાતે થી તેનું પ્રસ્થાન કરાવવામ આવ્યું હતું.
ગુજરાત સરકાર દ્રારા પોરબંદર જિલ્લાને વધુ એક ધન્વંતરિ આરોગ્ય રથ ફાળવવામા આવ્યો છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ પોરબંદર હસ્તકના ધન્વંતરિ આરોગ્ય રથને જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા, જિલ્લા વિકાસ અધિકારી નીનામા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો બી બી કરમટા, પ્રો.મેનેજર મગનભાઇ મકવાણા સહિતે ઉપસ્થિત રહીને ધન્વંતરિ રથને લીલીઝંડી આપીને કુતિયાણાના તાલુકાના શ્રમિકોના સારા આરોગ્ય માટે રથને પ્રસ્થાન કરાવ્યુ હતું. આ અગાઉ પોરબંદર જિલ્લામા બાંધકામ શ્રમયોગીનું સ્વાસ્થ્ય અને સુખાકારી માટે એક ધન્વંતરિ આરોગ્ય રથ હતો. હવે કુલ બે રથ કાર્યરત થયા છે. આ નવો રથ દ્રારા આજથી કુતિયાણા તાલુકામા સેવા શરૂ થશે.
આ ધન્વંતરિ આરોગ્ય રથ કુતિયાણા તાલુકો, બાંધકામ શ્રમિક વસાહત, બાંધકામ શ્રમિક સાઇટ અને આસપાસના ગામડાઓમાં ફરીને દર્દીઓને પ્રાથમિક સારવાર, પેશાબ તપાસ, તાવ, બીપી, સુગરની તપાસ, લોહીની તપાસ કરવાની સાથે દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવશે.
આરોગ્ય તપાસણીની સાથે સાથે ધન્વંતરિ આરોગ્ય રથમાં બાંધકામ શ્રમિકોને ઇ-શ્રમ કાર્ડ, ઇ-નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવશે. ધન્વંતરિ આરોગ્ય રથમાં એક મેડીકલ ઓફિસર, એક પેરામેડિકલ સ્ટાફ, એક લેબ ટેકનીશીયન, એક લેબર કાઉન્સીલર અને ડ્રાઇવર મળી કુલ પાંચ સ્ટાફ હશે. ધન્વંતરિ આરોગ્ય રથનો ઉદેશ્ય બાંધકામ શ્રમયોગીનું સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાય તે માટેનું છે.



